Gujarati News

Gujarati News

News of Tuesday, 30th March 2021

રાજકોટમાં મીડિયાના 'કોરોના વોરિયર્સ' માટે યોજાયો ખાસ રસીકરણ - હેલ્થ ચેકઅપ કેમ્પ

બપોર સુધીમાં ૧૯૨ પત્રકારોએ વેકિસન લીધી : મ.ન.પા.ની વેસ્ટ ઝોન કચેરીએ સાંજના ૫ વાગ્યા સુધી આયોજન : કોરોના કાળમાં જીવના જોખમે ફરજ બજાવનાર પત્રકારોની સંવેદનશીલ મુખ્યમંત્રીએ ચિંતા કરી : રાજુ ધ્રુવ : પત્રકારોએ પરિવારની ચિંતા કર્યા વગર કોરોના સમયમાં ફ્રન્ટલાઇન વોરિયર્સ તરીકે ઉત્કૃષ્ટ કામગીરી કરી છે : પ્રદિપ ડવ : રાજકોટમાં રસીકરણના કાર્યમાં વેગ આવ્યો : ઉદિત અગ્રવાલ

મીડિયા કર્મીઓને રસીકરણ : શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ પર બીગબજાર પાસે આવેલ મ.ન.પા.ની વેસ્ટ ઝોન કચેરીએ આજે સવારના ૯ વાગ્યાથી સાંજના ૫ વાગ્યા સુધીમાં શહેરના પ્રિન્ટ તેમજ ઇલેકટ્રોનિક મીડિયાના પત્રકારો માટે ખાસ રસીકરણ અને હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. તે વખતની તસ્વીરમાં મેયર પ્રદિપ ડવ, મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલ, રાજુભાઇ ધ્રુવ, કમલેશ મીરાણી, ડો. દર્શિતાબેન શાહ, પુષ્કર પટેલ, સુરેન્દ્રસિંહ વાળા, ડો. રાજેશ્વરીબેન ડોડીયા નજરે પડે છે. અન્ય તસ્વીરમાં નીતિનભાઇ પારેખ, ધર્મેશ વૈદ્ય સહિતના પત્રકારો વેકિસન લીધી હતી તે દર્શાય છે. (તસ્વીર : અશોક બગથરીયા)

રાજકોટ તા, ૩૦ : સમગ્ર ગુજરાતના પ્રથમ કોરોના કેસ આવ્યો ત્યારથી એટલે કે, છેલ્લા એક વર્ષ કરતાં વધુ સમયથી કોરોના સંબંધી કવરેજમાં મીડિયા કર્મીઓ સકારાત્મક ભૂમિકા ભજવી રહયાં છે. ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ તરીકે જીવના જોખમે પ્રિન્ટ તેમજ ઇલેકટ્રોનિક મીડિયાના કર્મીઓ સતત કામગીરી કરી રહ્યા છે. જેને બિરદાવતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સંવેદનશીલતા દાખવી રાજકોટના મીડિયા કર્મીઓ માટે રસીકરણની ખાસ વ્યવસ્થા કરવા જણાવ્યું હતુ. જેના પરિણામે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વેસ્ટઝોન ઓફિસ ખાતે વેકિસનેશન કેમ્પનું આજરોજ આયોજન કરવામાં આવ્યું હતુ. જેનો બહોળી સંખ્યામાં મીડિયાકર્મીઓએ લાભ લઈ રસીનો પ્રથમ ડોઝ લઈ કોરોના સામે સુરક્ષા કવચ મેળવ્યું હતુ. 

વેસ્ટઝોન ઓફિસ ખાતે વહેલી સવારે ૯ કલાકે રાજકોટના પ્રથમ નાગરિક પ્રદીપભાઈ ડવ, શહેર ભાજપ પ્રમુખ  કમલેશભાઈ મીરાણી, ડે. મેયર દર્શિતા શાહ, સ્ટે. કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ, પૂર્વ મેયર બીનાબેન આચાર્ય, પ્રવકતા રાજુભાઈ ધ્રુવ, પદાધિકારીઓ તેમજ મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલની પ્રેરક ઉપસ્થિતિમાં કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

શહેરના પત્રકારોએ પરિવારની ચિંતા કર્યા વગર કોરોનાના સમયમાં ફ્રન્ટલાઈન વોરિયર્સ તરીકે ઉત્કૃષ્ટ કામગીરી કરી છે. જેને બિરદાવતા મેયર શ્રી પ્રદીપભાઈ ડવે જણાવ્યું હતું કે, પત્રકાર મિત્રો વેકિસનેશન કરાવી સુરક્ષા સાથે તેમની કામગીરી નિર્ભીકપણે કરી શકે તે માટે આજે આ કેમ્પ શરૂ કરાયો છે.

આ પ્રસંગે પ્રવકતા રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતું કે, પત્રકાર મિત્રોની રસીકરણની માંગણીને મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ સમક્ષ રજુ કરવામાં આવી હતી. મુખ્યમંત્રીશ્રીએ કોરોનાના કપરા સમયમાં મીડિયા કર્મીઓએ ભજવેલી ભૂમિકાને બિરદાવી તેઓને વહેલામાં વહેલી તકે કોરોના સામે સુરક્ષા કવચ મળી રહે તે માટે ખાસ વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીની મીડિયા કર્મીઓ પ્રત્યેની સંવેદનશીલતાને ધ્યાને લઈ મહાનગરપાલિકા દ્વારા યુદ્ઘના ધોરણે રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ કેમ્પના માધ્યમથી આજે મીડિયાકર્મીઓને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.

આ પ્રસંગે મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે, રાજકોટમાં રસીકરણના કાર્યમાં વેગ આવ્યો છે. અત્યારે રાજકોટમાં દરરોજ એવરેજ ૧૩ થી ૧૪ હજાર જેટલા લોકોનું રસીકરણ કરવામાં આવી રહ્યું છે. પદાધિકારીઓ તેમજ અલગ અલગ સમાજ દ્વારા પ્રતિ દિન કેમ્પના આયોજન કરવામાં આવે છે. જેને બહોળો પ્રતિભાવ મળી રહ્યાનું શ્રી અગ્રવાલે જણાવ્યું હતું. આ કેમ્પમાં રાજકોટ શહેરના પ્રિન્ટ તેમજ ઇલેકટ્રોનિક મીડિયાના પત્રકાર, કેમેરામેન તેમજ ફોટોગ્રાફર સહીત મોટી સંખ્યામાં મીડિયાકર્મીઓએ ઉપસ્થિતિ રહી વેકિસનેશનનો લાભ લીધો હતો.

ઘર - પરિવારની ચિંતા કર્યા વગર જાનના જોખમે સતત કવરેજ કરી કોરોના વોરિયર્સની ભૂમિકા બખૂબી નિભાવતા મીડિયાકર્મીઓ પ્રત્યે મુખ્યમંત્રીશ્રી દ્વારા ખાસ સંવેદનશીલતા દાખવવા બદલ સૌ મીડિયાકર્મીઓ કૃતજ્ઞતાની લાગણી દર્શાવી હતી. તેમજ પત્રકારમિત્રોને વેકસીન રૂપી કવચ મળી રહે તે માટે ખાસ વ્યવસ્થા ઉભી કરવા બદલ સૌ પત્રકારમિત્રોએ પ્રવકતા શ્રી રાજુભાઈ ધ્રુવનો તેમજ સમગ્ર આરોગ્ય ટીમનો પણ આભાર માન્યો હતો.     

અત્રે ઉલ્લેખનિય છે કે, આરોગ્ય અધિકારી પંકજ રાઠોડ, ડો. ભાવિન મહેતા, મહેશભાઈ તેમજ વેકસીનેટર્સ અને સમગ્ર આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના પરિણામે આ કેમ્પમાં બપોરે ૧૨ કલાક સુધીમાં  ૧૦૦થી મીડિયાકર્મીઓએ લાભ લીધો હતો. આ કેમ્પ સાંજના ૫ વાગ્યા સુધી ચાલુ રહેશે, તેમ ડો. રાઠોડે જણાવ્યું છે.

(4:14 pm IST)