Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

કર્મચારી ચા પીવા માટે ગયો એટલી વારમાં ચાના વેપારીએ ત્રીજા માળેથી કૂદી જિંદગી ખતમ કરી

ગીતાનગરના નિતિનભાઇ જોબનપુત્રા (ઉ.વ.૫૦) ગોંડલ રોડ જીમ્મી ટાવરમાં વાઘ બકરી ચાની એજન્સી ધરાવતા'તાઃ પગની બિમારી કારણભુત હોવાની શકયતા

રાજકોટ તા. ૩૦: ગીતાનગરમાં રહેતાં અને ગોંડલ રોડ પર જીમ્મી ટાવરમાં વાઘ બકરી ચાની એજન્સી ધરાવતાં નિતીનભાઇ વૃજલાલભાઇ જોબનપુત્રા (ઉ.વ.૫૦)એ સાંજે ટાવરના ત્રીજા માળેથી પડતું મુકી જિંદગી ખતમ કરી નાંખતા અરેરાટી વ્યાપી ગઇ હતી. થોડીવાર માટે જ તેમનો કર્મચારી ધર્મેશ ચા પીવા માટે નીચે ગયો હતો એટલી વારમાં જ આ બનાવ બની ગયો હતો.

બનાવની જાણ થતાં એ-ડિવીઝનના એએસઆઇ આર.આર. સોલંકી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસની તપાસમાં ખુલ્યા મુજબ આપઘાત કરનાર નિતિનભાઇ ચાર ભાઇમાં વચેટ હતાં અને સંતાનમાં એક દિકરી છે. ગઇકાલે તે સવારે દૂકાને પહોંચ્યા હતાં. તેની દૂકાનમાં ધર્મેશભાઇ નામનો યુવાન કામ કરે છે. બપોરે બંને દૂકાન બંધ કરી જમવા માટે ગયા હતાં અને ફરીથી બંને બે-અઢી આસપાસ દૂકાને આવ્યા હતાં. આ વખતે ધર્મેશભાઇ નીચેના માળે ચા પીવા માટે ગયો હતો. એ દરમિયાન અચાનક કોઇ પડ્યું હોય તેવો અવાજ આવતાં બધા ગ્રાઉન્ડ ફલોર તરફ દોડી ગયા હતાં. ધર્મેશભાઇએ જોતાં તેમના શેઠ નિતિનભાઇ લોહીલુહાણ જણાયા હતાં. ૧૦૮ને જાણ થતાં પહોંચી હતી. પરંતુ તેના ઇએમટી તબિબે નિતિનભાઇને મૃત જાહેર કર્યા હતાં.

વિશેષ તપાસ પીએસઆઇ અંબાસણા અને વિજયભાઇ બાલસે હાથ ધરી છે. નિતિનભાઇને પગમાં તકલીફ હતી. કદાચ તેનાથી કંટાળ્યા હોવાની અથવા કોઇ ડિપ્રેશનને કારણે પગલુ ભર્યાની શકયતા છે. હાલ કોઇ ચોક્કસ કારણ બહાર આવ્યું ન હોઇ પોલીસે તપાસ યથાતવ રાખી છે.  બનાવને પગલે પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે.

(1:01 pm IST)