Gujarati News

Gujarati News

News of Thursday, 30th May 2019

બ્રાહ્મી સ્થિતી કેળવનાર યોગીજી મહારાજની કાલે જન્મ જયંતિ

બીએપીએસ સંસ્થાના ચોથા આધ્યાત્મિક વારસદાર એવા યોગીજી મહારાજ પ્રથમ દ્રષ્ટિએ જોતા ખૂબ સાદા સરળ ભલાભોળા અને અત્યંત નિર્માણની ગરીબ પ્રકૃતિના સંત લાગે. તેમણે ગોંડલ મંદિરમાં મહંત તરીકે ઘણા વર્ષો સુધી સેવા કરી. પરંતુ તેઓની સાચી બ્રાહ્મી સ્થિતિ ઉપરથી ઓળખાય તેવી નહોતી. તેમના ગુરુ શાસ્ત્રીજી મહારાજ કહેતા કે વ્યાસજીએ શ્રીમદ્ ભાગવતમાં સંતના ચોષઠ લક્ષણો લખ્યા છે પરંતુ વ્યાસજી જોકોઇ લક્ષણ લખવાનું ભૂલી ગયા હોય તો તે આ યોગીજી મહારાજમાં દેખાશે. શ્રીમદ્ ભાગવતમાં ભગવાન બ્રાહ્મીસ્થિતિની વાત કરતાં કહે છે કે જેને બ્રાહ્મીસ્થિતી હોઇ તે દરેકમાં સમ ભાવ રાખે.

ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીના અવસાન બાદ કુંવર શ્રી વિરભદ્રસિંહજી આશીર્વાદ લેવા યોગીજી મહારાજ પાસે ગોંડલ આવ્યા. સ્વામીએ તેમની આગતા સ્વાગતા કરી, હારતોરા કર્યા કરી ખુબ આશીર્વાદ આપ્યા. સમગ્ર માનવ સમુદાય યોગીજી મહારાજના દર્શનમાં તલ્લીન હતો, ત્યારે યોગીજી મહારાજે જાતે કુમારશ્રીના ડ્રાઇવરને બોલાવી ખબર અંતર પૂછયા, આશીર્વાદ આપ્યા અને પ્રસાદ પણ આપ્યો. ખરેખર યોગીજી મહારાજની દ્રષ્ટિમાં રંક અને રાય બંને પ્રત્યે સમભાવ હતો. દરેક વ્યકિત દિવ્ય છે. આ સૂત્ર યોગીજી મહારાજના જીવનમાં ચરિતાર્થ હતું.

યોગીજી મહારાજની બ્રાહ્મીસ્થિતિના આંદોલનો એવા પ્રબળ હતા કે, તેમની હાજરી જ અન્યને અસદમાર્ગ છોડીને સદમાર્ગે જવા પ્રેરતી. તેમની ઉપસ્થિતિ માત્રથી આધિ, વ્યાધિ, ઉપાધિના તાપ શમી જતા. હૃદયમાં શાંતિ અનુભવાતી. એ રીતે સૌને તેઓની બ્રાહ્મીસ્થિતિનો દિવ્ય અનુભવ થતો.

ટાન્ઝાનિયામાં એક વૃદ્ધ ઇસાઇ પાદરીએ યોગીજી મહારાજના કેવળ દર્શન જ કર્યા, અને તેમને મનોરથો જાગ્યા કે 'એમના જેવું પવિત્ર હૃદય મારૃં થાય તો કેવું સારૃં...' યોગીજી મહારાજ સંસ્થાના ધણી હતા છતાં એ પોતે સદા દાસભાવે વર્તતા. પોતે કરેલા કાર્યોનો યશ ભગવાન અને ગુરુવર્યોના શિરે ચઢાવવો એ કોઇ સામાન્ય જીવની વાત નથી. પરમાત્મા અને ગુરુ સાથે સ્વામીસેવક ભાવ રહે તે જ સાચી બ્રાહ્મીસ્થિતિ વાળા સંત કહેવાય.

યોગીજી મહારાજના જીવનમાં ભકિતયોગ પણ એટલો સહજતાથી વણાંયેલો હતો કે એમના દર્શન માત્રથી અનુભાવતું કે તેઓ ભકિતનું પ્રત્યક્ષ સ્વરૂપ છે. તેમને ભકિત ખુબજ પ્રિયા હતી. એકવાર તેઓ નિર્ગુણ સ્વામી સાથે સારંગપુરથી ગઢડા જતા બપોરના ૪ વાગ્યા સુધી કયાંય પાણી ન મળ્યું. આગળ નદી આવી ત્યારે યોગીજી મહારાજે ઠાકોરજીને પાણી પાયું અને માફી માંગી, દંડવત કરી કહ્યું કે, અપરાધ થઇ ગયો!

નિર્ગુણ સ્વામી કહે, 'એમાં શું અપરાધ થઇ ગયો? પાણી ન મળયું તે ન પાયું.' યોગીજી મહારાજનું હૃદયતો આ વાત કેમ માને? તેઓને મન તો સમય ન સચવાયઇ એટલે અપરાધ જ થયો. તેમની આવી પ્રેમલક્ષણાં ભકિતને વશ થઇને ઠાકોરજી ભાવનગરમાં પ્રભુદાસ શેઠને ત્યાં સૌના આશ્ચર્ય વચ્ચે થાળ જમી ગયા હતા.

તેમની ગુરુભકિત પણ એવી જ શ્રેષ્ઠ હતી. ગુરુના એક ઇશારે ૪૦ વર્ષ સુધી રોજ ૩૦૦-૩૦૦ રોટલા ઘડીને મજૂરોને જમાડયા. ગુરુના એક વચને ભારત દેશની આઝાદી માટે ૧૮ વર્ષ સુધી રોજ રપ-રપ માળા વિશેષ કરતા. કારણ કે તેમને ગુરુની પ્રસન્નતાથી મોટી પ્રાપ્તિ બીજી કોઇ નહોતી.

યોગીજી મહારાજ એક આર્ષદ્રષ્ટા પુરૂષ હતા. તેમણે ભાવિ પેઢીનો વિચારકારીને યુવાનો અને  બાળકોને સત્સંગ તરફ વળ્યાં અને સંસ્કૃતિના પાયા મજબૂત કર્યાં. તેમણે બ્રહ્મવિદ્યાની પાઠશાળાઓ શરુ કરી. બાલસભા, યુવા સભા શરૂ કરી. તેમણે અનેક ગુરુકુલો અને છાત્રાલયોની સ્થાપના પણ કરી. તેમણે દેશવિદેશમાં વિચરણ કરીને જીવના છેલ્લા શ્વાસ સુધી અનેકના જીવનને સાચી રાહ બતાવી છે.

આવતીકાલે પ્રમુખસ્વામી મહારાજના ગુરુ યોગીજી મહારાજનો જન્મોત્સવ દેશવિદેશના તમામ બી.એ.પી.એસ.ના મંદિરોમાં દિવ્યતાપૂર્વક ઉજવાશે. તેમ બીએપીએસ સ્વામીનારાયણ મંદિર રાજકોટની યાદીમાં જણાવાયું છે.

(4:07 pm IST)