Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

રાજકોટમાં તમાકુ-સોપારીના ૬ વેપારીનો ૧ કરોડ ૨૨ લાખનો સ્ટોક નીકળી પડયોઃ ૩૭ લાખ ટેક્ષની વસુલાત

૧૨ મોટા વેપારી અંગે બપોર બાદ તંત્ર પાસે વિગતો આવશેઃ ૫ માથા સામે હજુ તપાસ ચાલુ : કુલ બાકી વસુલાત અને ટેક્ષ ચોરી ૬૫ લાખથી વધે તેવી શકયતાઃ ચોપડા તપાસાઈ રહ્યા છેઃ ખરીદ-વેચાણના બીલો કરતા ચિઠ્ઠીઓ વધુ નીકળી પડી

રાજકોટ, તા. ૩૦ :. રાજકોટમાં તમાકુ-સોપારીના જથ્થાબંધ વેપારીઓ માલ નહી આપતા હોવાની - વધુ ભાવો પડાવતા હોવાની કલેકટર અને વેટને રીટેલ વેપારીઓની ફરીયાદ બાદ ગઈકાલે વેટ તંત્રના રેન્જ-૨૩ના જોઈન્ટ કમિશ્નરશ્રી ગોયાણીના માર્ગદર્શન હેઠળ ૨૩ ટીમોએ ૨૩ જથ્થાબંધ વેપારીઓ, પેઢી, એજન્સીઓ ઉપર દરોડા પાડયા હતા, મોડી રાત સુધી તપાસ ચાલી હતી.

દરમિયાન આજે વેટ કચેરીના અધિકૃત સૂત્રોના ઉમેર્યા પ્રમાણે શહેરના માત્ર હજુ ૬ વેપારીના જ ધંધાના - સ્ટોકના આંકડા બહાર આવ્યા છે. આ ૬ વેપારીઓને ત્યાં ૧ કરોડ ૨૨ લાખનો જબરો જંગી માત્રામાં સ્ટોક નીકળી પડયો હતો અને તેના પરિણામે સ્થળ ઉપર જ આ ૬ વેપારીઓ પાસેથી ૨૫ લાખ બાકી વેરાની અને ૧૨ લાખની ટેક્ષ ચોરીની થઈને કુલ ૩૭ લાખની વસુલાત સ્થળ ઉપર જ કરી લેવાઈ હતી.

આ સાધનોએ ઉમેર્યુ હતુ કે હજુ ૧૨ વેપારીઓના સ્ટોક, બાકી ટેક્ષ, ટેક્ષ ચોરીની વિગતો આવી નથી. આ વિગતો બપોરે ૩ વાગ્યા બાદ આવી શકે છે.

તેમજ હજુ ૫ મોટા માથાને ત્યાં તપાસ-દરોડાનો ધમધમાટ ચાલુ છે, ત્યાંથી પણ મોટી ગેરરિતી બહાર આવી શકે તેમ છે. બપોર બાદ ટેક્ષ ચોરી, ટેક્ષ બાકીનો આંકડો ૬૫ લાખ કે તેથી વધુ થાય તેવી શકયતા છે.

દરોડા દરમિયાન અમુક વેપારીને ત્યાંથી ખરીદ-વેચાણના બીલો કરતા માલ આપ્યો, પૈસા આવ્યા, બાકી તેની ચીઠ્ઠીઓ પણ નીકળી પડી હતી તે અંગે જે તે પેઢીના માલિકનું નિવેદન પણ લેવાઈ રહ્યુ છે.

(3:31 pm IST)