Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

રાજકોટના મોટાભાગના રીટેઇલ મેડીકલ સ્ટોર્સ ઉપર માત્ર રૂ.૭માં માસ્ક ઉપલબ્ધ

સીવણમાં પારંગત ૪૦ જેટલા બહેનો ઘરે બેસીને રોજના હજારો : માસ્ક બનાવી રોજગારી મેળવી રહયા છેઃ આ અમૂલ્ય સેવામાં કરોડપતિ દવાના વેપારીઓના પત્નીઓ પણ જોડાયા! : દવાના હોલસેલર્સ પાસેથી રીટેઇલર્સ રોજના ર૦ હજાર ફેઇસમાસ્ક ખરીદતા હોવાનું જણાવતા કેમીસ્ટ એસો.ના પ્રમુખ અને મંત્રી માસ્કના વિતરણમાં તથા સરળતાથી ઉપલબ્ધ કરાવવામાં રાજકોટના ડીએસઓ, ફુડ એન્ડ ડ્રગ્સના આસી. કમિશ્નર, પુરવઠા ઇન્સ્પેકટર્સ, નાયબ મામલતદાર તથા કંપનીઓનો સહયોગ : કેમીસ્ટ એસો. રાજકોટ દ્વારા ગઇકાલે ૪૦ હજાર માસ્કનું રાહતભાવે વિતરણ થયું: થ્રી પ્લાઇ માસ્કનો સરકારનો ઓનપેપર (DPCO) ભાવ ૧૬ રૂપીયા છે

 રાજકોટ, તા., ૩૦: ભારત સહીત સમગ્ર વિશ્વમાં કોરોના- COVID 19એ હાહાકાર મચાવ્યો છે ત્યારે કોરોના સામેની તકેદારીરૂપે ફેઇસ માસ્કની પણ દરેક શહેરમાં અને દરેક જગ્યાએ ખુબ મોટી માંગ ફાટી નિકળી છે. ઘણી જગ્યાએ ફેઇસ માસ્કના કાળાબજાર થતા હોવાનું  અને મુળ રીટેઇલ ભાવો કરતા અનેકગણા ભાવોમાં માસ્ક બજારમાં મળતા હોવાનું સાંભળવા મળે છે.

પરંતુ હાલની મહામારીની સ્થિતિમાં રાજકોટના રીટેઇલ મેડીકલ સ્ટોર્સના વેપારીઓને( તથા ત્યાંથી લોકોને વ્યાજબી ભાવે  સારી કવોલિટીના ફેઇસ માસ્ક મળી રહે તે માટે  કેમીસ્ટ એસો. રાજકોટના પ્રમુખ મયુરસિંહ જાડેજા, મંત્રી અનિમેષભાઇ દેસાઇ, તમામ હોદ્દેદારો અને સમગ્ર કારોબારી સતત પ્રવૃતિશીલ છે.

ગઇકાલ રવિવારના રોજ આદિનાથ ડિસ્ટ્રીબ્યુટર્સ રાજકોટ ખાતેથી  શહેરના  રીટેઈલર્સને આશરે ૪૦ હજાર  જેટલા ફેઇસ માસ્કનું વિતરણ કરવામાં આવ્યુ હોવાનું જાણવા મળે છે. આ  ફેઇસ માસ્ક રાજકોટના મોટાભાગના  રીટેઇલ મેડીકલ સ્ટોર્સ ઉપરથી માત્ર ૭ રૂપિયા જેવી કિંમતમાં ઉપલબ્ધ  હોવાનું એસોસિએશનના પ્રમુખ અને મંત્રીએ અકિલાને જણાવ્યુ હતુ. જ્યારે આજ પ્રકારના પ્રી પ્લાઇ માસ્કનો  સરકારનો ઓનપેપર  ભાવ (ડીપીસીઓ - ડ્રગ પ્રાઇસ કંટ્રોલ ઓર્ડર) આશરે ૧૬ રૂ. હોવાનું હોદ્દેદારોએ જણાવ્યુ હતુ.

સાથે - સાથે  ઘણી જગ્યાએ માસ્ક ન મળતા હોવાનું તથા વધુ ભાવ લેવાના હેતુથી કૃત્રીમ અછત વર્તાતી હોવાની ચર્ચા છે ત્યારે રાજકોટના મોટાભાગના રીટેઇલ મેડીકલ સ્ટોર્સ ઉપર સારી કવોલિટીના ફેઈસ માસ્ક સરળતાથી મળી રહ્યા હોવાનું જાણવા મળે છે.

સીવણમાં પારંગત ૪૦ જેટલા બહેનો ઘરે બેસીને તથા લોકડાઉન સંદર્ભે કાયદાની મર્યાદામાં રહીને  રોજના આશરે ૧૫ થી ૨૦ હજાર જેટલા માસ્ક બનાવી રહ્યા છે અને ઉત્કૃષ્ટ સમાજસેવા સાથે મહેનત કરીને રોજગારી પણ પ્રાપ્ત કરી રહ્યા છે. અરે, આ અમૂલ્ય સેવામાં રાજકોટના અગ્રણી દવાના કરોડપતિ વેપારીઓના પત્નીઓ , કે જેઓ સીવણમાં પારંગત છે તેઓ પણ ઉમળકાભેર જોડાતા હોવાનું જાણવા મળે છે તેઓ નામ ન આપવાની શરતે જણાવી રહ્યા છે કે 'જીવનમાં સમાજસેવા કરવાનો આનાથી વધુ સારો સમય કયો હોઇ શકે ? ઇશ્વર સૌને સ્વસ્થતાપૂર્વકનુ દીર્ધ આયુષ્ય આપે.'

હાલમાં રાજકોટના મોટાભાગના હોલસેલર્સ પાસેથી દવાના રીટેઇલર્સ દરરોજ આશરે ર૦ હજાર જેટલા ફેઇસ માસ્ક ખરીદતા હોવાનું દવા બજારમાંથી જાણવા મળે છે. જો કે હાલમાં રાજકોટમાં જ હજજારો માસ્ક બની રહ્યા છે ત્યારે સુરત અને અમદાવાદથી આવતા રો-મટીરીટલ્સની થોડે અંશે શોર્ટેજ વર્તાતી હોવાનું સંસ્થાના પ્રમુખ મયૂરસિંહ જાડેજા તથા મંત્રી અનિમેષભાઇ દેસાઇ જણાવી રહ્યા છે. ખાસ કરીને માસ્કની દોરી (ઇલાસ્ટીક) ની શોર્ટેજ થઇ શકે તેવું દેખાઇ રહ્યું છે. રો-મટીરીયલ્સની શોર્ટેજ દૂર કરવાના પણ તમામ પ્રયત્નો સતત ચાલુ જ હોવાનું જાણવા મળે છે અને તેમાં સફળતા પણ મળતી જોવા મળે છ.ે

સમગ્ર જિલ્લામાં સારી કવોલિટીના માસ્ક વ્યાજબી ભાવે પૂરા પાડી શકાય, હાઇ ડીમાન્ડની સામે પુરવઠો જળવાઇ રહે, કૃત્રિમ અછત કે કાળાબજાર ન થાય, લોકોનો તંત્રમાં વિશ્વાસ જળવાઇ રહે અને લોકો પોતાના નજીકના વિસ્તારમાંથી જ સરળતાથી ફેસઇ માસ્ક મેળવી શકે તે માટે રાજકોટના ડી.એસ.ઓ. પૂજા બાવળા, ફુડ એન્ડ ડ્રગ ડીપાર્ટમેન્ટના આસીસ્ટન્ટ કમિશનર એસ.એસ.વ્યાસ,પુરવઠા ઇન્સ્પેકટર્સ એચ.ડી.પરસાણિયા તથા નિખિલ મહેતા, નાયબ મામલતદાર નિલેશ ધ્રુવ સહિતના અધિકારીઓ સતત સહયોગી અને કાર્યરત  છે. ઉપરાંત ફેઇસ માસ્કના મેન્યુફેકચરીંગમાં તથા અવેલેબિલિટીમાં શાપર-વેરાવળના ગુડલુક માર્કેટીંગ અને વાવડીના ડાયનેમિક ટેકનોટેક્ષ્ટનો સહયોગ પણ મળી રહ્યો હોવાનું જાણવા મળે છે.(૩.૫)

આફતને અવસરમાં બદલવાનો સોનેરી સમય

ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગઇકાલે પોતાની 'મન કી બાત'માં ર૦ર૦ના વર્ષને 'નર્સીગ અને પેરા મેડીકલ સ્ટાફ'ના માનમાં પસાર કરવા દેશવાસીઓને કહયંુ છે ત્યારે તબીબી-મેડીકલ ક્ષેત્રમાં કોઇ પણ સ્ટેજમાં કે પોઝીશનમાં સંકળાયેલા લોકો (ડોકટર્સ, નર્સ, લેબોરેટરી ટેકનીશ્યન્સ, દવાના વેપારીઓ, પેરા મેડીકલ સ્ટાફ વિગેરે) માટે સમાજ સેવા થકી કોરોના સંદર્ભેની હાલની વૈશ્વિક આફતને અવસરમાં બદલવાનો સોનેરી સમય આવ્યો છે તેમ કહી શકાય.

(3:42 pm IST)