Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

પંચનાથ હોસ્પિટલમાં બે ઓકિસજન પ્લાન્ટ નખાશે

ઉદયભાઈ કાનગડ અને તેમના મિત્રોનો સહયોગઃ ધનસુખભાઈ ભંડેરી, હેતલભાઈ રાજયગુરૂ, વિક્રમભાઈ શાહ, મુકેશભાઈ શેઠ, પી.ડી.અગ્રવાલ સહિતના દાતાઓ દ્વારા અનુદાન

રાજકોટઃ જીવનમાં આવેલી કોઈપણ ગંભીર સમસ્યા કે કટોકટી સમાજના બધા લોકોને સબક શીખવાડે છે. તેનો અનુભવ રાજકોટમાં કોરોનાની સારવાર આપી રહેલા હોસ્પિટલ તંત્રને થયો. ઓકિસજનની સર્જાયેલી તીવ્ર તંગી સામે દરેક હોસ્પિટલ લાચારી અનુભવતી હતી અને હવે શું થશે..? એ મોટો પ્રશ્નાર્થ દરેકના મનમાં ઉદભવ્યો હતો. સરકારશ્રીએ ગંભીર કટોકટી પારખીને મોડી રાત્રે જે તે હોસ્પિટલને જરૂરી પુરવઠો મળે તેવી વ્યવસ્થા કરી આપતા દરેક હોસ્પિટલના વહીવટદારોએ નિરાંતનો દમ લીધો હતો.

પરંતુ ભવિષ્યમાં પંચનાથ હોસ્પિટલમાં આ પ્રકારની વ્યવસ્થા ન સર્જાય તે માટે હોસ્પિટલ તંત્ર દ્વારા ઓકિસજન પ્લાન્ટ નાખવાનો તાત્કાલિક ધોરણે નિર્ણય લેવામાં આવ્યો હતો. શ્રી પંચનાથ હોસ્પિટલના યુવા પ્રમુખશ્રી દેવાંગભાઈ માંકડે હોસ્પિટલ  આત્મનિર્ભર બને તે હેતુથી પોતાના ખાસ મિત્રોને આ વિચાર વ્હોટ્સએપમાં રજુ કર્યો અને તેના મિત્રો તરફથી વાયરલ થયેલો આ સેવાકીય સંદેશને પ્રત્યુત્તર સકારાત્મક રીતે મળવા લાગ્યો અને માત્ર ૭ મિનિટમાં જ દાતારીઓએ અનુદાન આપવાની ખાતરી આપી.

પ્રથમ પ્લાન્ટના દાતાશ્રીઓઃ- રાજકોટ બેંક વર્કસ કો- ઓપ ક્રેડિટ સોસાયટી લિમિટેડ, ઉદયભાઈ કાનગડ (પૂર્વ મેયરશ્રી અને પ્રમુખશ્રી બક્ષીપંચ ગુજરાત ભાજપ પ્રદેશ), ભાવેશભાઈ પટેલ (પટેલ ટિમ્બર્સ), જગદીશભાઈ ડોબરીયા (જે.પી.ઈન્ફ્રા), છગનભાઈ બુસા (સ્વાગત ગ્રુપ), દિલીપભાઈ આડેસરા.

બીજા પ્લાન્ટના દાતાશ્રીઓઃ- શ્રી ધનસુખભાઈ ભંડેરી (ચેરમેનશ્રી ગુજરાત ફાઈનાન્સ બોર્ડ), હેતલભાઈ રાજગુરૂ (જાણીતા બિલ્ડર્સ), વિક્રમભાઈ શાહ (જાણીતા બિલ્ડર્સ), અજયભાઈ કારિયા (જાણીતા બિલ્ડર્સ), મુકેશભાઈ શેઠ (જાણીતા બિલ્ડર્સ) તથા પી.ડી.અગરવાલ જેવા ઉદારદિલ દાતાશ્રીઓ તરફથી કલ્પી ન શકાય તેટલા સમયમાં સહકાર મળ્યો છે.

''જબ મહાદેવ દેતા હૈ તો છપ્પર ફાડ કે દેતા હૈ''- આ ઉકિત વર્તમાન સમયમાં યોગ્ય રીતે યથાર્થ સાબિત થઈ છે. ઓકિસજન પ્લાન્ટ નાખવાનો વિચાર કરનાર અને તેમાં સહયોગ આપનાર દરેક ઉદારદિલ દાતાશ્રીઓ દેવાધિદેવ મહાદેવના આશીર્વાદ મેળવવામાં સફળ રહ્યા હોવાનું યાદીમાં જણાવાયું છે.(૩૦.૧૫)

ઉદયભાઈ કાનગડ અને તેના મિત્રો દ્વારા માત્ર બે મિનિટમાં ૨૮ લાખનું અનુદાન

રાજકોટઃ શ્રી પંચનાથ હોસ્પિટલમાં ઓકિસજન પ્લાન્ટ નાખવા બાબતે દેવાંગભાઈ માંકડ અને ઉદયભાઈ કાનગડ વચ્ચે ટેલીફોનીક ચર્ચા થઈ હતી. ઉદયભાઈએ તેમના મિત્રો સાથે ફોન ઉપર ચર્ચા કરી ઓકિસજનનો એક પ્લાન્ટ નાખવા ૨૮ લાખનું આર્થિક અનુદાન આપવા ખાતરી આપી હતી.

(4:09 pm IST)