Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

એલ.ઈ.ડી.: કોરોનામાં લોકોને માર્ગદર્શન આપવાનું હાથવગું સાધનઃ વિનાકારણ રખડવા નિકળી પડનારોઓને ચેતવી શકાય

રાજકોટ,તા.૩૦: શહેરમાં આજ સુધીમાં ૯ કોરોના પોઝીટીવ કેસો આવ્યા છે. તંત્ર દ્વારા દરેક વિસ્તારમાં રીક્ષા દ્વારા કોરોના માટે પ્રજાને જરૂરી સૂચનાઓ આપવામાં આવી રહી છે, ગામ હોય ત્યાં ગંદવાળો પણ જરૂર હોય, ત્યારે સત્તાધીશો અને તંત્ર દ્વારા પ્રયાસોનું પરિણામ જોઈએ તેટલું ન મળે તેવું બને. અમુક લોકો વિના કારણ રેસકોર્ષનો આંટો મારવા નિકળે, બાજુની સોસાયટીમાં સગાને મળવા ઉપડી જાય જેવા બનાવોથી અન્ય ઉપર પણ જોખમ વધી જાય છે.

તંત્ર દ્વારા શહેરમાં ઠેર-ઠેર એલઈડી બોર્ડ લગાવામાં આવ્યા છે. ત્યારે આ બોર્ડના  સદ્દઉપયોગનો સાચો સમય કોરોના મહામારી દરમિયાન જ છે. આ બોર્ડ ઉપર રખડતા લોકોને ઉદ્દેશીને વાકયો મૂકી શકાય. કોરોનાથી બચવાના ઉપાયો પણ મૂકી શકાય.

એલઈડી બોર્ડ ભલે દિવસે ન દેખાય પણ સાંજથી તેની અસરકારતાનો ઉપયોગ કરવાનું શરૂ કરી દેવું જોઈએ. જરૂરી કામ જેવા કે દુધ- દવા- શાકભાજી વગેરે ખરીદવા નિકળેલ લોકો તો ઠીક પણ જે અમથા નિકળ્યા છે તેને માટે બે- ત્રણ લાઈનમાં કોરોનાને લગતા સૂત્રો કે વાકયો અચુક લખીને તેમને ઘરમાં રહેવાના ફાયદા જણાવી જ શકાય.

આવા રખડતા અથવા બિનજરૂરી રીતે બહાર નિકળતા લોકોને ચેતવવા નીચે મુજબના વાકયો લખી શકાય.

(૧) તમે ઘરની બહાર જરૂરી કામથી  જ નિકળ્યા છો ને ?

(૨) કોરોનાથી પરિવાર- બાળકોની ચિંતાથી મુકત થવા ઘરમાં જ રહો.

(૩) કોરોના ખુબ જ જોખમકારક છે. ઘરમાં રહી તેને નાથી શકાય.

(૪) પરિવાર સાથે રહેવાનો કોરોનાએ આપ્યો છે મોકો, અતુટ રહે પરિવાર એટલે ઘરમાં રહેવાથી ન ચૂકો.

તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે એલઈડીનો આવો ઉપયોગ કરી બહાર નિકળતા લોકોને ચેતવી લોકડાઉનનું સંપૂર્ણ રીતે પાલન કરાવી શકાય.

(3:59 pm IST)