Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

રાજકોટમાં આહિર યુવાનને ભરવાડ શખ્સોએ રહેંસી નાંખ્યો

વધુ એક હત્યાઃ રૈયા ટેલિફોન એક્ષચેન્જ પાછળ સોમનાથ સોસાયટીમાં રાત્રે પૈસાના ડખ્ખામાં લોથ ઢળીઃ દૂધનો ધંધાર્થી હાર્દિક મકવાણા (ઉ.૨૫) રાત્રે વોકીંગમાં નીકળ્યો ત્યારે ઘર નજીક માધવ રેસિડેન્સી પાસે પડોશી ગોવિંદ ભરવાડ, તેનો ભાઇ ટીટીયો, બંનેના પિતા ઘુઘા વિભા, કાકા સેલા વિભા, પિત્રાઇ રાહુલ અને અર્જુન તૂટી પડ્યા

ક્રુર હત્યાઃ આહિર યુવાનની જ્યાં હત્યા થઇ એ સ્થળ, લોહીના ધાબા, ઘટના સ્થળે મૃતકનું ચપ્પલ, તેનો નિષ્પ્રાણ દેહ તથા તેના નિવાસ સ્થાને એકઠા થયેલા શોકમય સ્વજનો અને ઇન્સેટમાં હાર્દિકની ફાઇલ તસ્વીર જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૩૦: શાંત શહેર ગણાતા રાજકોટમાં વધુ એક લોથ ઢળી છે. રૈયા ટેલિફોન એક્ષચેન્જ પાછળ આવેલી સોમનાથ સોસાયટીમાં રહેતાં દૂધના ધંધાર્થી ૨૫ વર્ષના આહિર યુવાનને તે રાત્રે વોકીંગ કરવા નીકળ્યો ત્યારે ઘર નજીક જ તેના પડોશમાં રહેતાં ભરવાડ ભાઇઓ, તેના પિતા, કાકા, પિત્રાઇ મળી છ શખ્સોએ ઢીકા-પાટુનો માર મારી છરીના ઘા ઝીંકી પતાવી દેતાં આહિર પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. પૈસાની લેતીદેતીમાં ડખ્ખો થયાનું હાલ બહાર આવ્યું છે. હત્યારા ભાગી છુટ્યા હોઇ તે ઝડપાયા બાદ સાચી વિગતો બહાર આવશે.

ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ સોમનાથ સોસાયટી-૩ શેરી નં. ૧/૯ના ખુણે 'રવેચી કૃપા' ખાતે રહેતાં હાર્દિક વિભાભાઇ મકવાણા (ઉ.૨૫) નામના આહિર યુવાનને રાત્રીના સાડા દસેક વાગ્યે તે ઘરેથી વોકીંગ કરવા નીકળ્યો ત્યારે ઘર નજીક માધવ રેસિડેન્સી પાસે ગોવિંદ ભરવાડ સહિતના શખ્સોએ છરીના ઘા ઝીંકી દેતાં લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને રવિભાઇ ગઢવીએ યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી.

ઘટનાની જાણ થતાં યુનિવર્સિટીના પી.આઇ. એમ. ડી. ચંદ્રવાડીયા, પીએસઆઇ કડછા, પી.એસ.આઇ. ગોહિલ, રાઇટરો શૈલેષપરી ગોસાઇ, બળભદ્રસિંહ, ગિરીરાજસિંહ, અમીનભાઇ, હરેશભાઇ, લક્ષમણભાઇ, રવિરાજસિંહ સહિતનો કાફલો હોસ્પિટલે અને ઘટના સ્થળે પહોંચ્યો હતો. ઉચ્ચ અધિકારીઓ પણ પહોંચ્યા હતાં. જો કે સારવાર દરમિયાન મોડી રાત્રે હાર્દિકનું મોત નિપજતાં બનાવ હત્યામાં પરિણમ્યો હતો.

પોલીસે હત્યાનો ભોગ બનેલા હાર્દિકના પિતા વિભાભાઇ કાળાભાઇ મકવાણા (ઉ.૫૭)ની ફરિયાદ પરથી તેના પડોશમાં જ રહેતાં ગોવિંદ ઘુઘાભાઇ ભરવાડ, તેના ભાઇ ટીટીયો ઘુઘાભાઇ ભરવાડ, આ બંનેના પિતા ઘુઘાભાઇ વિભાભાઇ ભરવાડ, કાકા સેલાભાઇ વિભાભાઇ ભરવાડ અને ગોવિંદ-ટીટીયાના બે પિત્રાઇ ભાઇઓ રાહુલ સેલાભાઇ તથા અર્જુન સેલાભાઇ સામે આઇપીસી ૩૦૨, ૩૨૩, ૫૦૪, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, જીપીએકટ ૧૩૫ (૧) મુજબ મંડળી રચી હુમલો કરી હત્યા નિપજાવવાનો ગુનો નોંધ્યો હતો.

વિભાભાઇએ સમગ્ર ઘટનાની વિગતો આપતાં પોલીસને જણાવ્યું હતું કે પોતે રાત્રે પોણા અગિયારેક વાગ્યે ઘરે હતાં ત્યારે પડોશી પુનાભાઇ મંગાભાઇએ જાણ કરી હતી કે તમારા દિકરાને ગોવિંદ અને ટીટીયા સાથે ઝઘડો થયો છે અને માધવ રેસિડેન્સી સામેના ચોકમાં તેને માર મારે છે. આ વાત જાણવા મળતાં જ પોતે ત્યાં દોડી જતાં માધવના ગેઇટ નજીક ટોળુ ઉભુ હતું. પોતે ત્યાં પહોંચતા બાઇક પર ત્રણ સવારીમાં ગોવિંદ ઘુઘા ભરવાડ, ટીટીયો ઘુઘા અને સેલા વિભા તથા બીજા વાહનમાં રાહુલ સેલા, અર્જુન સેલા અને ઘુઘા વિભાભાઇ ભાગી ગયા હતાં.

પોતાનો પુત્ર હાર્દિક માથામાં, બંને પડખામાં તથા બગલ અને વાંસા તેમજ હાથના ભાગે ઇજા થયેલી હાલતમાં પડેલો જોવા મળ્યો હતો. તેને છરીના ઘા ઝીંકાયાનું જણાતું હતું. શું થયું તે અંગે પુછતાં હાર્દિકે ત્રુટક-ત્રુટક અવાજે પોતાને ગોવિંદ ઘુઘા અને રાહુલ સેલા સાથે પૈસાની લેતીદેતી થતાં આ બંને સહિતનાએ હુમલો કર્યાનું કહ્યું હતું. જેમાં ગોવિંદ અને સેલાએ છરીના ઘા ઝીંકયાનું તેમજ બીજા ચાર શખ્સો ટીટીયો, ઘુઘો, સેલો અને રાહુલે ઢીકા-પાટુનો માર માર્યાનું પણ હાર્દિકે કહ્યું હતું. હાર્દિકને ગંભીર ઇજા પહોંચી હોઇ પુના મંગાભાઇની રિક્ષામાં નાંખી તાત્કાલીક સિવિલ હોસ્પિટલે ખસેડ્યો હતો. પરંતુ અહિ સારવાર દરમિયાન તેણે દમ તોડી દીધો હતો.

પોલીસે વિભાભાઇની ઉપરોકત કેફીયત પરથી હત્યાનો ગુનો નોંધી હત્યારાઓના ઘરે દરોડો પાડ્યો હતો પરંતુ ઘરે તાળા મારી બધા છનનન થઇ ગયા હતાં. હત્યાના આ બનાવથી આહિર પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. પોલીસે તમામ આરોપીને ઝડપી લેવા દરોડાનો દોર શરૂ કર્યો છે.

રંગીલુ રાજકોટ, લોહીયાળ રાજકોટ...૨૧ દિવસમાં ત્રીજી હત્યા

શાંત શહેર ગણાતાં રંગીલા રાજકોટમાં ગમે ત્યારે ગમે ત્યાં નજીવી વાતે ધબધબાટી બોલી જાય છે. રંગીલુ રાજકોટ જાણે લોહીયાળ રાજકોટ બની ગયું હોય તેમ છેલ્લા ૨૧ દિવસમાં ત્રણ-ત્રણ હત્યાના બનાવ બન્યા છે. ૧૦ મેના રોજ કોઠારીયા રોડ માસ્તર સોસાયટીમાં વૃધ્ધા જયશ્રીબેન શુકલાની તેના જ ઘરમાં હત્યા કરાયેલી લાશ મળી હતી. એ પછી પરમ દિવસે મોરબી રોડ પર મિત્રના ડખ્ખામાં સમાધાન કરવા ગયેલા નિર્દોષ સુથાર યુવાન કિશનને છરી ઝીંકી પતાવી દેવાયો હતો. તેના આરોપીઓને હજુ ગત સાંજે જ પોલીસે પકડ્યા છે. ત્યાં મોડી રાત્રે સોમનાથ સોસાયટીના આહિર યુવાનની હત્યાનો બનાવ બન્યો છે.

હાર્દિક ત્રણ બહેન અને બે ભાઇમાં ચોથો હતોઃ પિતા સાથે જ દૂધનો ધંધો કરતો'તો

પડોશમાં જ રહેતાં ભરવાડ શખ્સોના હાથે હત્યાનો ભોગ બનેલો આહિર યુવાન હાર્દિક કાળાભાઇ મકવાણા ત્રણ બહેનો અને બે ભાઇમાં ચોથા નંબરે હતો. તેની બહેનોના નામ રૂપલબેન, રેખાબેન, સગુણાબેન અને નાના ભાઇનું નામ કાનો છે.   હાર્દિકના પિતા વિભાભાઇ ઘર સાથે જ રામદેવ દુગ્ધાલય નામે દુધનો ધંધો કરે છે. હાર્દિક પણ આ દુકાનમાં પિતા સાથે બેસીને ધંધો સંભાળતો હતો. રાત્રે વાળુ કર્યા બાદ તે હમણા વોકીંગ કરીને આવું છું...તેમ કહીને ઘરેથી નીકળ્યો હતો અને થોડીવાર બાદ તેના પર ભરવાડ શખ્સોએ હુમલો કર્યાની પિતાને ખબર પડતાં તે દોડી ગયા હતાં અને હાર્દિકને હોસ્પિટલે ખસેડ્યો હતો. પરંતુ અહિ તેનું મોત નિપજ્યું હતું.

હાર્દિકની પુત્રી કાવ્યાનો ૧૦ દિવસ પહેલા જ જન્મદિવસ ઉજવાયો'તોઃ આજે કરૂણ કલ્પાંત

 ભરવાડ શખ્સોએ જેને છરીના ઘા ઝીંકી રહેંસી નાંખ્યો એ આહિર યુવાન હાર્દિકની હત્યાથી એક વર્ષની દિકરી કાવ્યાએ પિતાની છત્રછાંયા ગુમાવી છે. હાર્દિકના લગ્ન અઢી વર્ષ પહેલા જ રાજકોટના યુનિવર્સિટી રોડ પર રામ પાર્કમાં રહેતાં ભાનુભાઇ અરજણભાઇ ડાંગરની દિકરી પૂજાબેન સાથે થયા હતાં. લગ્ન જીવન દરમિયાન તે એક પુત્રીનો પિતા બન્યો હતો. આ દિકરીનો હજુ દસેક દિવસ પહેલા જ જન્મદિવસ હોઇ તેની રંગેચંગે ઉજવણી થઇ હતી. ત્યાં આજે હાર્દિકની હત્યા થઇ જતાં આહિર પરિવારજનોની ખુશી કલ્પાંતમાં પરિણમી છે. યુવાન અને આધારસ્તંભ દિકરાની હત્યાથી મકવાણા-આહિર પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે. હાર્દિકના માતાનું નામ લાડુબેન છે. હમણા આવું કહીને ઘરેથી નીકળેલા દિકરાની લાશ ઘરે આવશે તેવી કોઇને કલ્પના પણ નહોતી.

મરતાં પહેલા હાર્દિક ત્રુટક અવાજે એટલુ બોલ્યો કે ગોવિંદ અને રાહુલ ભરવાડ સાથે પૈસાની લેતી-દેતીની માથાકુટ હતી

. દિકરા હાર્દિકને ભરવાડ શખ્સો ચોકમાં મારકુટ કરતાં હોવાની પડોશી મારફત જાણ થતાં પિતા વિભાભાઇ ત્યાં દોડી જતાં હુમલાખોરો ભાગી ગયા હતાં. હાર્દિકને શું થયું? તે અંગે વિભાભાઇએ પુછતાં તેણે ગોવિંદ અને રાહુલ સાથે પૈસાની લેતીદેતીની માથાકુટ હોવાનું તેણે ત્રુટક અવાજે જણાવ્યું હતું. કેટલા પૈસા કોને-કોની પાસેથી લેવાના હતાં? તે અંગેની વિગતો આરોપી ઝડપાયા બાદ બહાર આવશે. હાર્દિકને પૈસાનો વહિવટ હોવાની માહિતી તેના પરિવારના કોઇ સભ્યો પાસે નથી. ભરવાડ શખ્સો હાથમાં આવ્યા બાદ સાચી માહિતી જાણવા મળશે.

(12:01 pm IST)