Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

શહેરમાં ગંદકી ઓછી થવા લાગી : રોજ ૫૦ ટન કચરો ઘટયો

રેસ્ટોરન્ટો - શાક માર્કેટો - બજારોનો કચરો લોકડાઉનના કારણે બંધ : ટીપરવાનોના ફેરા સતત ચાલુઃ દરેક વોર્ડમાં જંતુનાશક દવા છંટકાવ માટે ૧૦૦ પંપ ખરીદાયા : વોર્ડ દીઠ ૫ પંપ ફાળવી દેવાયા

ગોંડલ રોડ બ્રિજ વિસ્તારમાં ગંદકીનાં ગંજઃ તંત્ર જાગશે? : રાજકોટઃ શહેરનાં ગોંડલ રોડ પર ટ્રાયએંગલ ફલાય ઓવરબ્રિજ આસપાસ વિસ્તારમાં ગંદકીના ગંજથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે ત્યારે આ સમસ્યા ઉકેલવા લતાવાસીઓ માંગ કરી રહ્યા છે. આ અંગે વિસ્તારવાસીઓના જણાવ્યા પ્રમાણે આ પ્રશ્ન અંગે અનેક વખત રજુઆત કરવામાં આવી છે. પરંતુ પરિસ્થિતિ જૈસે થે જોવા મળી રહી છે. લોકોમાં રોગચાળાનો ભય ફેલાઇ રહ્યો છે. આ વિસ્તારમાં કચરાના ઢગલા તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા) (૭.૩૩)

રાજકોટ તા. ૩૦ : કોરોના સંક્રમણને રોકવા છેલ્લા અઠવાડિયાથી સર્જાયેલ લોકડાઉનને કારણે શહેરમાં સ્વચ્છતાનું ધોરણ સુધર્યું હોવાનું તારણ નિકળ્યું છે કેમકે સામાન્ય દિવસો કરતાં લોકડાઉન સ્થિતિમાં રોજનો ૫૦ ટન કચરો ઓછો ઉત્પન્ન થઇ રહ્યો છે. સાથોસાથ વર્તમાન સ્થિતિમાં સફાઇ અને કચરો ઉપાડવાની કામગીરી સતત ચાલુ છે તેનાં કારણે સ્વચ્છતાનું પ્રમાણ ૬૦ ટકા જેટલું સુધરી ગયું છે.

આ અંગે મ્યુ. કોર્પોરેશનના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગમાંથી પ્રાપ્ત આંકડાકીય માહિતી મુજબ સામાન્ય દિવસોમાં શહેરમાંથી ૬૦૦ ટન જેટલો કચરો ઉપાડવામાં આવતો હતો તે ઘટીને હાલની સ્થિતિમાં ૫૫૦ ટન જેટલો થયો છે. આમ, ૫૦ ટન કચરો ઉત્પન્ન થતો અટકયો છે.

કેમકે લોકડાઉનના કારણે બજારો બંધ છે, રેસ્ટોરન્ટો બંધ છે, શહેરમાં ઇન્ડસ્ટ્રીઝ એરિયાના કારખાનાઓ બંધ છે. આ તમામ દ્વારા ઉત્પન્ન થતો કચરો બંધ થઇ જતાં આ ઘટાડો નોંધાયો છે.

આ ઉપરાંત હવે તંત્ર દ્વારા શહેરના તમામ વોર્ડનાં ન્યુશન્સ પોઇન્ટ, જાહેર સ્થળો વગેરેને જંતુ મુકત કરવાની કામગીરી પૂરજોશથી શરૂ કરવામાં આવી છે. આ માટે ૧૦૦ જેટલા હેન્ડ પંપ ખરીદાયા છે અને ૧૮ વોર્ડમાં દરેક વોર્ડ દીઠ ૫ પંપ ફાળવી દેવાયા છે. જેના દ્વારા બેંકો, એટીએમ, દુધ, કરિયાણાની દુકાનો, જાહેર રસ્તાઓ વગેરે સ્થળોએ સોડીયમ કલોરાઇડનો છંટકાવ કરીને જંતુમુકત (ડીસ ઇન્ફેકશન)ની કામગીરી કરવામાં આવી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

(3:27 pm IST)