Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

સુજલામ સુફલામ જળસંચય અભિયાનનું કાલે સમાપન : નર્મદા કળશ પૂજન કાર્યક્રમ

કેન્‍દ્રના રાજ્‍યકક્ષાના કૃષિ મંત્રી પુરૂષોત્તમભાઇ રૂપાલા, મોહનભાઇ કુંડારીયાની ઉપસ્‍થિતિ : રાંદરડા ખાતે કાર્યક્રમ : સ્‍થળ મુલાકાત લેતા પદાધિકારીઓ

રાજકોટ તા. ૩૦ : રાજ્‍ય સરકાર દ્વારા આગામી ચોમાસા પહેલા રાજ્‍યના તમામ જળાશયો ઉંડા ઉતારી જળસંગ્રહ શકિત વધારવાના શુભ હેતુસર તા. ૧ મેથી રાજ્‍યભરમાં સુજલામ સુફલામ જળ સંચય અભિયાન-૨૦૧૮ શરૂ કરવામાં આવેલ છે. તે અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તળાવ ઉંડા ઉતારવાની કામગીરી ચાલી રહેલ છે. આ કામગીરીના અનુસંધાને તા. ૩૧ મેના સવારે ૯ કલાકે રાંદરડા તળાવ ખાતે ભારત સરકારના રાજ્‍ય કક્ષાના કૃષિ મંત્રી પુરૂષોત્તમ રૂપાલાના હસ્‍તે નર્મદા કળશ પૂજનવિધિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમના અધ્‍યક્ષ સ્‍થાને મેયર ડો. જૈમનભાઇ ઉપાધ્‍યાય રહેશે. જ્‍યારે સંસદસભ્‍ય મોહનભાઇ કુંડારીયાની પ્રેરક ઉપસ્‍થિતિ રહેશે.

આ કાર્યક્રમની તડામાર તૈયારીના ભાગરૂપે આજરોજ મેયર ડો. જૈમન ઉપાધ્‍યાય, સ્‍ટેન્‍ડીંગ કમિટિ ચેરમેન પુષ્‍કરભાઇ પટેલ, અરવિંદભાઇ રૈયાણી, રાજુભાઇ અઘેરાએ રાંદરડા તળાવની સ્‍થળ મુલાકાત લીધી હતી અને કાર્યક્રમના આયોજન સંબંધે અધિકારીઓને જરૂરી સુચના આપેલ હતી.

આ સ્‍થળ મુલાકાત દરમિયાન મ્‍યુનિસિપલ કમિશ્નર બંછાનિધી પાની, શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઇ રાઠોડ, વોટર વર્કસ કમિટિ ચેરમેન દલસુખભાઇ જાગાણી, બાંધકામ સમિતિ ચેરમેન મુકેશભાઇ રાદડીયા, બાગ બગીચા અને ઝુ સમિતિ ચેરમેન દેવુબેન જાદવ, અનિલભાઇ રાઠોડ, અશ્વિનભાઇ મોલિયા, પરેશભાઇ પીપળીયા, દક્ષાબેન ભેસાણીયા, સજુબેન કળોતરા, નાયબ કમિશ્નર જાડેજા, નંદાણી, આસી. કમિશ્નર હર્ષદ પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

 

(4:33 pm IST)