Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

સદ્દભાવના વૃદ્ધાશ્રમ દ્વારા ટીફીન સેવાનું જબરૂ કાર્ય

દરરોજ આશરે ૧ હજાર લોકોને ટીફીન પહોંચાડવામાં આવે છે : હાલમાં વૃદ્ધાશ્રમમાં ૨૪૫ જેટલા વડીલોનો નિવાસ

રાજકોટ, તા. ૩૦ : સદ્દભાવના વૃદ્ધાશ્રમ દ્વારા ભગીરથ કાર્ય કરવામાં આવ્યુ છે. ૨૪૫ જેટલા વૃદ્ધોને સાચવવાની સાથોસાથ દરરોજના ૧ હજાર જેટલા ટીફીનો પહોંચાડવાની સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવતી હોવાનું યાદીમાં જણાવાયુ છે.

ઉલ્લેખનીય છે કે સદભાવના વૃધ્ધાશ્રમ ૭ વડીલોથી પ વર્ષ પહેલા ચાલુ થયેલ હતું.  ર૪પ વડીલો આ સંસ્થામાં બીરાજમાન છે. જેમાંથી ૭૦ થી વધુ વડીલો બીલકુલ પથારીવશ છે. જેમાં કોઈના પગ નથી, કોઈને હાથ નથી, કોઈને આંખ નથી, કોઈને હૃદયનો પ્રોબ્લેમ છે, કોઈને કેન્સર થયેલ છે અથવા તો કોઈ બીજી ગંબીર બીમારીમાં સપડાયેલા છે.

વિજયભાઈ ડોબરીયા દવારા માત્ર ૩ર વર્ષની યુવા વયે સ્થાપવામાં આવેલી આ સંસ્થામાં એવા વડીલોને નિઃશુલ્ક આશ્રય આપવામાં આવે છે (૧) જેને દીકરા નથી. (ર) જેને મોટી મીલકત નથી (૩) જેને આખી જીંદગી કામ કરેલુ છે (૪) જેને પેન્શન કે બીજી કોઈ રેગ્યુલર આવક નથી.

વડીલોને સવારે ૭ વાગ્યે ચા નાસ્તો, ૧૦ વાગ્યે ભરપેટ ફ્રૂટ, ૧ર વાગ્યે જમવાનુ, ૪ વાગ્યે ચા નાસ્તો અને ૭ વાગ્યે ભરપેટ જમવાનુ. દર અઠવાડિયે વડીલોને ૧૦૦ રૂ. હાથ ખર્ચના પણ આપવામાં આવે છે. તમામ વડીલોને નવા કપડા જ સીવડાવી દેવામાં આવતા હોવાનું જણાવાયુ છે.

હજુ વધુ વડીલોનો સમાવેશ થઈ શકે તે માટે સેોરાષ્ટ્રમાં પ૪૦૦૦ થી વધુ વૃક્ષો ઉપર, થાંભલા પર અને દીવાલો પર બોર્ડ લગાવી દીધેલા છે. ગુજરાતમાં ૧૮૦૦૦ થી વધુ ગામડાઓ છે તેનાં તમામ સરપંચને આ સંસ્થાએ જાણ કરી છે કે આપની આજુબાજુ આવા કોઈ વડીલો હોઈ તો સંસ્થામાં મોકલી આપશો.

વિશેષ માહિતી માટેે સંસ્થાનાં મો.નં. ૮પ૩૦૧૩૮૦૦૧ સંપર્ક કરવા વિનંતી છે. આ સંસ્થામાં વિજયભાઈ ડોબરીયા, સુધીરભાઈ શાહ, રાજુભાઈ પટેલ, ધીરેન્દ્રભાઈ કાનાબાર અને અન્ય ટ્રસ્ટીઓ દવારા સંસ્થાના કાર્યને આગળ વધારવામાં આવી રહયુ હોવાનું યાદીના અંતમાં જણાવાયુ છે.

(3:38 pm IST)