Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

૩૧મે વર્લ્‍ડ નો ટોબેકો ડે

તમાકુના વ્‍યસનથી વિશ્વમાં વર્ષે ૬૫ લાખ લોકો મૃત્‍યુ પામે છે

રાજકોટ તા.૩૦: આવતીકાલે ‘‘વર્લ્‍ડ ટોબેકો ડે''ના સંદર્ભમાં એન. એમ. વિરાણી વોકહાર્ટ હોસ્‍પિટલના સિનિયર કન્‍સલ્‍ટન્‍ટ ઇન્‍ટરવેન્‍સનલ કાર્ડિયોલોજીસ્‍ટ ડો. ધર્મેશ સોલંકી અને ડો. જયદિપ દેસાઇએ માહિતી આપતા જણાવેલ હતું કે વિશ્વ આરોગ્‍ય સંસ્‍થાએ નક્કી કર્યા મુજબ દર વર્ષે ૩૧ મેને‘‘તમાકુ નિષેદ દિન'' તરીકે ઉજવવામાં આવે છે. આ દ્વારા તમાકુથી થતા શારીરિક નુકશાનને કઇ રીતે અટકાવવું તે અંગેની જાગૃતિ લાવવા સામાજિક સંસ્‍થાઓ તબીબી એશોસીએશનો અને સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. આ વર્ષનો વિશેષ વિષય ‘‘તમાકુ અને હ્યદય રોગ'' છે. સરકાર દ્વારા જાહેરમાં ધ્રુમપાન ઉપરનો પ્રતિબંધ ઓકટોબર-૨૦૦૮ થી અમલમાં છે પરંતુ તેનું પાલન કેટલું થાય છે તે આપણે જાણીએ છીએ.

ડો. સોલંકી અને ડો. દેસાઇએ વધુમાં જણાવેલ હતું કે આપણા દેશમાં બીડી-સીગારેટ પીનારાની સંખ્‍યા લગભગ ૧૨ કરોડથી પણ વધારે હશે. વિશ્વ આરોગ્‍ય સંસ્‍થાના જણાવ્‍યા અનુસાર વિશ્વના બીડી-સીગરેટ પીનારા લોકોમાંથી લગભગ ૧૭%લોકો ભારતમાં છે. આરોગ્‍ય મંત્રાલય અનુસાર આપણા દેશમાં સિગારેટ પીનારાનું પ્રમાણ વધ્‍યું છે પરંતુસ્ત્રીઓમાં તેનું પ્રમાણ વધ્‍યું છે તે ચિંતાજનક બાબત છે. ૧૫ વર્ષથી વધુની ઉંમરના લોકોમાં સિગારેટ પીવાનું પ્રમાણ વધ્‍યું છે. એક સર્વે પ્રમાણે આપણા દેશમાં તમાકુનું વ્‍યસન કરનારા લોકોમાં દરરોજ નવા ૫૫૦૦ લોકોનો ઉમેરો થાય છે.

ડો. ધર્મેશ સોલંકી અને ડો. જયદિપ દેસાઇએ જણાવેલ હતું કે વૈશ્વિક સ્‍તરે મૃત્‍યુનું મુખ્‍ય કારણ હ્યદયરોગ છે. હ્યદયરોગ થવા પાછળ ઘણા પરિબળો જવાબદાર હોય છે. જેમાં ૩૦ % હ્યદયરોગ ધ્રુમપાનને કારણે થાય છે. હ્યદયરોગને કારણે થતા મૃત્‍યુમાં ધ્રુમપાન ૩ ગણો વધારો કરે છે. ધ્રુમપાનનાબે પ્રકાર છે. પ્રત્‍યક્ષ અને પરોક્ષ. સિગારેટમાંથી નિકળતા ધુમાડામાં અનેક પ્રકારના તત્‍વો હોય છે જેમાંથી એક કાર્બનમોનોકસાઇડ છે. કાર્બનમોનોકસાઇડ વધુ પ્રમાણમાં લોહમાં રહેલ ઓકિસજનના વહનની ક્ષમતા ઘટાડી દે છે. તેના કારણે હ્યદય, ફેફસા, મગજ અને બીજા અગત્‍યના અવયવો પુરતા પ્રમાણમાં ઓકિસજન મળતો નથી તેથી તેમની કાર્યક્ષમતામાં ઘટાડો થઇ જાય છે. સિગારેટમાં રહેલ નિકોટીન હદય ના ધબકારા તથા લોહીનું દબાણ વધારી દે છે. તમાકુનું સેવન કરનારા લોકો હાઇબ્‍લડપ્રેસર, લોહીનું ગંઠાઇ જવું મગજનો લકવો, એન્‍યુરીઝમ તથા રકત પરિવહનના બીજા અનેક રોગોનો ભોગ બને છે.

ડો. સોલંકી અને ડો. દેસાઇએ માહિતી આપતા જણાવેલ હતું કે, પરોક્ષ રીતે પણ ધ્રુમપાન એટલું જ નુકશાનકારક છે. તમાકુના વ્‍યસનથી દર વર્ષે વિશ્વમાં ૬૦ થી ૬૫ લાખથી વધુ લોકો મૃત્‍યુ પામે છે જેમાંથી ૬ લાખ લોકો એવા છે જે પોતે બીડી, સિગારેટ પીતા નથી. પરંતુ જે લોકો બીડી, સિગારેટ પીવે છે તેના સહવાસ અને ધુમાડાથી મૃત્‍યુ પામે છે. ૨૦૩૦ સુધીમાં આ સંખ્‍યા ૮૦ લાખ થવાની શકયતા છે. આપણા દેશમાં દર વર્ષે દશ લાખ અને દરરોજ લગભગ ત્રણ હજાર લોકો ધ્રુમપાનને કારણે મૃત્‍યુ પામે છે. ડાયાબીટીસના દર્દીઓ કરતા તમાકુનું સેવન કરતા વ્‍યકિતઓનો મૃત્‍યુ આંક ૧૮ ગણો વધારે છે. આપણા દેશમાં એક અંદાજ મુજબ અત્‍યારે ૧૨ કરોડથી વધારે તમાકુના વ્‍યસનીઓ છે જેમાં દર વર્ષે ૧૦ લાખથી વધુ બાળકો- યુવાનો તમાકુના વ્‍યસનના શિકાર બને છે. દર પાંચ મૃત્‍યુમાંથી એક મૃત્‍યુનુ઼ કરણ તમાકુ છે. એટલેકે કુલ મૃત્‍યુના ૨૧% મૃત્‍યુનું કારણ તમાકુ છે.

ડો. સોલંકી અને ડો. દેસાઇએ વધુમાં જણાવેલ હતુ કે, પ્રદુષણમાં અનેક હાનિકારક વાયુ હોય છે જેમ કે સલ્‍ફરડાયોકસાઇડ, કાર્બન મોનોકસાઇડ, લેડ વિગેરે જે લાંબાગાળે આપણી ધમનીઓને સંકોચીને કડક બનાવે છે જેના કારણે અનેક પ્રકારના હ્‍દયરોગ થાય છે. ભારતમાં દર વર્ષે ૧.૬ લાખ લોકો વાયુ પ્રદુષણને કારણે મૃત્‍યુ પામે છે. ધ્રુમપાનથી કર્કરોગ કરતા પણ હ્‍દયરોગ થવાની શકયતા વધુ  છે. લાંબો સમય સુધી ધ્રુમપાન કરવાથી શરીરને ઘણુ નુકશાન થાય છે. જીવનના કોઇપણ તબક્કે ધ્રુમપાન છોડવામાં આવે તો હ્‍દયરોગથી થતા મૃત્‍યુના પ્રમાણમાં ઘટાડો કરી શકાય છે, તરત જ શરીરમાં હકારાત્‍મક સુધારા જોવા મળે છે. અને હ્યદયરોગથી પીડાતા લોકોની હાલતમાં પણ સુધારો થાય છે. રકત પરિવહન ક્ષમતા સુધરે છે. એચડીએલ(સારુ કોલેસ્‍ટરોલ) વધે છે. લગભગ એક વર્ષમાં વ્‍યકિતને હ્યદયરોગ તથા તેના દ્વારા થતા મૃત્‍યુનું જોખમ અડધુ થઇ જાય છે. ધ્રુમપાન છોડવાથી કબજીયાત થાય છે તે મીથ્‍યા છે. સીગારેટ છોડયા પછી કયારેક વજનમાં વધારો જોવા મળે છે એ થોડા સમય માટે જ હોય છે. જેની આપણા સ્‍વાસ્‍થ્‍ય પર કોઇ માઠી અસર થતી નથી. ધ્રુમપાન છોડયાના ૧૫ વર્ષ બાદ વ્‍યકિતનું હદય સામાન્‍ય ધ્રુમપાન ન કરનાર વ્‍યકિત જેવું થઇ જાય છે. આથી બને એટલુ જલ્‍દી ધ્રુમપાનથી મુકત થઇ આપણા હદયને ધબકતુ રાખીએ.

 માહિતી અને માર્ગદર્શનઃ

ડો.ધર્મેશ સોલંકી, ડો. જયદિપ દેસાઇ

 સિનિયર કન્‍સલ્‍ટન્‍ટ

ઇન્‍ટરવેન્‍સનલ કાર્ડિયોલોજીસ્‍ટ વોકહાર્ટ હોસ્‍પિટલ,

રાજકોટ

(3:40 pm IST)