Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

ઢેબર રોડ વન-વેમાંથી ૪૫ હજારની રોકડ સાથેના વાહનની ઉઠાંતરીનો ભેદ ખુલ્યો

એ-ડિવીઝનના પીએસઆઇ સાખરા અને એએસઆઇ રામગરભાઇ ગોસાઇની બાતમી અને આઇ-વે પ્રોજેકટની મદદથી જુનાગઢના રાજુ કોળીને દબોચી લેવાયો

રાજકોટ તા. ૩૦:  બેડીનાકા ટાવર અંદર જેઠાભાઇ સવજીભાઇની શેરીમાં રહેતાં અને પ્રશાંત હરેશભાઇ જોષી (ઉ.૨૫)નું એકસેસ જીજે૩જેએફ-૬૮૬૧ ગત તા. ૧૬ના રોજ એ ઢેબર રોડ વન-વેમાં રહેતાં તેના સસરા ગોપાલભાઇ મનસુખભાઇ મકવાણાના ઘર પાસેથી ચોરાઇ ગયું હતું.  તેની ડેકીમાં રૂ. ૪૫ હજારની રોકડ, મોબાઇલ અને આધારકાર્ડ સહિતના જરૂરી દસ્તાવેજો પણ હતાં. આ ચોરીનો ભેદ એ-ડિવીઝન પોલીસે ઉકેલી નાંખી જુનાગઢના વિરાટનગર-૧ બ્લોક નં. ૯માં રહેતાં રાજેશ ઉર્ફ રાજુ શાંતિલાલ વાઢીયા (કોળી) (ઉ.૩૪)ને પકડી લીધો છે.

ચોરાઇ ગયેલા વાહનમાં એટીએમ કાર્ડ, આધાર કાર્ડ, રૂ. ૧૭૦૦ રોકડા, દુકાનના વેપારના રૂ. ૪૫ હજાર રોકડા, સાદો મોબાઇલ ફોન તથા વાહનની વિમા પોલીસી  સહિતની ચીજવસ્તુ હતી. એસીપી પૂર્વની રાહબરી હેઠળ અને પી.આઇ. વી. વી. ઓડેદરાની સુચના મુજબ પીએસઆઇ એસ.વી. સાંખરા, એએસઆઇ રામગરભાઇ ગોસાઇ, પીએસઆઇ ભટ્ટ, એસ. એન. જાડેજા, બી.એ. ફુલતરીયા, ભાવેશભાઇ વસવેલીયા, નરેશભાઇ ઝાલા, વિરેન્દ્રસિંહ ઝાલા, હાર્દિકસિંહ પરમાર, શૈલષભાઇ ખીહડીયા, કરણભાઇ વિરસોડીયા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે પીએસઆઇ સાખરા અને રામગરભાઇની બાતમી પરથી રાજેશ ઉર્ફ રાજુને સકંજામાં લઇ પુછતાછ કરવામાં આવતાં તેણે ચોરી કબુલતાં મુદ્દામાલ કબ્જે લીધો છે.

ઇમિટેશનનું કામ કરતો આ શખ્સ જુનાગઢથી કામ સબબ આવ્યો હોઇ વાહનની ચોરી કરી લીધી હતી. સાથે રોકડનો પણ લાભ થયો હતો. ચોરી ઉકેલવા આઇવે પ્રોજેકટના અધિકારી અને કર્મચારીઓ તેમજ ખાનગી સીસીટીવી ફૂટેજની મદદ લેવાઇ હતી.

(3:59 pm IST)