Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

સિવિલ હોસ્પિટલના કોરોના વોર્ડમાં 'કાળોકામો!': આરોપી સકંજામાં: સાચુ શું? તે સામે લાવવા પોલીસની મથામણ

વોર્ડમાં બીજા દર્દીઓ પણ હતાં: લાઇટ બંધ થાય તો દેકારો થઇ જાયઃકર્મચારીઓ, દર્દીઓના પોલીસ નિવેદન નોંધશે : મહિલાએ ફરિયાદમાં લખાવ્યુંં-મારા હાથ પગ દુઃખતા'તા એટલે હું પલંગ પર બેઠી'તીઃ સફેદ કીટ પહેરેલા છોકરાએ કહ્યું-મોડી રાતે શું કામ જાગો છો, સુઇ જાવ...મેં કહ્યું માથું દુઃખે છે નિંદર નથી આવતી, એ પછી એણે લાઇટ બંધ કરી, મારા હાથ-પગ માથંુ દબાવ્યા, પડખુ ફરવા જતી'તી ત્યાં પલંગ પર ચડી ગયો અને મારી સાથે બળજબરી કરીને વોર્ડમાંથી ભાગી ગયો!

આરોપી હિતેષ ઝાલાની અટકાયતઃ કોરોના રિપોર્ટ બાદ ધરપકડઃ ભોગ બનનાર અને આરોપીની મેડિકલ ચકાસણી :ઘટનાની માહિતી આપતાં ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી પી. કે. દિયોરા અને પીઆઇ એલ. એલ. ચાવડાએ જણાવ્યું હતું કે ફરિયાદને આધારે ગુનો નોંધી આરોપી કે જે એટેન્ડન્ટ તરીકે નોકરી કરે છે તે હિતેષ વિનુભાઇ ઝાલા (ઉ.વ.૩૯)ની અટકાયત કરી લેવામાં આવી છે. કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ ધરપકડ થશે. આ શખ્સ સાથે બીજુ કોઇ સંડોવાયું છે કે કેમ તેની તપાસ થશે. કોવિડ વોર્ડમાં દાખલ બીજા દર્દીઓ અને ફરજ પરના ડોકટર, સ્ટાફના નિવેદન નોંધાશે તેમજ ભોગ બનનાર મહિલા અને આરોપીની મેડિકલ તપાસ કરાવાશે. એફએસએલની મદદ પણ લેવામાં આવશે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૩૦: સિવિલ હોસ્પિટલના કોરોના વોર્ડમાં બુધવારે સવારે દાખલ કરવામાં આવેલા ૫૫ વર્ષના મહિલા પર ગુરૂવારે રાતે દોઢેક વાગ્યે કોરોના વોર્ડમાં એટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતાં યુવાને માથુ, હાથ-પગ દબાવી દેવાના બહાને તેમની સાથે બળજબરી આચરી દૂષ્કર્મ ગુજાર્યાના ચોંકાવનારા આક્ષેપોને ગંભીર ગણી, મહિલાનું ૧૮૧ની ટીમ પાસે કાઉન્સેલીંગ કરાવી પોલીસે હાત તુરંત બળાત્કારનો ગુનો નોંધી એટેન્ડન્ટને સકંજામાં લઇ આ ઘટનામાં ખરેખર સાચુ શું? તે જાણવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. 

અત્યંત ચોંકાવનારા આક્ષેપો થયા હોઇ પોલીસે તુર્ત આ બનાવમાં ૫૫ વર્ષના મહિલાની ફરિયાદ પરથી સિવિલ હોસ્પિટલના કોવિડ સેન્ટરમાં એટેન્ડન્ટ તરીકે નોકરી કરતાં હિતેષ વિનુભાઇ ઝાલા (ઉ.વ.૩૬-રહે.વામ્બે આવાસ કવાર્ટર) નામના શખ્સ સામે આઇપીસી ૩૭૬ (૨) (ચ) મુજબ ગુનો નોંધી તેને સકંજામાં લીધો છે.

મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું પુત્ર, પુત્રવધૂ સાથે રહુ છું. મને ૨૭/૪ના રોજ શ્વાસ લેવામાં તકલીફ થવા માંડતા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવા માટે ચોૈધરી હાઇસ્કૂલના મેદાનમાં રિક્ષા મારફત લઇ જવાઇ હતી. અહિ લાઇનમાં રહ્યા બાદ ૨૮/૪ના રોજ વહેલી સવારે દાખલ કરવામાં આવી હતી. કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. પરંતુ શ્વાસ લેવામાં સતત તકલીફ થતી હોવાથી ઓકિસજન આપવાની જરૂર હોવાથી કોવિડ-૧૯ બિલ્ડીંગના ચોથા માળે બી-વિંગમાં દાખલ કરવામાં આવી હતી. અહિ મારી સારવાર ચાલુ થઇ જતાં મારી પાસેના સાદા ફોનથી મે મારા સગાને સારવાર ચાલુ થઇ ગયાની જાણ કરી દીધી હતી.

એ પછી રાત્રીના એટલે કે ૨૯/૪ના રાતે દોઢેક વાગ્યે મને માથું દુઃખવા માંડતા અને વાંસામાં પણ દુઃખાવો થતો હોવાથી હું મારા પલંગ પર બેઠી હતી. એ વખતે સફેદ કીટ પહેરલો એક છોકરો આવ્યો હતો અને મને કહ્યું હતું કે-શું કામ મોડી રાતે પલંગ ઉપર બેઠા છો, સુઇ જાવ. આથી મેં તેને કહેલું કે મને માથુ દુઃખે છે અને વાંસો પણ દુઃખે છે, નિંદર નથી આવતી. ત્યારબાદ એ છોકરાએ 'હું લાઇટ બંધ કરી દઇ, તમે પલંગ પર સુઇ જાવ હું માથું દબાવી દવ' તેમ કહ્યું હતું અને વોર્ડની લાઇટ બંધ કરી દીધી હતી.

ત્યારબાદ સફેદ કીટ પહેરેલા એ છોકરાએ મારા હાથ-પગ અને માથું દબાવવાનું ચાલુ કર્યુ હતું. હું પડખું ફરીને સુવા જતાં જ તે મારા પલંગ પર ચડી ગયો હતો અને મને સીધી સુવડાવી ગાઉન ઉંચી કરી કમર સુધી લઇ ગયો હતો. મારા નાકે તેનો હાથ રાખી બળજબરીથી મારી સાથે બળાત્કાર ગુજાર્યો હતો. એ પછી તે વોર્ડમાંથી જતો રહ્યો હતો. હું હેબતાઇ ગઇ હતી. કોઇને કહીશ તો મને મારી નાંખશે તેવી બીક લાગતાં મેં કોઇને વોર્ડમાં વાત કરી નહોતી.

સવારે મારી ભાણેજવહુનો ફોન આવતાં મેં તેને મારી સાથે જે બન્યું તેની વાત કરી હતી. એ પછી મારી પુત્રવધૂ કીટ પહેરીને મારી પાસે આવતાં મેં તેને મારી સાથે રાતે જે બન્યું તેની વાત કરી હતી.

ગઇકાલે આ ઘટનાનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થતાં એસીપી પી. કે. દિયોરા, પીઆઇ એલ.એલ. ચાવડા, સંજયભાઇ દવે, દેવશીભાઇ ખાંભલા, જનકભાઇ કુગશીયા, વિજયરાજસિંહ જાડેજા, અશોકભાઇ હુંબલ, અક્ષયભાઇ ડાંગર, મહાવીરસિંહ જાડેજા, યુવરાજસિંહ જાડેજા, કુલદિપસિંહ સહિતે મહિલાનું કાઉન્સેલીંગ કરાવ્યા બાદ હાલ તુર્ત આક્ષેપો મુજબ ગુનો દાખલ કરી દઇ વોર્ડના કર્મચારી હિતેષ ઝાલાને સકંજામાં લઇ લીધો છે અને પુછતાછ શરૂ કરી છે. જો કે તે આવું કઇ કર્યુ જ ન હોવાનું રટણ કરી રહ્યો છે. તેના કહેવા મુજબ વોર્ડમાં બીજા ત્રણ દર્દીઓ પણ હાજર હતાં. લાઇટ બંધ કરે કે બળજબરી કરવા જાય તો દેકારો થઇ જાય. પોતાના પર કોઇપણ કારણોસર તદ્દન ખોટા આરોપો મુકાયાનુ તેણે પોલીસ સમક્ષ કહ્યું છે. તો એ પણ કબુલ્યું છે કે તેણે સેવાભાવથી માથુ દબાવી દીધું હતું પરંતુ જે આક્ષેપો થયા છે તેવું કંઇ પણ કર્યુ જ નથી.

પોલીસે ગુનો નોંધી સાચું શું? તે જાણવા વિશેષ તપાસ આગળ વધારી છે. ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી પી. કે. દિયોરાની રાહબરીમાં પીઆઇ એલ. એલ. ચાવડા અને ટીમ જે કોવિડ વોર્ડમાં ઘટના બન્યાનું કહેવાય છે એ વોર્ડના બીજા દર્દીઓ, કર્મચારીઓના નિવેદન નોંધવા તજવીજ કરશે. જેના વિરૂધ્ધ ગુનો દાખલ થયો છે એ હિતેષ ઝાલા પાંચ છ મહિનાથી હંગામી ધોરણે નોકરી પર રહ્યો છે. સિવિલના કોરોના વોર્ડમાં એટેન્ડન્ટે મહિલા દર્દી સાથે બળાત્કાર ગુજાર્યાની ફરિયાદથી ચકચાર મચી ગઇ છે. (૧૪.૬)

આક્ષેપો અંગે કોઇ પુષ્ટી મળી નથીઃ સત્ય બહાર લાવવા ઉચ્ચ સ્તરીય તપાસઃ તબિબી અધિક્ષક ડો. ત્રિવેદી

રાજકોટ તા. ૩૦: સિવિલ હોસ્પિટલ સ્થિત પીએમએસએસવાય કોવિડ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. અહિ દાખલ થયેલા એક દર્દીના પરિવારજનો દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યો છે તે અંગે સિવિલ હોસ્પિટલના તબિબિ અધિક્ષક ડો. આર. એસ. ત્રિવેદીએ માહિતી ખાતા મારફત એક યાદી મોકલી જણાવ્યું છે કે-તંત્ર દ્વારા આ ઘટનાનું સત્ય બહાર આવે તે માટે ઉચ્ચ સ્તરીય સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. આક્ષેપો અંગે હજુ સુધી કોઇ પુષ્ટી મળેલ નથી. આ પ્રકારે કોઇ ઘટના બની હોવાની નક્કર હકિકતો તપાસ દરમિયાન બહાર આવશે તો આ અંગે જવાબદારો સામે કડક શિક્ષાત્મક પગલા લેવાશે. તેમ યાદીમાં વધુમાં જણાવાયું છે.

(3:25 pm IST)