Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

યમુના પાર્ક સોસાયટી ખાલી કરાવવા પાંચ ભાગીદારોએ ટોળકીને કામ સોંપ્યાની રહેવાસીઓની ચોંકાવનારી રજૂઆત

૨૦૧૨થી કોર્ટમાં મેટર પેન્ડીંગ છેઃ આમ છતાં રહેવાસીઓને રૂબરૂ તથા ફોન કરી ધમકીઓ અપાતી હોવાની ફરિયાદ

રાજકોટ તા. ૨: યુનિવર્સિટી રોડ પર ગંગોત્રી પાર્ક સામે યમુના પાર્કમાં રહેતાં આઠ રહેવાસીઓએ પોલીસ કમિશ્નર તથા યુનિવર્સિટી પોલીસ મથકના ઇન્સ્પેકટરને પોતાના કબ્જા ભોગવટાની રહેણાંકની મિલ્કતમાં અમુક લોકો ગેરકાયદેસર અપપ્રવેશ કરી કબ્જો છીનવવાનો પ્રયાસ કરવા સબબ રજૂઆત કરી છે. પાંચ ભાગીદારોએ સોસાયટી ખાલી કરાવવાનું કામ ટોળકીને સોંપ્યાનું પણ જણાવાયું છે.

યમુના પાર્કના શોભનાબેન નારણભાઇ પરમાર, શીતાબેન ગીરજાશંકર શર્મા, કિરીટભાઇ ભોવાનભાઇ અઘેરા, શોભનાબેન મહેન્દ્રભાઇ વામજા, જશુભા દોલુભા જાડેજા, ચમનભાઇ વેલજીભાઇ ઝાલાવડીયા, અરવિંદભાઇ ઉદેસિંહ નકુમ અને નાગજીભાઇ મોહનભાઇ ધામેલીયાએ રજૂઆત કરી જણાવ્યું છે કે પોતે યમુના પાર્કમાં રૈયાના રેવન્યુ સર્વે નં. ૨૭/૧ પૈકીની જમીનમાં પ્લોટ નં. ૭૬, ૭૮, ૭૫, ૭૮/૭૯, ૭૬,  ૭૪માં જુદા-જુદા ચો.વા.માં મકાનો ધરાવે છે અને ત્યાં રહે છે. વર્ષોથી આ જગ્યાઓ કબ્જો ભોગવટો પોતાનો છે. પરંતુ હાલમાં સામાવાળા તથા તેના મળતીયા લાલો ભરવાડ, વલ્લભભાઇ, ભુરો સહિતના આ કબ્જો છીનવવા માટે અવાર-નવાર ફોન પર ધમકી આપી હેરાન કરે છે. આ કારણે અહિ સોૈનું રહેવું મુશ્કેલ થઇ ગયું છે.

આ મામલે સિનિયર સિવિલ જજશ્રીની કોર્ટમાં રે.દિ.કે.નં. ૨૦૦/૧૨થી દાવો પણ દાખલ કરેલ છે. જેમાં કોર્ટ કમિશ્નરનું પંચનામુ પણ થયેલ છે. હાલ કોર્ટમાં મેટર પેન્ડીંગ છે. છતાં બધા રહેવાસીઓને હેરાન કરાય છે. આ મામલે અગાઉ અરજી થતાં ૧૫-૨૦ દિવસ બધુ શાંત પડી ગયું હતું. હવે ફરીથી ઘરે આવીને અને ફોન પર ધમકીઓ આપવાની શરૂઆત થઇ છે. તેમ રજૂઆતમાં જણાવાયું છે.

આ ઉપરાંત એવું પણ જણાવાયું છે કે જાગાભાઇ નરસીભાઇ ગામ રૈયા સર્વે નં. ૨૭ પૈકી ૧ના કુલમુખત્યાર દિલીપભાઇ રામાણી (રહે. બાબરીયા (કોલોની) અને હરી છના સખીયાએ ભાગીદારીમાં યમુના પાર્ક સોસાયટી સુચિત, પ્લોટ અને મકાનો બનાવી ૨૦૦૦ની સાલમાં વેંચાણ કરેલ. ત્યારે સોસાયટીએ શેર સર્ટિફિકેટ પણ આપ્યા હતાં. એ પછી જમીનની કિંમત વધતાં આ જમીન બીજી વખત ૨૨/૪/૨૦૧૦ના રોજ વેંચાણ દસ્તાવેજ નં. ૭૦૭૩થી રવજીભાઇ ભાણજીભાઇ ભાડજા જે કિરણ વાલજીભાઇ ભાલોડીયાના ભાગીદારને વેચાણ આપેલ (તેમાં ઓળખ આપનાર વિજય સખીયા અને અરજણ જેઠાભાઇ કેશવાલા છે) ત્યારે ખેતીની ખાલી જમીનના ફોટા પાડેલ. ત્યાર પછીનું સ્થાનિક જગ્યાનું ૩૦/૯/૧૦ના રોજ તલાટી રૈયા-૧ના મંત્રીનું પંચ રોજકામમાં સોસાયટી (સુચિત) છે તેવું જણાવેલ છે.

ત્યારબાદ ઉપરોકત સર્વે નંબરવાળી જમીન રવજીભાઇ ભાણજીભાઇ ભાડજા તા. ૨૯/૩/૧૧ના ભાગીદારી દસ્તાવેજથી મેસર્સ ખેડૂત ભાગીદારી પેઢીમાં લગત રજીસ્ટ્રાર કચેરી રાજકોટ રજી. દસ્તાવેજ નં. ૬૬૨, તા. ૧૧-૩-૨૦૧૫ મુજબ રવજીભાઇ ભાડજા ભાગીદારી પેઢીમાંથી નિવૃત થતાં ખેડૂત ભાગીદારી પેઢીના ભાગીદારોના નામે થયેલ છે. જેના નામ રાજેશકુમાર ગોવિંદલાલ પટેલ, કિરણકુમાર વાલજીભાઇ  ભાલોડીયા, રશ્મીકાંત વાલજીભાઇ ભાલોડીયા, રજનીકાંત મોહનલાલ ભાલોડીયા અને નવીનચંદ્ર મોહનલાલ પટેલ છે. આ પાંચ ભાગીદારોએ સોસાયટી ખાલી કરાવવાનું કામ ટોળકીને સોંપ્યું છે. તેવો આક્ષેપ લેખિત અરજીમાં કરાયો છે. (૧૪.૧૨)

(1:01 pm IST)