Gujarati News

Gujarati News

News of Thursday, 30th May 2019

સિવિલ હોસ્પિટલમાં ૪ દિ'માં બે વખત એક જ શખ્સે બ્લેડથી દર્દીઓના સગાના ખિસ્સા કાપ્યાઃ સિકયુરીટીએ પકડી લીધો

૨૬મીએ બે લોકોના ખિસ્સા કાપી રોકડ ચોરી ત્યારે પકડીને પોલીસને સોંપાયો'તોઃ ગત રાતે આ જ શખ્સે ફરીથી અગાઉ પહેર્યો હતો એ જ કેસરી શર્ટ પહેરીને આવતાં અને ખિસ્સા કાપતાં રંગેહાથ પકડી ફરી પોલીસને સોંપાયો

રાજકોટઃ સિવિલ હોસ્પિટલમાં ચાર દિવસમાં એક જ શખ્સે બબ્બે વખતે દર્દીઓના સગા સુતા હોય તેના બ્લેડથી ખિસ્સા કાપતાં દેકારો મચી ગયો છે. જો કે આ શખ્સને બંને વખત સિવિલની સિકયુરીટીના કર્મચારીઓએ દબોચી લીધો હતો. જાણવા મળ્યા મુજબ ૨૬મી તારીખે રાત્રે બે વાગ્યે ઝનાના હોસ્પિટલ વિભાગમાંથી ગોંડલ રોડ રામનગરમાં રહેતાં દીનાનાથ શાહુ નામના યુવાનના પેન્ટના ખિસ્સાને બ્લેડથી કાપી રોકડ ચોરી લેવાઇ હતી. તેમજ અન્ય એક દર્દીના સગા કે જે લોબીમાં સુતા હતાં તેનું ખિસ્સુ પણ કપાયું હતું. સિકયુરીટીને જાણ થતાં દોડધામ કરી કેસરી શર્ટ પહેરીને આવેલા ખિસ્સાકાતરૂને દબોચી લઇ ૧૦૦ નંબરમાં ફોન કરી પોલીસને સોંપી દેવાયો હતો. ત્યાં ગત મોડી રાત્રે સાડા ત્રણથી ચારની વચ્ચે વોર્ડ નં. ૧૧ની સામેના ભાગે સુતેલા દર્દીના સગા એવા એક યુવાનની બાજુમાં સુઇ જઇ એક શખ્સે બ્લેડથી ખિસ્સુ કાપી રોકડા રૂ. ૫૫૦ કાઢી લીધા હતાં. સિકયુરીટીના ભીમાભાઇ આહિર અને સિકંદર શેખે દોડધામ કરતાં ૨૬મીએ ખિસ્સુ કાપતાં ઝડપાયેલો શખ્સ એ રાતે પહેર્યો હતો એ જ કેસરી શર્ટ સાથે જોવા મળતાં તેને દબોચી લેવાયો હતો. તેની પાસેથી બ્લેડ પણ મળી હતી. આ શખ્સને વહેલી સવારે ફરીથી પોલીસને સોંપવામાં આવ્યો છે. અગાઉ પોલીસે આ શખ્સની વિશીષ્ટ ઢબે પુછતાછ કરી આકરી કાર્યવાહી કરી હોત તો એ કદાચ ફરીથી સિવિલ હોસ્પિટલમાં આવવાની હિમત ન કરી શકયો હોત. હવે ફરીથી તે ઝડપાયો છે. તસ્વીરમાં ખિસ્સા કાપતા ઝડપાયેલો શખ્સ અને ૨૬મીએ જેનું ખિસ્સુ કપાયું તે યુવાન અને ત્રીજી-ચોથી તસ્વીરમાં ગત રાતે જેનું ખિસ્સુ કપાયું તે યુવાન તથા ફાટેલુ ખિસ્સુ અને પકડાયેલા શખ્સ પાસેથી મળેલા પર્સ જોઇ શકાય છે.

(3:39 pm IST)