Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

આજી રિવરફ્રન્ટ માટે ટીપી શાખા દ્વારા નદીકાંઠે ડિમોલીશનનો સર્વે

સરકારે નદીની ૧૧ કિ.મી. જમીન મ્યુ.કોર્પોરેશનને સુપ્રત કરવાના નિર્ણય બાદ ટાઉન પ્લાનીંગ વિભાગ હરકતમાં: ભવાનીનગર, રામનાથ પરા સહિતના વિસ્તારોમાં નદીના પટ્ટમાં દબાણોનો સર્વે કરી ડિમોલીશન તથા વૈકલ્પિક જગ્યા ફાળવવા કાર્યવાહી થશેઃ નોટીસો અપાતા અસરગ્રસ્તોમાં ફફડાટ

રાજકોટ, તા. ,૩૦ : મ્યુ. કોર્પોરેશન દ્વારા હાથ ધરાયેલ આજી રિવરફ્રન્ટ માટે રાજ્ય સરકારે આજી નદીની ૧૧ કિ.મી. સુધીની જમીન મ્યુ. કોર્પોરેશનને ફાળવવાનો મહત્વાકાંક્ષી નિર્ણય લેતા હવે મ્યુ. કોર્પોરેશનના ટાઉન પ્લાનીંગ રિવરફ્રન્ટ  માટે હરકતમાં આવ્યાનું જાણવા મળ્યું છે અને નદીકાંઠાના રામનાથ પરા-ભવાનીનગર-જંગલેશ્વર સહીતના વિસ્તારોમાં નદીના પટ્ટમાં થયેલ દબાણોનો સર્વે ટી.પી. વિભાગે શરૂ કર્યો છે. તેમજ આ અંગે અસરગ્રસ્તોને નોટીસો આપવામાં આવી રહી છે.

ટી.પી. વિભાગના સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ રાજ્ય સરકારે આજી-૧ અને આજી-૨ વચ્ચેની ૧૧ કિ.મી.ની નદીની જમીનનો કબ્જો મ્યુ. કોર્પોરેશનને સોંપી દેવા નિર્ણય કર્યો છે ત્યારે હવે આ નદીના બંને કાંઠાનો સર્વે હાથ ધરી અને નદીકાંઠાના દબાણો દુર કરી અને ડિમોલીશન અસરગ્રસ્તોને વૈકલ્પિક જગ્યા કે વળતર આપવા કાર્યવાહી હાથ ધરવા આયોજન થશે.

ટી.પી. વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ આજી નદીનાં બંન્ને કાંઠાઓ ઉપર ભગવતીપરા સુધીના નદીકાંઠામાં અગાઉથી જ જંગલેશ્વર, રામનાથપરા, રૂખડીયાપરા અને ભગવતીપરા સુધીના પટ્ટામાં નદીકાંઠાના કાચા - પાકા મકાનો દુર કરી અને અસરગ્રસ્તોને કોર્પોરેશનની આવાસ યોજનામાં મકાનો ફાળવી દઇને નદીકાંઠો કલીયર કરી નાંખ્યો હતો. દરમિયાન હવે ફરીથી આજી નદી કાંઠાનાં ભવાનીનગર, રામનાથ પરા, જંગલેશ્વર વિસ્તારમાં જે દબાણો છે. તેનો સર્વે કરી ડીમોલીશનની તૈયારીઓ શરૂ કરાયાનું જાણવા મળ્યું છે અને આ બાબતે નોટીસો અપાતા અસરગ્રસ્તોમાં ફફડાટ ફેલાયો છે.

ઉપરાંતે ભગવતીપરાથી બેડી પાસે ૧૫૦ ફુટ રીંગ રોડ સુધીની જે જમીન ફાળવવા નિર્ણય લીધો છે ત્યાં સુધીમાં આજીના બંને કાંઠામાં કેટલા કાચા-પાકા મકાનો છે તેનો સર્વે કરી અને ડિમોલીશન કરવાનું શરૂ થશે.

(3:16 pm IST)