Gujarati News

Gujarati News

News of Thursday, 30th May 2019

અનશન આરાધક પૂ.નર્મદાબાઈ મહાસતિજી જિન શાસનનું ગૌરવ છેઃ ગોંડલ સંપ્રદાય શ્રમણ સંરક્ષક સમિતિ

પૂ.નર્મદાબાઈ મ.સ.એ કરેલ સંથારો એ સંપ્રદાયની ગૌરવમય ઘટના : ગોંડલ સંપ્રદાયના તમામ પૂ.સાધુ- સાધ્વીજીઓએ અનશન આરાધક આત્માની શાતાની પૃચ્છા કરી સંથારાની અનુમોદના કરી

રાજકોટઃ ગોંડલ સંપ્રદાયની ગૌરવમય ગાથાના ભાગરૂપ ગોંડલ સંપ્રદાયના પૂ.ગુરૂદેવ ધીરજમુનિ મ.સા.ના આજ્ઞાનુવર્તી પારસ મૈયા પૂ.રંભાબાઈ મ.સ.ના સુશિષ્યા શાસન રત્ના પૂ.નર્મદાબાઈ મ.સ.એ રવિવારે સવારે ૯ કલાકે અનશન વ્રત અંગીકાર કરેલ છે. તેઓને પ્રર્વર્તીની પૂ.વનિતાબાઈ મ.સ.એ સંપ્રદાયના અગ્રણી વૈયાવચ્ચ રત્ન ચંદ્રકાંત શેઠ તથા સંઘોના પ્રમુખોની હાજરીમાં તેઓને સંથારાના પચ્ચખાણ કરાવેલ. આ અવસરે અનેક પૂ.મહાસતિજીઓ તથા જૈન અગ્રણીઓ ઉપસ્થિત રહેલ.

ગોંડલ ગચ્છ શિરોમણી પૂ.શ્રી જશરાજજી મ.સા., સાહિત્યપ્રેમી પૂ.શ્રી દેવેન્દ્રમુનિ મ.સા., શાસ્ત્ર દીવાકર પૂ.શ્રી મનોહરમુનિ મ.સા.,  પરમશ્રધ્ધૈય પૂ.શ્રી ધીરજમુનિ મ.સા., ગુજરાતરત્ન પૂ.શ્રી સુશાંતમુનિ મ.સા.રાષ્ટ્રસંત પૂ.શ્રી નમ્રમુનિ મ.સા., ક્રાંતિકારી પૂ.શ્રી પારસમુનિ મ.સા.વિગેરે પૂજય ગુરૂવર્યોએ તથા સંપ્રદાય વરિષ્ઠા પૂ.પ્રાણકુંવરબાઈ મ.સ.સહિત ડુંગર દરબરના તમામ પૂ.સતિવૃંદએ જણાવ્યું કે ૬૮ વર્ષ ઉપરાંતનો જેઓનો સંયમ પર્યાયએ વર્તમાન સમયની અજાયબી જ કહેવાય. તેઓશ્રી સૌના પરમ ઉપકારી છે. ગોંડલ સંપ્રદાય સંરક્ષક સમિતિના પ્રવિણભાઈ કોઠારી, ચંદ્રકાન્તભાઈ શેઠ તથા ઈશ્વરભાઈ દોશીએ જણાવ્યું કે અનશન આરાધક શાસન રત્ના પૂ.નર્મદાબાઈ મ.સ.ગોંડલ સંપ્રદાય તેમજ જિન શાસનની અનેરી આધ્યાત્મિક મૂડી છે. આજથી લગભગ ''૬૮ વર્ષ પૂર્વે કાલાવડની પાવન ભૂમિ ઉપર તેઓએ'' સંયમ ધર્મનો સ્વીકાર કરેલ.પૂ.નર્મદાબાઈ મહાસતીજીએ માસ ક્ષમણ 'અઠ્ઠાઈ તપ' વિગેરેની આરાધનાઓ કરેલ. એ વયોવૃધ્ધ ઉંમરે દરેક ચાતુર્માસમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપની અજોડ આરાધના થયેલ. અનેક ક્ષેત્રોમાં તેઓએ વિચરણ કરી જિન શાસનની પ્રભાવના કરેલ. ગોંડલ સંપ્રદાયના પ્રવિણભાઈ કોઠારી, ચંદ્રકાન્તભાઈ શેઠ, ઈશ્વરભાઈ દોશી, સુરેશભાઈ કામદાર (જુનાગઢ) તથા દિલીપભાઈ પારેખ (ગોંડલ) વગેરે અગ્રણીઓએ સંયુકતપણે જણાવ્યું કે અનશન આરાધક આત્માના દર્શન-વંદન કરી જીવન ધન્ય બનાવવા સંઘ તથા સંપ્રદાયના અગ્રણીઓએ અનુરોધ કરેલ છે. વિશાળ પ્રમાણમાં શ્રાવક- શ્રાવિકાઓ અનેક મહાનુભાવો દર્શનાર્થે આવી રહ્યા છે. તેમ ગોંડલ સંપ્રદાયની યાદીમાં જણાવ્યું છે.

(3:38 pm IST)