Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

દાદા જે. પી. વાસવાણીની જીવનગાથા કથાકડી - ૯

જશને હૃદયની ડોર આધ્‍યાત્‍મિકતા સાથે મજબૂતીથી બાંધી લીધી હતી

યુવા જશન તેમના સંતજીવનની રૂપરેખાની કેડી ઉપર કદમ માંડી રહ્યા હતા ત્‍યારે વધુ એક ઘટના એની જીંદગીમાં અસરકારક પ્રભાવ પાડી જાય છે. પ્રતિષ્ઠિત નોકરી ઠુકરાવી ચુકેલા યુવા જશન સામે વધુ એક પ્રશ્ન આવી ઉભો રહી જાય છે. જશને પોતાની મહેનત, કુશાગ્ર બુધ્‍ધિ તથા વાંચન દ્વારા ભૌતિકવિજ્ઞાનમાં તૈયાર કરેલ શોધનિબંધ હવે પૂર્ણતાના આરે હતો. શોધનિબંધ પૂર્ણ થઇ મંજૂર થઇ જાય તો તેઓને એમ. એસ. સી. વીથ ફીઝીકસની ઉચ્‍ચ ડીગ્રી પ્રાપ્ત થાય એમ હતી. પરંતુ યુવા જશને પોતાના હદયની ડોર તમામ વસ્‍તુઓમાંથી છોડી, આધ્‍યાત્‍મિકતા સાથે મજબૂતીથી બાંધી લીધી હતી. અને આ જ સમયે જશનનો વૈરાગ્‍યભાવ જોઇ તેમના મિત્રએ જશને લખેલ શોધનિબંધ પોતાને આપવા માગણી કરી, જશને સહર્ષ આ વાતનો સ્‍વીકાર કર્યો. અને ચાચા સાધુ ટી. એલ. વાસવાણીને આ વાતની જાણ કરી. ફરી એકવાર ચાચા એ પોતાના પ્રિય ભત્રીજાને સમજાવતા કહ્યું આ બૈમાની છે. તારે “SCATTERING OF X – RAYS BY SOLID” નો થીસીઝ પૂર્ણ કરી અને તપાસવા આગળ મોકલવો જ જોઇએ. જશનની પ્રખર બુદ્ધિઅમત, વિષયનું ગહન અધ્‍યયન કરવાનો અભિગમ, એકાગ્રતા અને ગહન - ચિંતન દ્વારા પૂર્ણ કરાયેલ શોધનિબંધને તે સમયના નોબેલ પારિતોષિક વિજેતા અને પ્રખર વૈજ્ઞાનિક એવા સી. વી. રામન દ્વારા તપાસવામાં આવ્‍યો. અને જશનની આ ઉચ્‍ચકક્ષાની કૃતિને ભારોભાર પ્રશંસા સાથે સર સી. વી. રામને ગર્વસભર આ શોધનિબંધને મંજૂરી આપી પોતાના હસ્‍તાક્ષર પોતાના હસ્‍તાક્ષર કર્યા. જો કે જશનને મન આ એક સામાન્‍ય ઘટના હતી કેમકે સમાજના કોઇ બંધન, કોઇ પ્રતિષ્ઠા કે કોઇ સફળતામાં એમને અભિરૂચી ના હતી. યુવા જશનનું હદય હવે વાસવાણીમાંથી દાદા વાસવાણી બનવાના પથ પર ઉપર કદમ માંડી ચૂકયું હતું. જશનનું હદ પ્રેમ, ઉદારતા, કરૂણા જેવા સદગુણો અને માનવ - જીવનના શ્રેષ્ઠ મુલ્‍યોથી ભીંજાવા લાગ્‍યું.

બાળપણમાં જે આધ્‍યાત્‍મિકતાના ગુણોની ઝલક તેમનામાં જોવા મળતી તે બધા ગુણો પૂર્ણપણે ખીલી રહ્યા હતા. અને અહીંથી એ પ્રશ્નોના જવાબ મળવાની શરૂઆત થાય છે. જે પ્રશ્નો દાદાના મનમાં બાળપણમાં ઉદભવતા હતા જેવા કે પૃથ્‍વી પર મારા આગમનનું પ્રયોજન શું છે? હું શું છું? શરીર કે આત્‍મા? આવા કેટલાય પ્રશ્નોના તબક્કાવાર જવાબ જશનને કયાં અને કેવી રીતે મળે છે જોઇશું આવતીકાલના અંકમાં......

શ્રી બી. બી. ગોગીયા સેક્રેટરી,

સાધુ વાસવાણી સેન્‍ટર, રાજકોટ

(2:41 pm IST)