Gujarati News

Gujarati News

News of Tuesday, 30th April 2019

હાશ... કાલથી ગરમી ઘટશે : પારો ૪૦-૪૨ની રેન્જમાં

તા.૧ થી ૪ મે સુધી છુટાછવાયા વાદળો છવાશે : પશ્ચિમના પવન ફૂંકાશે, સવારે ભેજ વધશે : વાવાઝોડુ 'ફોની' ૨-૩ દિવસમાં આંધ્રના દરિયા કિનારે પહોંચશે ત્યારે અતિ તીવ્ર બનશે, ૨૦૦ કિ.મી.ની ઝડપે તોફાની પવન ફૂંકાશે : આંધ્રનો કિનારો ઓરીસ્સા અને પશ્ચિમ બંગાળને આ વાવાઝોડુ અસર કરશે : વેધરએનાલીસ્ટ અશોકભાઈ પટેલનો નિર્દેશ

રાજકોટ, તા. ૩૦ : છેલ્લા ઘણા દિવસોથી ગરમી આકરા તાપ સાથે ગરમીથી ત્રાહીમામ પોકારી ઉઠેલા લોકો માટે આંશિક સારા સમાચાર છે. ગરમીમાં આવતીકાલથી ક્રમશઃ ઘટાડો થશે. તાપમાનનો પારો નોર્મલ નજીક એટલે કે, ૪૦ થી ૪૨ ડિગ્રીની રેન્જમાં આવી જશે તેમ વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે 'અકિલા'ને જણાવ્યુ છે.

તેઓએ જણાવેલ કે, ગત આગાહી મુજબ હિટવેવ સાથે અતિ ગરમીનો માહોલ જોવા મળેલ. એપ્રિલ મહિનાના અમુક સેન્ટરોમાં ૧૦-૧૦ વર્ષ જૂના રેકોર્ડ તૂટ્યા હતા. ગઈકાલે ગાંધીનગરમાં ૪૪.૧ ડિગ્રી, અમદાવાદ - ૪૩.૭ (નોર્મલથી ૨ ડિગ્રી ઉંચુ), અમરેલી- ૪૪ ડિગ્રી (નોર્મલથી ૩ ડિગ્રી ઉંચુ), રાજકોટ - ૪૨.૮ (નોર્મલથી ૨ ડિગ્રી ઉંચુ) છેલ્લા એક - બે દિવસમાં શહેરમાં ગરમીનો પારો ૪૪.૭ ડિગ્રીએ પહોંચી ગયો હતો. હાલમાં નોર્મલ મહત્તમ તાપમાન ૪૧ થી ૪૨ ડિગ્રી ગણાય.

અશોકભાઈ પટેલ તા. ૧ થી ૭ મે (બુધ થી મંગળ) સુધીની આગાહી કરતાં જણાવે છે કે આ દિવસોમાં તાપમાનમાં ક્રમશઃ ઘટાડો થશે. મહત્તમ તાપમાન નોર્મલ તરફ એટલે કે ૪૦ થી ૪૨ ડિગ્રીની રેન્જમાં આવી જશે. પવનો પશ્ચિમ દિશામાંથી ફૂંકાશે પણ કયારેક પશ્ચિમ ઉત્તર પશ્ચિમ અને કયારેક પશ્ચિમ દક્ષિણ પશ્ચિમના ફૂંકાશે.  સાંજના સમયે પવનનું જોર વધી જશે. ઓવરઓલ પશ્ચિમી પવનના લીધે સવારે ભેજનું પ્રમાણ વધુ જોવા મળશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં અમુક દિવસે ઝાકળ જોવા મળશે. આગાહીના પાછલા દિવસોમાં ભેજનું પ્રમાણ વધુ જોવા મળશે. તા. ૧ થી ૪ મે દરમિયાન છુટાછવાયા વાદળો પણ દેખાશે.

વાવાઝોડા અંગે અશોકભાઈ જણાવે છે કે, બંગાળની ખાડીમાં જે 'ફોની' વાવાઝોડુ હાલમાં દક્ષિણ પૂર્વ અને લાગુ દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાં છે જે હાલ અતિ તીવ્ર વાવાઝોડાની માત્રા છે. જયારે પવનની ઝડપ ૧૩૦થી ૧૪૦ કિ.મી. અને ઝાટકાના પવન ૧૫૫ કિ.મી.ની ઝડપે ફૂંકાય છે. જે આવતા બે - ત્રણ દિવસમાં નોર્થ આંધ્ર કોસ્ટ તરફ પહોંચશે ત્યારે અતિ તીવ્ર વાવાઝોડા તરીકે હશે. તે સમયે પવનની ઝડપ ૧૭૦ થી ૧૮૦ કિ.મી. અને ઝાટકાના પવન ૨૦૦ કિ.મી.ની તોફાની ઝડપે ફૂંકાશે. હાલમાં આ સિસ્ટમ્સ મુખ્યત્વે ઉત્તર પશ્ચિમ તરફ જાય છે અને ત્યારબાદ ઉત્તર પૂર્વ તરફ ગતિ કરશે. આંધ્રનો કિનારો ઓરીસ્સા અને પશ્ચિમ બંગાળને આ વાવાઝોડુ અસર કરશે. આ વાવાઝોડુ સૌરાષ્ટ્ર - ગુજરાતને અસર કરતુ નથી. સિસ્ટમ્સ ધીમી છે પરંતુ આ સિસ્ટમ્સના પવન ખૂબ જ ઝડપથી ફૂંકાતા હોય હવામાન ખાતાની સુચનાને અનુસરવુ.

(4:00 pm IST)