Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

કરીયાણાના વેપારીઓએ દુકાનો ખુલ્લી રાખવી: ઉદિત અગ્રવાલની અપીલ

રાજકોટ: કોરોનાના સંક્રમણ સામે લેવાઈ રહેલા વિવિધ પગલાઓના ભાગ રૂપે હાલમાં શહેરના વિવિધ વિસ્તારોમાં જુદી જુદી કરીયાણાની દુકાનોએથી નાગરિકોને જીવન જરૂરી ચીજ વસ્તુઓ મળે છે, જોકે ક્યાંક ક્યાનેવું પણ ધ્યાનમાં આવેલ છે કે, કેટલાક વેપારીઓ પોતાની દુકાનો ખોલતા નથી, જેના લીધે લોકોને દુર આવેલી અન્ય દુકાનો સુધી જવું પડે છે. આ સ્થિતિમાં લોકડાઉનનો અર્થ સરી શકે નહી. નાગરિકો આવશ્યક ચીજ વસ્તુઓ માટે આમ બહાર જ ફરતા રહેશે તો કોરોનાના સંક્રમણનો ફેલાવો અટકાવવા માટેના પ્રયાસોને ફટકો પડી શકે છે.

        આ બાબતની ગંભીર નોંધ લેતા રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર  ઉદિત અગ્રવાલે કરીયાણાની દુકાનો બંધ રાખતા વેપારીઓને અપીલ કરતા એમ કહ્યું હતું કે, વેપારીઓ પોતાના રોજબરોજના ગ્રાહકો અને અન્ય લોકો પ્રત્યે પણ સંવેદનાસભર અભિગમ અપનાવી પોતાની દુકાન ખુલ્લી રાખે જેથી કરીને લોકોને વધુ રઝળપાટ વગર જ આસાનીથી કરિયાણું મળી રહે.

        મ્યુનિ. કમિશનરશ્રીએ વિશેષમાં દુકાનદારો જોગ એમ પણ કહ્યું કે, જો દુકાનદારોને માલસામાન મેળવવામાં કોઈ મુશ્કેલી હોય કે અન્ય કોઈ સમસ્યા નડતરરૂપ હોય તો તુર્ત જ પોતાના વોર્ડના વોર્ડ ઓફિસરનો સંપર્ક કરી તેમની વ્યથા જણાવી શકે છે. મનપા તેઓના પ્રશ્નનો સત્વરે ઉકેલ લાવશે.

          કમિશનરશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, માર્કેટિંગ યાર્ડ અને દાણાપીઠમાંથી વેપારીઓને આવશ્યક ચીજ વસ્તુઓનો પુરવઠો મળી જ રહે છે. જો આ વ્યવસ્થામાં કોઈ ત્રુટી હોય તો પણ તુર્ત જ વોર્ડ ઓફિસરોનું ધ્યાન દોરે જેથી પુરવઠા વ્યવસ્થા બરોબર જળવાઈ રહે તે માટેના જરૂરી પગલાં લઇ શકાય.

કમિશનરશ્રીએ કરીયાણાની દુકાનો બંધ રાખતા વેપારીઓને આ કપરા અને પડકારરૂપ સમયમાં વહીવટી તંત્રને તથા નાગરિકોને સાથસહકાર આપવા અપીલ કરી છે.

(7:57 pm IST)