Gujarati News

Gujarati News

News of Tuesday, 30th April 2019

આજીમાં ફરી નર્મદાના નીર ઠાલવાશેઃ ૩૧ જુલાઈ સુધી ચિંતા નહિ

રાજકોટવાસીઓ માટે નર્મદાના પાણીથી આજી ડેમ ભરવાની સરકારની મંજુરીઃ મેના પ્રથમ અઠવાડીયામાં પાણી છોડાશેઃ હાલની સપાટી ૧૮.૬૦ ફુટ

રાજકોટ, તા. ૩૦ :. શહેરના લાખો લોકો માટે રાજ્ય સરકારે પાઈપ લાઈન વાટે નર્મદાના નીરથી આજી ડેમ ભરવાની મંજુરી આપ્યાનું જાણવા મળે છે. રાજકોટમાં હાલના ધોરણે દરરોજ ૨૦ મીનીટ પાણી વિતરણ કરી શકાય તે માટે સરકાર આજી ડેમમાં વધુ ૫ - ૭ ફુટ પાણી ઠાલવશે. ૩૧ જુલાઈ સુધીનું આયોજન થઈ ગયુ છે. મે ના પ્રથમ અઠવાડીયા આસપાસ આજીમાં નર્મદાના પાણી વધુ એક વખત ઠાલવવાનું શરૂ થશે.

નજીકના ભૂતકાળમાં આજી, ન્યારી અને ભાદરમાં નર્મદાનું પાણી ઠાલવાયેલ. ભાદર ડેમ રાજકોટ માટે ડુકવા લાગ્યો છે તેવા સમયે વધારાના પાણીની જરૂરીયાત ઉભી થતા સરકારે વધુ એક વખત (ચોથી વખત) નર્મદાના નીરથી આજી ડેમ ભરવાનું નક્કી કર્યુ છે. હાલ આજી ડેમની જળ સપાટી ૧૮.૬૦ ફુટ છે. શહેરનો વર્તમાન જળજથ્થો હાલના ધોરણે પાણી વિતરણ માટે ૧૫ જૂન સુધી ચાલે તેમ છે. તે સમયગાળા સુધીમાં વરસાદ ન થાય તો છેલ્લા દિવસોમાં મુશ્કેલી પડવાની સંભાવનાને ટાળવા સરકારે ૩૧ જુલાઈ સુધીની પીવાના પાણીની વ્યવસ્થા કરવાનું નક્કી કર્યુ છે. શ્રી વિજય રૂપાણી મુખ્યમંત્રી બન્યા પછી તાબડતોબ મોરબી રોડ તરફથી રાજકોટ સુધીની ૩૧ કિ.મી.ની ખાસ પાઈપલાઈન નાખી આજી ડેમને નર્મદાના નેટવર્કથી જોડવામાં આવેલ. આ નેટવર્ક મારફત અગાઉ ૩ વખત નર્મદાનું પાણી આજીમાં ઠાલવવામાં આવ્યુ છે. હવે આગોતરા આયોજનના ભાગરૂપે વધુ એક વખત નર્મદાના નીર પાઈપલાઈનથી આજી ડેમમાં પહોંચાડાશે. શહેરના લોકો માટે આવતા ૩ મહિનાનુ પીવાના પાણીનું સરકારે પાણીદાર આયોજન કર્યુ છે. ૩૧ જુલાઈ પહેલા ધોધમાર વરસાદથી રાજકોટને પુરૂ પાડતા ડેમોમાં નવા નીરની આવકની આશા છે.

(4:23 pm IST)