Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

૭૧.પ૪ લાખ પરિવારોને રેશનકાર્ડ પર તા. ૧૧ મીથી રાહતદરે વસ્તુ વિતરણઃ વધારામાં ઘઉં-ચોખા મફત

રાબેતા મુજબનું વિતરણ અને વધારાનું નિઃશુલ્ક વિતરણ સાથે કરવાનું હોવાથી પ્રારંભ તા. ૧ ના બદલે ૧૧ મીથીઃ કાર્ડના છેલ્લા આંક મુજબ અલગ-અલગ દિવસે વિતરણઃ પુરવઠા નિયામક તુષાર ધોળકિયાએ પરિપત્ર પ્રસિધ્ધ કર્યો

રાજકોટ તા. ૩૦ :.. રાજય સરકાર દ્વારા રાજયના ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળના લાભાર્થી ૭૧.પ૪ લાખ રેશનકાર્ડ ધારકો (જનસંખ્યા ૩ાા કરોડ) માટે રાબેતા મુજબની ચીજ વસ્તુના રાહત ભાવના વિતરણ અને વધારામાં નિઃશુલ્ક ઘઉં-ચોખા વિતરણનું આયોજન કરાયેલ છે.

રાજયના નાગરીક પુરવઠા નિયામક શ્રી તુષાર ધોળકીયા (આઇ. એ. એસ.)એ તમામ કલેકટરો જોગ પાઠવેલ પરિપત્રમાં જણાવ્યા મુજબ રાબેતા મુજબનું રાહત દરની ચીજ વસ્તુઓનું વિતરણ અને કોરોનાના  કારણે કેન્દ્રએ જાહેર કરેલ વિનામુલ્યે ઘઉં-ચોખાનું વિતરણ રાજયમાં તા. ૧૧ મેથી સસ્તા અનાજની દુકાનોએથી શરૂ થશે. રેશનકાર્ડની બૂકલેટના છેલ્લા આંક મુજબ ક્રમાનુસાર દરરોજ વિતરણ થશે. છેલ્લા આંક ૧ હોય તેને તા. ૧૧ મીએ વિતરણ થશે. છેલ્લો આંક ર હોય તેને તા. ૧ર મીએ અપાશે. ૧ થી ૯ અને ૦ સુધીના આંકનું વિતરણ પુરૂ થયા બાદ તા. ર૧ થી ૩૧ સુધી બાકી રહે ગયેલા લાભાર્થીઓને વિતરણ થશે.

એન. એફ. સી. એ. રેશનકાર્ડ ધારકોને મળવાપાત્ર ઘઉં, ચોખા, તુવેરદાળ, ખાંડ અને મીઠાનું રાબેતા મુજબનું રાહત દરનું વિતરણ તથા પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત વ્યકિત દિઠ ૩ાા કિલો ઘઉં અને ૧ાા કિલો ચોખા (વ્યકિત દિઠ ફુલ પ કિલો) વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. સસ્તા અનાજના દુકાનદારોએ સિસ્ટમમાંથી નવુ ચલણ જનરેટ કરવાની જરૂર રહેશે નહીં.

(4:12 pm IST)