Gujarati News

Gujarati News

News of Tuesday, 30th March 2021

ગાયત્રીનગરમાં સાડીના શો રૂમમાં થયેલી ચોરીનો ભેદ ખુલ્યોઃ બાજુમાં નોકરી કરતાં ફૈઝાને ચોરી કરી'તી

મુળ જુનાગઢનો હાલ બેડીનાકા રેનબસેરામાં રહેતાં ફૈઝાન મટારીએ વેપારીની દૂકાનમાં પૈસા આવ્યા તે જોઇ લીધું હોઇ રાતે હાથફેરો કરી લીધો'તોઃ રોકડા ૧,૦૭,૦૩૦, બે મોબાઇલ કબ્જે : પીએસઆઇ આર. જે. કામળીયા, એએસઆઇ ભાનુભાઇ મિંયાત્રા અને ફિરોઝભાઇ શેખની બાતમી પરથી શેઠ હાઇસ્કૂલ સામેના બગીચાના બાંકડા પરથી પકડી લીધો

રાજકોટ તા. ૩૦: ચાર દિવસ પહેલા ગાયત્રીનગર મેઇન રોડ પર જલારામ ચોકમાં આવેલી શ્રીનાથ સાડીના શો રૂમમાંથી રૂ. ૧,૯૦,૦૦૦ની ચોરી થઇ હતી. આ ચોરીનો ભેદ ભકિતનગર પોલીસે ઉકેલી નાંખી મુળ જુનાગઢ સુખનાથ ચોક હાલ બેડીનાકા ટાવર પાસે રેનબસેરામાં રહેતાં ફૈઝાન અયુબમિંયા મટારી (કાદરી) (ઉ.વ.૧૯)ને શેઠ હાઇસ્કૂલ સામેના બગીચાના બાકડા પરથી પકડી લઇ રૂ. ૧,૦૭,૦૩૦ રોકડા, બે મોબાઇલ ફોન રૂ. ૧૫ હજારના મળી કુલ રૂ. ૧,૨૨,૦૩૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

ચોરીના બનાવની ભકિતનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ ભેદ ઉકેલવા ટીમ કામલે લાગી હતી. દરમિયાન ડી. સ્ટાફના પીએસઆઇ આર. જે. કામળીયા, એએસઆઇ ભાનુભાઇ મિંયાત્રા અને ફિરોઝભાઇ શેખને બાતમી મળી હતી કે શો રૂમમાં ચોરી કરનાર શખ્સ ફૈઝાન રખડતું ભટકતું જીવન જીવે છે અને તે શેઠ હાઇસ્કૂલ સામેના બગીચામાં બાંકડા પર બેઠો છે તેમજ તેની પાસે રોકડ રકમ પણ છે. આ માહિતી પરથી તપાસ કરતાં તે ત્યાં મળી આવતાં સકંજામાં લઇ તલાશી લેતાં રૂ. ૧,૦૭,૦૩૦ રોકડા તથા બે મોબાઇલ મળી આવ્યા હતાં.

તેની વિશેષ પુછતાછ કરતાં તેણે શ્રીનાથ સાડીના શો રૂમમાંથી અગાસીના ભાગે જઇ બારીના નકુચા તોડી અંદર પ્રવેશી ચોરી કર્યાનું કબુલ્યું હતું. પોતે આ દૂકાનની બાજુમાં જ આવેલા સિઝન સ્ટોરમાં ત્રણ દિવસથી નોકરીએ રહ્યો હતો. જે રાતે ચોરી કરી એ દિવસે પોતે સાડીની દૂકાન કે જે પોતે નોકરી કરતો હોઇ એ દૂકાનના થડાને અડીને જ હોઇ ત્યાં પૈસાનું કવર આવ્યું હોઇ તે જોઇ ગયો હોઇ મોજશોખ માટે ચોરી કરવાનો પ્લાન ઘડી રાતે વેપારીએ દૂકાનમાં જ પૈસા રાખ્યા હોવાનું જાણતો હોઇ ચોરી કર્યાનું કબુલ્યું હતું. ૧,૯૦,૦૦૦માંથી નેવુ હજાર મોજશોખમાં ઉડાવી દીધાનું તેણે રટણ કર્યુ હતું.

તે ચોરી કર્યા બાદ સ્પેશિયલ ઇકો કાર ભાડે કરીને રાજકોટથી અમદાવાદ ગયો હતો. ત્યાં રોકાઇ બૂટ, કપડા સહિતની ખરીદી કરી હતી. ત્યાં રોકાયા બાદ ત્યાંથી અજમેર ગયો હતો. ત્યાં પણ ભરપુર પૈસા ઉડાવી મોજમજા કરી હતી. એ પછી ધૂળેટીના દિવસે રાજકોટ આવ્યો હતો અને પકડાઇ ગયો હતો.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા અને એસીપી એચ. એલ. રાઠોડની સુચના હેઠળ પીઆઇ જે. ડી. ઝાલાની રાહબરીમાં પીએસઆઇ આર. જે. કામળીયા, એએસઆઇ ભાનુભાઇ, ફિરોઝભાઇ, હેડકોન્સ. સલિમભાઇ મકરાણી, મનરૂપગીરી ગોસ્વામી, રણજીતસિંહ પઢારીયા, હિરેનભાઇ પરમાર, કોન્સ. રણજીતસિંહ જાડેજા, વાલજીભાઇ જાડા, ભાવેશભાઇ મકવાણા, મનિષભાઇ શિરોડીયા, દિવ્યરાજસિંહ ઝાલા, રાજેશભાઇ ગઢવી, હિતેન્દ્રસિંહ ઝાલા સહિતે કરી હતી.

(12:21 pm IST)