Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

પાન-બીડી-તમાકુના ધંધાર્થીઓનો પ્રશ્ન ઉકેલો

કલેકટરને આવેદન : એજન્સીઓ માલ આપતી ન હોય દુકાનો ખોલ્યા પછી પણ બંધ જેવી જ હાલત : માલ કયાં ચવાય જાય છે? : સપ્લાય ચેઇન પુર્વવત કરાવવા માંગણી

 

રાજકોટ તા. ૨૯ : પાન-બીડી-તમાકુના ધંધાર્થીઓની યાતના લોકડાઉન હળવુ થયા પછી પણ ઉલ્ટાની વધી ગઇ હોય તેમ બજારમાં કયાંય માલ મળતો ન હોવાની સ્થિતી સર્જાઇ છે. દુકાનો ખોલી નાખવા છતા બંધ જેવી હાલત હોવાના આક્રોશ સાથે રાજકોટ પાન એસોસીએશનના આગેવાનોએ કલેકટરને એક વિસ્તૃત આવેદનપત્ર પાઠવી રજુઆત કરી છે.

રજુઆતમાં જણાવ્યુ છે કે પાન-બીડી-તમાકુના દુકાનદારોને માલ મળતો નથી. એજન્સીવાળાઓ એવુ કહે છે કે માલનો સ્ટોક નથી. ડીસ્ટ્રીબ્યુટરો એવુ કહે છે કે માલ સપ્લાય કરી દીધો છે. પરંતુ કોઇપણ કારણોસર પાન-બીડી-તમાકુના ધંધાર્થીઓને જરૂરી માલ સામાન મળતો ન હોય ભારે દુષ્કર સ્થિતી સર્જાઇ છે.પહેલા અને બીજા લોકડાઉન દરમિયાન તો પાનના દુકાનદારોએ સદંતર બંધ પાળેલે. પણ હવે જયારે ત્રીજા લોકડાઉનમાં રાહત મળી છે ત્યારે ખોટ સરભર કરવા આ ધંધાર્થીઓ વલ્ખા મારી રહ્યા છે. આ સમયે જ જો જરૂરી પાન, બીડી, મસાલાનો માલ પુરતા પ્રમાણમાં ન મળે તો વ્યાજબી ન ગણાય.

આ સપ્લાય ચેઇન પૂર્વવત થાય તે માટે યોગ્ય પગલા ભરવા રાજકોટ પાન એસો.ના આગવેવાનો પિયુષભાઇ પી. સીતાપરા (મો.૯૮૨૫૨ ૪૧૩૧૫), જે. પી. મારવીયા (મો.૯૮૯૮૦ ૨૯૧૨૩), વિનુભાઇ વઘાસીયા (મો.૯૯૨૪૩ ૦૪૨૫૨), યતીનભાઇ ઝાલાવડીયા (મો.૯૮૭૯૬ ૧૧૦૦૧) એ માંગણી ઉઠાવી છે.

તસ્વીરમાં કલેકટરને આવેદનપત્ર પાઠવતા રાજકોટ પાન એસોસીએશનના આગેવાનો નજરે પડે છે.

(4:12 pm IST)