Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

સિવિલમાં ઓપરેશન કરાવ્યા બાદ ભાગી ગયેલા જસદણના નિતીનભાઇ બારૈયાની જ્યુબીલી પાસે વોંકળામાંથી લાશ મળી

લિવરની તકલીફ હોઇ સોમવારે દાખલ થયેલા, મંગળવારે ઓપરેશન કરાયું હતું: ગઇકાલે પત્નિ ન્હાવા ગઇ ત્યારે ભાગી ગયેલ : પત્નિ અમીબેને પતિ ઇમર્જન્સી વોર્ડમાંથી ગૂમ થયાની પોલીસને જાણ પણ કરી હતીઃ ઓપરેશનની હાલતમાં તબિયત કથળતાં મોત થયાની શકયતા

રાજકોટ તા. ૩૦: શહેરના જ્યુબીલી ગાર્ડન નજીક પ્રભુકૃપા હોસ્પિટલની સામે ભાવેશ મેડિકલ સ્ટોરવાળી શેરીમાં વોંકળામાંથી અજાણ્યા યુવાનની લાશ મળતાં ચકચાર મચી ગઇ હતી.  ઘટનાની જાણ થતાં એ-ડિવીઝન પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરતાં આ યુવાન જસદણના લાતી પ્લોટમાં રહેતો નિતીનભાઇ ભીખભાઇ બારૈયા (વાલ્મિકી) (ઉ.વ.૩૬) હોવાનું અને સિવિલ હોસ્પિટલમાં ઓપેરશન કરાવ્યા બાદ દાખલ હોઇ ગઇકાલે સવારે ત્યાંથી ભાગી ગયાનું ખુલ્યું હતું.

અજાણ્યા પુરૂષનીલાશ પડી હોવાના બનાવની જાણ કોઇ જાગૃત મહિલા મારફત થતાં એ-ડિવીઝન પીઆઇ જસી. જી. જોષી, પીએસઆઇ સી. પી. રાઠોડ, પીએસઆઇ જે. એમ. ભટ્ટ, રવિભાઇ વાઘેલા, હરવિજયસિંહ, ડી. બી. ખેર, રામભાઇ આહિર તથા ડી. સ્ટાફની ટીમે પહોંચી તપાસ શરૂ કરી હતી. અજાણ્યા પુરૂષે બ્લુ ગ્રે પટ્ટાવાળુ મેલુ ટી-શર્ટ અને મેલુ પેન્ટ પહેરેલા હતાં. તેના પેટથી ઉપરના ભાગે ઓપરેશન વખતે તબિબો દ્વારા કરવામાં આવ્યો હોઇ તેવો મોટો કાપો દેખાયો હતો. તેમજ પેટમાં બંને સાઇડ ઓપરેશન વખતે મુકવામાં આવતી નળીઓ ભરાવેલી હતી.

આ યુવાનની ઓળખ થાય તેવી બીજી કોઇ ચીજવસ્તુઓ મળી આવી નહોતી ઓળખ મેળવવા પોલીસે દોડધામ શરૂ કર હતી.  સિવિલ હોસ્પિટલમાં પોલીસ તપાસ કરવા પહોંચી ત્યારે ખબર પડી હતી કે ઇમર્જન્સી વોર્ડમાંથી ગઇકાલે એક દર્દી નીકળી ગયા બાદ ગૂમ છે. આથી પોલીસ પ્ર.નગર પોલીસ સ્ટેશને પહોંચી હતી. અહિ જસદણના અમીબેન બારૈયાએ ગઇકાલે પોતાના પતિ નિતીનભાઇ બારૈયા ગૂમ થયાની નોંધ કરાવી હોઇ પોલીસે ફોન નંબરને આધારે અમિબેનનો સંપર્ક કરતાં તેઓ રાજકોટમાં જ હોઇ તેમને ઘટના સ્થળે બોલાવી મૃતદેહ બતાવતાં આ મૃતદેહ પોતાના પતિ નિતીનભાઇનો હોવાનો ઓળખી બતાવ્યું હતું.

નિતીનભાઇ બે ભાઇ અને બે બહેનમાં નાના હતાં અને છુટક સફાઇ કામ કરતાં હતાં. સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. તેમના પત્નિએ પોલીસને કહ્યું હતું કે ઓપરેશન કરાવ્યું હોઇ તબિબોએ પાણી પીવાની ના પાડી હતી. પણ પતિ વારેઘડીએ પાણી માંગતા હતાં. ગઇકાલે ગુરૂવારે સવારે ઘરના બીજા લોકો ન્હાવા ગયા હતાં અને પોતે રિપોર્ટ બતાવવા ગયેલ ત્યારે પતિ બેડ પર એકલા હોઇ ત્યાંથી તે કોઇ કારણે નીકળી ગયેલ. શોધખોળ કરવા છતાં ન મળતાં ગૂમ થયાની પોલીસમાં જાણ કરી હતી.

પોલીસનું એવું અનુમાન છે કે ઓપરેશન કરાવ્યું હોઇ નિતીનભાઇની હાલત સ્વસ્થ ન હોઇ આમ છતાં તે વોર્ડમાંથી નીકળી ગયા હોઇ અને જ્યાંથી લાશ મળી ત્યાં પહોંચી ગયા બાદ તબિયત વધુ બગડતાં બેભાન થઇ ગયા બાદ મૃત્યુ નિપજ્યું હોઇ શકે. મોતનું ચોક્કસ કારણ જાણવા પોસ્ટ મોર્ટમ કરાવાયું છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(1:38 pm IST)