Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

એસટીના મુખ્‍ય મહેકમ અધિકારી બારોટ સામે આકરા પગલાઃ ડ્રાઇવર-કંડકટરની ભરતીમાં ગેરરીતી

જેમની સામે ફરીયાદ થઇ તે બારોટ ભરતીમાં આખા ગુજરાતના હેડ હોવાનો ધડાકો : મોટો ખળભળાટઃ તાત્‍કાલીક અસરથી બદલીઃ હાઇ લેવલે તપાસના આદેશો : વાહન વ્‍યવહાર મંત્રી ચોંકી ઉઠયાઃ તાકીદે તપાસ કરી રીપોર્ટ મંગાવ્‍યો

રાજકોટ, તા. ૩૦ : ગુજરાત રાજય માર્ગ વાહન વ્‍યવહાર નિગમની વહીવટી સ્‍ટાફ તેમજ ડ્રાઇવર-કંડકટરની ભરતીમાં મુખ્‍ય મહેકમ અધિકારીએ ગેરરીતિ આચરતા અને વિગતો બહાર આવતા ખળભળાટ સર્જાઇ ગયો છે. આ બાબતે એમ.ડી.શ્રી સોનલ મિશ્રાએ  ે હાઇલેવલ તપાસના આદેશો કર્યા છે.

ગુજરાત રાજય માર્ગ વાહન વ્‍યવહાર નિગમમાં તબક્કાવાર થયેલ વહીવટી સ્‍ટાફ તેમજ ડ્રાઇવર-કંડકટરની ભરતીમાં હાલના મુખ્‍ય મહેકમ અધિકારીએ ગેરરીતિ આચરેલ હોવા બાબતે સરકારને મળેલ અસંખ્‍ય ફરીયાદોની ગંભીરતાને ધ્‍યાને લઇ વાહન વ્‍યવહાર મંત્રીએ મહત્‍વના આદેશો કર્યા છે.

મુખ્‍ય મહેકમ અધિકારી બારોટ સામેની રજૂઆત ગંભીર હોઇ આ ફરીયાદ સાથે સંકળાયેલ હાલના મુખ્‍ય મહેકમ અધિકારીને અસર ન થાય તે ધ્‍યાને લઇ અન્‍ય દૂરના જિલ્લામાં તાત્‍કાલીક બદલી કરવા તેમજ નવા મુખ્‍ય મહેકમ અધિકારીને નિમણૂંક આપવા સૂચના અપાઇ છે.

આ ઉપરાંત મંત્રીશ્રી (વા.વ્‍ય.)ના ઉપરોકત આદેશાનુસાર હાલના મુખ્‍ય મહેકમ અધિકારી કે.સી. બારોટની તાત્‍કાલીક અસરથી દૂરના સ્‍થળે બદલી કરવા અંગેના અુકમો કરી તેનો રીપોર્ટ આપવા તથા વધુમાં બારોટની જગ્‍યાએ નવા મુખ્‍ય મહેકમ અધિકારીની નિમણૂંક માટે પ્રથમ દરખાસ્‍ત મોકલવા પણ સૂચના અપાઇ છે.  જેમણે ગેરરીતિ આચરી છે તેવા બારોટ ભરતીમાં આખા ગુજરાતમાં હેડ હોવાનું અને અમદાવાદ બેસતા હોવાની ભારે ચર્ચા છે.

(4:35 pm IST)