Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

મુખ્યમંત્રીના બંગલે યુવતિ આત્મવિલોપન કરે એ પહેલા અટકાયત

પતિ રમેશ રાણા પરના ખુની હુમલામાં માજી ધારાસભ્ય સહિતનાં આરોપીઓની ધરપકડ ન થતાં પત્ની દ્વારા સળગી જવાનો પ્રયાસઃ રિક્ષામાં જ કેરોસીન છાંટી લીધું : પડધરીના નાની અમરેલીની હેતલબેન મકવાણા બુકાની બાંધી રિક્ષા મારફત ચાંપતો પોલીસ બંદોબસ્ત હોવા છતાં પહોંચી ગયા

 આત્મવિલોપનનો પ્રયાસઃ હેતલબેન રમેશ મકવાણાએ પાંચ દિવસ પહેલા રૂરલ એસપીશ્રીને લેખિત અરજી કરી પોતાના પતિ રમેશ રાણાભાઇ મકવાણા પર ૧૯મીએ ગ્રામજનોએ તલવાર-ધોકા-પાઇપથી હુમલો કરી ઇજા કર્યાની અને આ મામલે ફરિયાદ કરી હોવા છતાં આરોપી પકડાયા ન હોવાનો રોષ વ્યકત કરી આજે રાજકોટ ખાતે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના બંગલે પોતે આત્મવિલોપન કરશે તેવી ચિમકી ઉચ્ચારી રજૂઆત કરી હતી. આ સંદર્ભે બે દિવસ પહેલા પડધરી પોલીસે તેની સામે અટકાયતી પગલા પણ લીધા હતાં. ચમકીના પગલે ક્રાઇમ બ્રાંચ, ગાંધીગ્રામ પોલીસ, યુનિવર્સિટી પોલીસ અને હથીયારધારી જવાનોનો બંદોબસ્ત મુખ્યમંત્રીશ્રીના બંગલે ગોઠવી દેવામાં આવ્યો હતો. દરમિયાન હેતલબેન રિક્ષા મારફત બંગલે આવતાં જ તેની અટકાયત કરવામાં આવી હતી. તે વખતે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતાં. જે તસ્વીરોમાં જોઇ શકાય છે. રિક્ષાચાલકને પણ બાઇકમાં બેસાડીને લઇ જવાયો હતો તે પણ છેલ્લી તસ્વીરમાં જોઇ શકાય છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૩૦: પડધરીના નાની અમરેલી ગામે રહેતા હેતલબેન રમેશભાઇ મકવાણાએ રૂરલ એસપીને લેખીત રજુઆત કરી તેના પતિ પર ખુની હુમલો કરનાર શખ્સોની ધરપકડ થઇ ન હોવાથી પોતે ૩૦મીએ આત્મવિલોપન કરી લેશે તેવી ચિમકી ઉચ્ચારી હતી. તે અંતર્ગત આજ સવારથી જ રાજકોટમાં મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીના પ્રકાશ સોસાયટીના બંગલા ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. જો કે આમ છતાં હેતલબેન તથા અન્ય બે મહિલાઓ એક રિક્ષા મારફત બંગલે પહોંચી જતાં અને રિક્ષામાં જ તેણીએ કેરોસીન છાંટી લેતાં પોલીસે તુર્ત જ અટકાયત કરી લીધી હતી. બુકાની બાંધીને તેણી અહિ પહોંચી હતી. ભારે ઝપાઝપી બાદ અટકાયતની કાર્યવાહી થઇ હતી.

હેતલબેને અગાઉ કરેલી રજુઆતમાં જણાવાયું હતું કે તેના પતિ રમેશ રાણાભાઇ મકવાણા  ગત તા. ૧૯ના રોજ નાની અમરેલી ખાતે હતા ત્યારે નાના અમરેલી ગામના ૧૦ શખ્સો અને ૪ થી પ શખ્સો સહિત કુલ ૧૪ શખ્સોએ તલવાર, ધોકા અને લોખંડના પાઇપથી ખુની હુમલો કર્યો હતો. આ અંગે અમો ફરીયાદીના પતિએ ઉકત આરોપીઓ સામે ફરીયાદ કરેલ છે. પરંતુ હજુ સુધી આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ નથી.  તેમજ ફરીયાદમાં મીલ માલીક રમેશ ગોંડલીયાનું નામ લખાવેલ હોવા છતાં તેનું નામ પોલીસે લખેલ નથી. આ હુમલામાં મુખ્ય કાવત્રાખોર તરીકે પુર્વ ધારાસભ્ય રમેશ રૂપાપરાનું નામ આપેલ હોવા છતા પોલીસે કોઇ કાર્યવાહી કરેલ નથી.

હુમલાખોર આરોપીઓને તાકીદે ધરપકડ ન થાય તો પોતે તા.૩૦મીએ મુખ્યમંત્રીના નિવાસસ્થાને આત્મ વિલોપન કરશે તેવી ચિમકી ઉચ્ચારી હતી. આ ચિમકીને કારણે આજ સવારથી જ મુખ્યમંત્રી શ્રી રૂપાણીના નિવાસ સ્થાને ક્રાઇમ બ્રાંચ, ગાંધીગ્રામ અને તાલુકા પોલીસની ટીમો બંદોબસ્તમાં ગોઠવાઇ હતી. મહિલા પીએસઆઇ અને હથીયારધારી જવાનો પણ ગોઠવાઇ ગયા હતાં. આમ છતાં હેતલબેન મકવાણા તથા અન્ય બે મહિલાઓ બુકાની બાંધી રિક્ષા મારફત બંગલે પહોંચી હતી. હેતલબેને રિક્ષામાં બેઠા-બેઠા જ ડબલામાંથી થોડુ કેરોસીન છાંટી લીધુ હતું. વોચમાં રહેલી પોલીસે તુર્ત જ ડબલુ ખેંચી લીધું હતું અને તેણીને અટકાયતમાં લઇ લેવા પ્રયાસ કરતાં ભારે ઝપાઝપી થઇ હતી. અંતે તેણીને પકડી લેવાઇ હતી.

હેતલબેનની સાથે આવેલી બે અન્ય મહિલા અને રિક્ષાચાલકને પણ લઇ જવાયા હતાં. આત્મવિલોપન કરવા પહોંચેલી આ મહિલા સામે ૧૫૧ હેઠળ ગાંધીગ્રામ પોલીસે અટકાયતી પગલા લીધા હતાં.

(3:53 pm IST)