Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

જનજીવન ક્રમશઃ ધબકતું થતા

ચામડાતોડ વ્યાજખોરો હવે બેફામ બનશે?

રાજકોટ તા .૩૦ : ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાએ રીતસર કાળોકેર વર્તાવ્યો છે અને સમગ્ર વિશ્વમાં સાડા ત્રણ લાખ લોકોનો ભોગ લઇ લીધો  છે. ગુજરાત સહિત ભારતમાં પણ હજ્જારો લોકો કોરોના સંક્રમિત થયા  છે. કોરોના સામે તકેદારીરૂપે સતત સવા બે મહિનાથી લોકડાઉન પણ ચાલી રહ્યું છે. લોકડાઉન ૪.૦ આવતી કાલ ૩૧ મે ના રોજ પુરૃં થઇ રહ્યું છે. છૂટછાટ સાથેનું લોકડાઉન પ.૦ પણ આવી શકે છે.

પ્રથમથી શરૂ કરીને દરેક લોકડાઉનના અંતે તથા નવા લોકડાઉનના પ્રારંભે નીતિ-નિયમોમાં ફેરફારો થતા ગયા અને છૂટછાટો પણ ક્રમશઃ વધતી ગઇ. એમાં પણ ખાસ કરીને લોકડાઉન ૪.૦ માં પ્રમાણમાં ઘણી બધી છૂટછાટો મળી અને જનજીવન ક્રમશઃ ધબકતું થવા માંડયું.

આ સાથે જ મની-મસલ્સ પાવરના સહારે ગેરકાયદેસર રીતે વ્યાજ-વટાવનો તથા રૂપિયા ધીરધારનો ધંધો કરતા ચામડાતોડ વ્યાજખોરો હવે બેફામ બનવાની શકયતા દેખાઇ રહી છે. કોરોના-લોકડાઉન પહેલા પણ લોકોએ આર્થિક મજબુરીને કારણે વ્યાજ- વટાવનો ગેરકાયદેસર બિઝનેસ કરતા લોકો પાસેથી ૧૦ થી ૩૦ ટકા જેટલા ઉંચા વ્યાજે રૂપિયા લીધા હોવાનું સંભળાય  છે. આ રીતે  વ્યાજે રૂપિયા લેનાર લોકો પાસેથી પણ હાલમાં પઠાણી ઉઘરાણી શરૂ થઇ હોવાની ચર્ચા છે.

સાથે-સાથે કોરોના તથા લોકડાઉનના સમય દરમ્યાન આર્થિક રીતે ખેંચ ન પડે  તથા બજારમાં વર્ષોથી રહેલી પોતાની 'શાખ' જળવાઇ રહે તે માટે ઘણાં લોકો-વેપારીઓ ગેરકાયદેસર રીતે ધીરાણ કરતા લોકોના શરણે ગયા હતા. તે વખતે ધીરાણ લેનાર લોકો - વેપારીઓએ ધંધા-રોજગાર શરૂ થઇ જાય અને બજારમાંં થોડી લિકવીડીટી દેખાવા લાગે એટલે રૂપિયાનું વ્યાજ અને મૂળ રકમ ધીમે-ધીમે ચુકવી આપવા જણાવ્યું હતું.

પરંતુ લોકડાઉન પછી ઓડ-ઇવન નંબર પ્રમાણે ધીમે-ધીમે બિઝનેસ શરૂ થતાં જ વ્યાજખોરો પોતાના અસલી રંગમાં આવી ગયા છે. વેપારીઓને ફોન કરીને વ્યાજ તથા મૂળ રકમની ઉઘરાણી કરવા માંડયા છે. રૂપિયા પરત આપવાની ડેડલાઇન  પણ આપવા લાગ્યા છે. જો સમયમર્યાદામાં વ્યાજ કે મૂળ રકમ પરત નહીં અપાય તો રૂપિયાના બદલામાં સેફટી પેટે આપેલ જે - તે મિલકતની ફાઇલને ભૂલી જવા કહેવાય રહ્યું છે. અથવા તો મિલકતની ફાઇલને બદલે કોઇ માણસ જામીન પડેલ હોય તો તે માણસને કે રૂપિયા વ્યાજે લેનાર વેપારીને જોઇ લેવાની પણ ધમકી અપાતી હોવાની ચર્ચા છે.

ઘણાં વેપારીઓએ તો લોકડાઉન દરમ્યાન ૧૦ થી ૩૦ ટકા સુધી વ્યાજે 'ઇન્સ્ટન્ટ રૂપિયા' મેળવ્યા હોવાનું પણ સંભળાય છે. કારણ કે કાયદેસર રીતે બેન્કમાંથી કે ધીરાણ મંડળીમાંથી રૂપિયા મેળવવામાં પેપર પ્રોસીજરમાં ઘણો સમય નીકળી જતો હોય છે. સાથે-સાથે  કોરોના પણ ચાલી રહ્યો છે.

એવું પણ જાણવા મળે છે કે રાજકોટના ઘણાં વેપારીઓએ તો લોકડાઉન હોવા છતાં પણ દુકાનો-ફેકટરીના ખર્ચા (સ્ટેડીકોસ્ટ), માણસોના પગાર, દુકાન-કારખાના-ઓફિસો વિગેરેના ભાડા, લોકડાઉન પૂર્વે અન્ય જીલ્લા-રાજયોમાંથી લીધેલો માલ-કાચામાલનું પેમેન્ટ વિગેરે માટે તાબડતોબ રૂપિયાની વ્યવસ્થા કરવી પડી હતી.

અમુક મોટા અને સમૃદ્ધ વેપારીઓ કે સામાન્ય દિવસોમાં -સંજોગોમાં ગ્રુપ સર્કલમાં વ્યવહારૂ-વ્યાજબી રેઇટથી વ્યાજે આપતા વેપારીઓએ પણ ઓળખીતા લોકોને હસતા મોઢે સામાન્ય કરતા ઘણાં ઉંચા વ્યાજે રૂપિયા આપ્યા હોવાનું જાણવા મળે છે.  જો કે રૂપિયા આપનાર આવા વેપારીઓ 'મસલ્સ પાવર' વાળા ન હોવાથી ઘણાંને 'બૂચ' પણ આવવાની શકયતા છે, અથવા તો આવી પણ ગયા છે.

આર્થિક ભીંસને કારણે અથવા તો વ્યાજ અને મૂળ રકમની પઠાણી ઉઘરાણીને કારણે તથા મની-મસલ્સ પાવરથી ડરીને અમુક વેપારી દ્વારા તો આપઘાતની કોશીશ પણ થઇ હોવાની ચર્ચા છે. જો કે આપઘાતની કોશીશ કરનાર ઘણી વખત 'રૂપિયા ન ચુકવવાના બહાના' હેઠળ પણ 'ખેલ' કરતા હોવાના દાખલા છે.

રાજકોટના વેપાર-ધંધાથી સતત ધમધમતા મુખ્ય વિસ્તારોની વાત કરીએ તો ગુંદાવાડી, ધર્મેન્દ્ર રોડ, લાખાજીરાજ રોડ, અમીનમાર્ગ, યાજ્ઞિક રોડ, જાગનાથ પ્લોટ, સોનીબજાર, સાધુ વાસવાણી રોડ,કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ  વિગેરે વિસ્તારોમાં જગ્યા-સાઇઝ-લોકેશનને આધારે માસિક ર૦ હજારથી દોઢ-લોઢ લાખ રૂપિયા સુધીના ભાડા બોલાઇ રહ્યા છે. મલ્ટીનેશનલ કંપનીઓ કે બ્રાન્ડેડ - ચેઇન  જ્વેલર્સ સહિતના કોર્પોરેટ જાયન્ટસ તો માસિક દોઢલાખથી પણ વધુ ભાડા ચુકવી રહ્યાની ચર્ચા છે.

 કોરોના -લોકડાઉન દરમ્યાન પ્રમાણમાં શાંત બેઠેલા 'પઠાણી ઉઘરાણીકારો' ધીમે-ધીમે અસલી રંગમાં આવી રહ્યા છે

 આર્થિક રીતે પહોંચી વળવા તથા બજારમાં પોતાની 'શાખ' જાળવી રાખવા ઘણાં બધા લોકો ગેરકાયદેસર રીતે ધીરાણ કરતા લોકોના શરણે ગયા

 'મની-મસલ્સ પાવર' ધરાવતા લોકો પાસેથી લોકડાઉન દરમ્યાન ૧૦ થી ૩૦ ટકા સુધી વ્યાજે 'ઇન્સ્ટન્ટ રૂપિયા' લેવામાં આવ્યા !

 ઘણાં વેપારીઓએ તો લોકડાઉન હોવા છતાં પણ દુકાનના ખર્ચા, માણસોના પગાર, દુકાનના તથા ઘરના ભાડા, અન્ય જીલ્લા-રાજયોમાંથી લીધેલ માલનું પેમેન્ટ વિગેરે માટે તાબડતોબ રૂપિયાની વ્યવસ્થા કરવી પડી

 મોટા અને સમૃદ્ધ વેપારીઓએ પણ ગેરકાયદેસર રીતે હસતા મોઢે રૂપિયા વ્યાજે આપ્યા! ઘણાંને 'બૂચ' પણ લાગ્યા !

 રાજકોટના ગુંદાવાડી, ધર્મેન્દ્ર રોડ, લાખાજીરાજ રોડ, અમીનમાર્ગ, યાજ્ઞિક રોડ, જાગનાથ પ્લોટ, સોનીબજાર, સાધુવાસવાણી રોડ વિગેરે વિસ્તારોમાં દુકાનોના માસિક ર૦ હજારથી દોઢ-દોઢ લાખ રૂપિયા સુધીના ભાડા બોલી ગ્યા !

 અમુક વેપારી દ્વારા તો આર્થિક ભીંસને કારણે આપઘાતની પણ કોશીશ ?! આવા વેપારીઓમાં અમુક જેન્યુન કેસ હોય છે, તો અમુકનો ખોટો 'ખેલ' હોય છે

રાજકોટમાં છેલ્લા દશકાથી મિલ્કતો ભાડે આપી 'સેઇફ ઇન્કમ'નો ટ્રેન્ડ

છેલ્લા  દસેક વર્ષો દરમ્યાન રાજકોટની જુની અને જાણીતી બજારો ધર્મેન્દ્ર રોડ, લાખાજીરાજ રોડ, યાજ્ઞિક રોડ,  સોનીબજાર, જાગનાથ પ્લોટ કે ગુંદાવાડી જેવા વિસ્તારોમાં દુકાનોના મૂળ  માલિકો-વેપારીઓ ઉંચા ભાડા આવતા હોવાના કારણે પોતાની મિલ્કત ભાડે આપી દેતા હોવાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.

 ટાઇમ ટુ ટાઇમ દુકાન ખોલવી-બંધ કરવી, ગ્રાહકોને ડીસ્કાઉન્ટ-સર્વિસ આપવી, માણસોને - સ્ટાફને પગાર આપવા-સાચવવા, વિવિધ સરકારી ખાતાઓને સાચવવા, ફેમિલી ટાઇમ ન આપી શકાય વિગેરે પરિબળોથી છૂટકારો મેળવવા મિલકતો ઉંચા ભાડે આપવાનું આકર્ષણ જોવા મળી રહ્યંું  છે. આવુ કરવાથી  'સેઇફ ઇન્કમ' કરીને અન્ય ક્ષેત્રોમાં પણ નજર દોડાવી શકાય છે.

વ્યાજે રૂપિયા લેવા પાછળ લોકોની લાઇફસ્ટાઇલ, દેખાદેખી, મજબુરી અને સ્વભાવ પણ જવાબદાર

દેખા દેખી, શો ઓફ, ખોટો દંભ, સામેવાળાને ઝડપથી આંજી દેવાનો પ્રયત્ન, અન્ય કરતા ઉંચા અને આગળ હોવાનું સાબિત કરવું, બ્રાન્ડેડ વસ્તુઓ જ ઉપયોગમાં લેવી, આવક મર્યાદિત હોવા છતાં પણ અન્ય પ્રત્યેની અદેખાઇને કારણે ગજા બહારના ખર્ચા, આંધળુકીયા કરીને લોન લઇ લેવી, ધીરજ રાખ્યા વગર મેરેજ લાઇફમાં એકબીજા ઉપર દોષારોપણ કરવું, લકઝુરીયસ લાઇફ જ હોવી જોઇએ તેવી માન્યતા સાથેની લાઇફ સ્ટાઇલ (જીવન શૈલી) અને સ્વભાવ પણ માણસને વ્યાજે રૂપિયા લેવા માટે મજબુર કરે છે.

(2:40 pm IST)