Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

પુત્રના થયેલા મૃત્‍યુના કેસમાં પિતાની જામીન અરજી નામંજુર

પિતાની બેદરકારીના કારણે અકસ્‍માતે ગોળી છૂટતા માસુમ

રાજકોટ, તા.૩૦: ઘરમાં ગેરકાયદે પિસ્‍તોલ રાખતા પિતાની બેદરકારીના કારણે નવ વર્ષના તેના પુત્રનું અકસ્‍માતે ગોળી છુટવાના કારણે થયેલ મૃત્‍યુના કેસમાં ટ્રાન્‍સપોર્ટના ધંધાર્થી એવા આરોપી પિતા હિતેન્‍દ્રસિંહ રવુભા ચુડાસમાએ જામીન પર છુટવા કરેલ અરજીનેેે અધિક સેસન્‍સ જજશ્રી એચ.એ.  બ્રહ્મભટ્ટે નકારી કાઢી હતી.

આ અંગેની વિગત એવી છે કે, અહીંના ભોમેશ્વર પ્‍લોટમાં જાગૃતિ શ્રમજીવી સોસાયટીમાં રહેતા અને ટ્રાન્‍સપોર્ટનો ધંધો કરતા આરોપી હિતેન્‍દ્રસિંહ રજુભા ચુડાસમાએ પોતાના ઘરમાં ગેરકાયદેસર રીતે પિસ્‍તોલ રાખેલ હોય તેનો ૯ વર્ષનો પુત્ર જયવીરસિંહ રમતા રમતા ઘરમાં રાખેલી પિસ્‍તોલથી રમતો હોય અકસ્‍માતે ગોળી છૂટતા તા.૧૦/પ/૧૮ ના રોજ જયવીરસિંહનું મૃત્‍યુ નિપજયુ હતું.

આ બનાવ અંગે પોલીસે આઇ.પી.સી. ૩૦૪, ૩૩૩ અને આર્મ્‍સ એકટની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરીને જેલહવાલે કરતાં તેણે જામીન પર છૂટવા અરજી કરી હતી.

આ ગુનામાં આરોપીએ જામીન પર છૂટતા અરજી કરતાં સરકારી વકીલ મહેશભાઇ જોષીએ રજૂઆત કરેલ કે, પોલીસ કેસની હકીકત અને માસુમ બાળકનું મૃત્‍યુ જોતા આરોપીની બેદરકારીના કારણે આવો બનાવ બનેલ હોવાનું પ્રથમ દર્શનીય જણાતું હોય આરોપીની જામીન અરજી રદ કરવી જોઇએ.

ઉપરોકત રજૂઆત અને કેસની ગંભીરતાને ધ્‍યાને લઇ એચ.એ જજ, શ્રી બ્રહ્મભટે આરોપીની જામીન અરજીને નકારી કાઢી હતી. આ કામમાં સરકારપક્ષે એ.પી.પી. શ્રી મહેશભાઇ જોષી રોકાયા હતાં.

(3:40 pm IST)