Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

સંજય ગોસ્વામી આગોતરા સાથે રજૂ થતાં ધરપકડ બાદ જામીન મુકત

સિવિલના કોવિડ પેશન્ટને ટોસિલિઝુબેમ ઇન્જેકશન અપાવવાના બહાને ઠગાઇના કેસમાં : તેણે પોલીસને કહ્યું-મયુરે મારી ઓળખ ડોકટર તરીકે આપી હતી, હું ડોકટર છું એવું મેં કહ્યું જ નહોતું: મયુર જ્ઞાતિનો હોવાથી તેને ઓળખતો હોઇ મદદ કરી હતી

રાજકોટ તા. ૩૦: સિવિલ હોસ્પિટલના કોવિડ સેન્ટરમાં દાખલ મહિલા દર્દીના સગાને મદદ કરવા માટે ચોટીલાના સાધુએ ચોટીલામાં ઇમિટેશન જ્વેલરીની દૂકાન ધરાવતાં અને રાજકોટ રેલનગર સ્ટાર રેસિડેન્સીમાં રહેતાં મયુર હસમુખભાઇ ગોસાઇ (ઉ.વ.૨૭)ને તે સિવિલમાં કોન્ટેકટ ધરાવતો હોઇ મદદ કરવાનું કહેતાં મયુરે  સિવિલમાં જ બેઠક ધરાવતાં ભાજપના યુવા આગેવાન સંજય બચુગીરી ગોસ્વામી સાથે મળી દર્દીને ટોસિલિઝુબેમ ઇન્જેકશન આપવા પડ્યા છે, અમે અપાવી દીધા છે...કહી રૂ. ૪૫ હજાર દર્દીના સગા પાસેથી પડાવી લેવા પ્રયાસ કરતાં આ અંગેની અરજી પરથીં પ્ર.નગર પોલીસે ગુનો નોંધી મયુરની ધરપકડ કરી હતી. સંજય ગોસ્વામી આગોતરા જામીન સાથે રજૂ થતાં પોલીસે તેની ધરપકડ કરી જામીન મુકત કરેલ છે.

આ બનાવમાં પોલીસે લક્ષ્મીવાડી-૧૫ 'દેવછા' નામના મકાનમાં રહેતાં ૭૦ વર્ષના જેન્તીભાઇ ત્રિભોવનભાઇ શીશાંગીયા નામના વૃધ્ધની ફરિયાદ પરથી મયુર ગોસાઇ અને ડોકટર તરીકે ઓળખ આપનાર સંજય બચુગીરી ગોસ્વામી સામે આઇપીસી ૪૦૬, ૪૨૦, ૧૨૦-બી, ૧૭૦ મુજબ ગુનો દાખલ થયો હતો. જેન્તીભાઇના ભાણેજ ઉર્મિલાબેન સિવિલમાં દાખલ હોઇ તેને સારી સારવાર મળી રહે તે માટે ચોટીલાથી મયુરને ફોન આવ્યો હોઇ ભલામણ કરવા મયુર સિવિલ હોસ્પિટલે પહોંચ્યો હતો અને પરીચત સંજય ગોસ્વામીની મદદ લીધી હતી. એ પછી બંનેએ મળી દર્દીને ઇન્જેકશન આપવું પડશે, તમારી પાસે ન હોય તો અમે વ્યવસ્થા કરી દઇએ. તેમ કહી બાદમાં દર્દીને ઇન્જેકશન અપાઇ ગયું છે તેમ કહી ૪૫ હજાર માંગ્યાના આરોપ સાથે ગુનો દાખલ કરાયો હતો.

મયુરે દર્દીના સગાની જેની સાથે વાત કરાવી હતી તે સંજય ગોસ્વામી ડોકટર છે તેવી ઓળખ અપાઇ હતી. મયુરની ધરપકડ બાદ સંજય ગોસ્વામી ફરાર થઇ ગયેલ. તે આગોતરા જામીન સાથે હાજર થતાં પીઆઇ એલ. એલ. ચાવડા, સંજયભાઇ દવે, જનકભાઇ કુગશીયાએ ધરપકડ કરી નિવેદન નોંધી જામીન મુકત કરેલ છે. ગોસ્વામીએ નિવેદનમાં લખાવ્યું છે કે મયુર અમારી જ્ઞાતિના હોવાથી હું તેને ઓળખું છું. તેને દર્દીના સગા માટે ચોટીલાથી ભલામણ આવી હતી. મારી સાથે તેણે વાત કરાવી હતી ત્યારે મેં મારી ઓળખ ડોકટર તરીકે આપી જ નહોતી. મયુરે તેની જાતે દર્દીના સગાને કહ્યું હતું કે ડોકટર વાત કરે છે.

(1:11 pm IST)