Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

બેંક હડતાલ-એક મજબૂરી પ્રજા-ગ્રાહકો સહકાર આપે

આજે અને કાલે બે દિવસ બેંક કર્મચારીઓ હડતાલ પર જવાના છે. લોકમાનસમાં એવી છાપ પ્રવર્તે છે કે બેંક કર્મચારીઓ હડતાલ કાયમ  પ્રજાને પરેશાન કરવા અને પગાર વધારા માટે જ પાડે છે. તો, આ બાબતે થોડી ખુલીને વાત કરીએ.

પ્રથમ તો બેંક કર્મચારીઓ કયારેય નથી ઈચ્છતા કે તેઓ હડતાલ પર જાય. હડતાલ તો તેઓનું છેલ્લું શસ્ત્ર છે. તેઓને હડતાલ પર જવા સુધી મજબુર કરવામાં આવે છે. બેંક એક જ એવું સરકારી એકમ છે કે જયાં હડતાલ પર જવા પર તે દિવસોનો પગાર તેઓને નથી મળતો, મોટાભાગના સરકારી એકમોમાં હડતાલનાં દિવસને રજાનો દિવસ ગણી કર્મચારીની રજા કાપી લેવામાં આવે છે જે મોટાભાગના સરકારી કર્મચારીઓ પાસે ઢગલાબંધ હોય છે. બેંક કર્મચારી હડતાલ પર જાય તો તેને વ્યકિતગત આર્થિક નુકશાન જાય તો તે શું કામ હડતાલ ઈચ્છે? સામાન્યતઃ લોકોમાં એવી પણ માન્યતા છે કે બેંક કર્મચારી ફકત તેના આર્થિક લાભ માટે જ હડતાલ પાડે છે, પરંતુ તે અર્ધસત્ય છે.ભૂતકાળમાં બેંક કર્મચારીઓએ પ્રજાને નુકશાન કરતી સરકારની નીતિરીતી માટે પણ હડતાલ પાડી છે. એન પી એ નું ભૂત તો લોકોને હમણાં સમજમાં આવ્યું પરંતુ બેંક કર્મચારીઓએ આ મુદ્દે ભૂતકાળમાં હડતાલ પાડી ચુકયા છે અને વર્ષોથી સરકારને આ મુદ્દે ઢંઢોળી રહી છે. નાના માણસે બેન્કમાં મુકેલી મરણ મૂડી ને બેંક મેનેજમેન્ટ લોનની લહાણી કરે ને લોન ન ભરે તો લોકોના નાણાની સલામતી જોખમાય તે માટે નાના માણસોની મૂડીની સલામતી માટે એન પી એ ની રીકવરી અને લોન ન ભરે તેની સામે ફોજદારી રુએ કામ લેવા માટે બેંક સંગઠને હડતાલો પાડી છે.

હડતાલ પાડીને બેંક કર્મચારી સંગઠન કયારેય પ્રજાને પરેસાન કરવા નથી માંગતું હોતું. હડતાલ દ્વારા ફકત તે તેની સંગઠન શકિત  અને તેનો અવાજ સરકાર સુધી પહોચાડવા માંગી હોય છે.જો પ્રજાને જ પરેશાન કરવાનો ઈરાદો હોય તો બેંક સંગઠન શુક્રવાર કે સોમવારે હડતાલનો દિવસ નક્કી કરે પરંતુ તમે જોશો તો ખ્યાલ આવશે કે બેંક સંગઠન કાયમ મંગલ-બુધ કે ગુરૂવારે જ હડતાલ નું એલાન આપતું આવ્યું છે. જેથી પ્રજાને વધુ મુશ્કેલી ન પડેઅને હડતાલ બાદ તે દિવસોનું ચડી ગયેલું કામ બેંક કર્મચારીઓએ જ કરવાનું હોય છે.

બેંક કર્મચારી હડતાલ પાડીને ગ્રાહકોનો ગુસ્સો લેવા નથી માંગતો હોતો કારણકે તે જાણે છે કે ગ્રાહકો છે તો બેંક છે અને બેંક છે તો નોકરી છે અને તેના કુટુંબની આજીવિકા છે.

હડતાલ ફકત ને ફકત જે તે સરકારને ઢંઢોળવા માટે હોય છે તેની પ્રજા/કર્મચારી વિરોધી નીતિ માટે હોય છે. પ્રજાના પૈસા તે મુઠીભર લોકોને લોન રૂપે આપીને પ્રજાને અને બેંક કર્મચારીને સામસામે લાવી દે છે.બેંક ગ્રાહકોને તેમજ આમ પ્રજાને વિનંતી કે, તેઓ હડતાલના કારણો સમજે.

અમારો ઈરાદો કયારેય પ્રજાને પરેશાન કરવાનો નથી હોતો. સરકાર સામે લડવા માટે આપનો સાથ સહકાર અનિવાર્ય અને અપેક્ષિત છે.

ભાવેશ આચાર્ય, બેંક કર્મચારી, મો.૯૪૨૭૨૧૪૭૭૨

(3:54 pm IST)