Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન ગ્રાન્ટેડ-સરકારી બી.એડ્. કોલેજને IITEમાં સમાવેશથી સૌરાષ્ટ્રના છાત્રોને નુકસાન

ફરજીયાત સેલ્ફ ફાયનાન્સ કોલેજમાં પ્રવેશ લેવો-સ્કોલરશીપ નહીં મળે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને પત્ર પાઠવતા શિક્ષણ વિદ્યાશાખાના ડીન ડો. નિદત્ત બારોટ

રાજકોટ, તા. ૩૦ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન ગ્રાન્ટેડ બી.એડ્. કોલેજને IITEમાં સમાવેશના નિર્ણયને રદ કરવા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને પત્ર દ્વારા શિક્ષણ વિદ્યાશાખાના ડીન ડો. નિદત્ત બારોટે માંગ કરી છે.

ડો. નિદત્ત બારોટે પત્રમાં જણાવ્યું છે કે હાલમાં IITE ગાંધીનગર ખાતે  NCTEની માન્યતાથી બી.એ.બી.એડ્., બી.એસસી, બી.એડ્.ની કોલેજો ચાલે છે. આ યુનિવર્સિટીમાં ગત વર્ષે GCERT સંલગ્ન DIET ની બી.એડ્. કોલેજો સ્થાનિક યુનિવર્સિટીમાંથી બદલાવીને IITE જોડે જોડાણ આપવામાં આવ્યું હતું. હાલમાં ગુજરાતની અન્ય અનુદાનિત બી.એડ્. કોલેજોને સ્થાનિક યુનિવર્સિટીમાંથી જોડાણ રદ કરી IITEમાં ટ્રાન્સફર કરવાનો નિર્ણય થઇ રહ્યો છે.  આમ કરવાથી જે તે યુનિવર્સિટીના ૮પ% સ્થાનિક વિદ્યાર્થીઓને પોતે જયાંથી સ્નાતક થયા છે તે યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવાની તક હતી તે તક નવી પરિસ્થિતિમાં રહેતી નથી. સ્થાનિક વિદ્યાર્થીઓને બહારગામની કોલેજોમાં અન્ય યુનિવર્સિટી વિસ્તારમાં પ્રવેશ લેવાની ફરજ પડશે અને આને કારણે ગ્રાન્ટ ઇન એઇડ કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓને પણ બહાર કોલેજોમાં જવાને કારણે સેલ્ફ ફાયનાન્સ કોલેજોમાં થતાં ખર્ચા જેટલો જ ખર્ચ ભોગવવો પડશે.

હાલમાં તમામ અનુદાનિત બી.એડ્. કોલેજો NAAC નું એક્રિડીટેશન ધરાવતી યુનિવર્સિટી સંલગ્ન કોલેજો છે. વિદ્યાર્થીઓને માર્કશીટમાં NAAC Accredited University નો લાભ મળે છે. IITEમાં ટ્રાન્સફર થવાની વિદ્યાર્થીઓની માર્કશીટ Non Accredited University ની થવાની છે.

હાલમાં અનુદાનિત કોલેજો યુજીસી ની ૧ર(બી) ર (એફ) હેઠળ નોંધાયેલી યુનિવર્સિટી સાથે સંલગ્ન કોલેજો છે. આ કોલેજોને હાલમાં અનુદાનિત કોલેજો યુજીસી ની ૧ર(બી) ર (એફ) હેઠળ નોંધાયેલી યુનિવર્સિટી સાથે સંલગ્ન કોલેજો છે. આ કોલેજોને IITEમાં મુકતા ભવિષ્યમાં પીએચ.ડી. ના વિદ્યાર્થીઓને યુજીસીની સ્કોલરશીપ મળવાપાત્ર રહેશે નહિ. તેમ નિદૃત બારોટએ જણાવ્યું છે.

હવે મોટાભાગના વિદ્યાર્થીઓને ફરજીયાત સેલ્ફ ફાયનાન્સ કોલેજોમાં જ પ્રવેશ લેવો પડશે. કારણ કે તેમના વિસ્તારની અનુદાનિત કોલેજોના પ્રવેશની કાર્યવાહી ગુજરાત કક્ષાએથી થવાની હોય સ્થાનીક વિદ્યાર્થીઓને ગ્રાન્ટ ઇન એઇડ કોલેજમાં પ્રવેશ મેળવવો મુશ્કેલ પડશે. અને એમાં પણ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના બાળકોને આઇઆઇટીઇ સંલગ્ન કોલેજોને કારણે ફરજીયાત સેલ્ફ ફાયનાન્સ કોલેજોમાં અભ્યાસ કરવો પડશે.

ઉપરોકત પરિસ્થિતિને ધ્યાને લેતા રાજય સરકારે અનુદાનિત કોલેજોને આઇઆઇટીઇ સાથે જોડવા અંગે ફેરવિચારણા કરવી જોઇએ. તેમ અંતમાં શિક્ષણ વિદ્યાશાખાના ડીન ડો. નિદૃત બારોટે જણાવેલ છે. 

(2:36 pm IST)