Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

સ્થા.જૈનો આજથી અને મૂર્તિપૂજક જૈનો કાલથી આયંબીલ આરાધના કરશે

કોરોના વાયરસની કારણે ઘરે જ ધર્મ આરાધના થઈ રહી છે

રાજકોટઃ જૈનો હર્ષોલ્લાસપૂર્વક આયંબિલ તપનો પ્રારંભ કરશે.આ તપમાં માત્ર એક જ વખત એક જ જગ્યાએ બેસીને લુખ્ખુ - સુકુ એટલે કે તેલ, ઘી, દુધ,દહીં, ગોળ,સબરસ અને સાકર વગરનો રસ અને સ્વાદ રહિતનો આહાર કરવાનો હોય છે તથા અચેત પાણીનો ઉપયોગ કરવાનો હોય છે.આધ્યાત્મિક દ્રષ્ટિએ તો તપ શ્રેષ્ઠ છે પરંતુ આયુર્વેદીક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ આયંબિલ તપને આરોગ્ય માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેલ - ઘી રહિતનો આહાર વાપરવાથી લીવરને રાહત મળે છે,શરીર અને મન બંને પ્રસન્ન રહે છે,જે સાધનામાં સહાયક બને છે.

 

ચૈત્ર તથા આસો માસમાં ઓલી આવે છે.આ બે મહિના ઋતુઓની સંધિકાળના - ડબલ ઋતુ હોવાના કારણે વાત્ત,પિત્ત અને કફનો પ્રકોપ શરીરને અસ્વસ્થ કરે છે,તેથી આ દિવસોમાં તપ કરવાથી રોગ પ્રતિકારક શકિત વધે છે તેથી જ તમામ દર્દનું ઔષધ તપને ગણવામાં આવે છે. ધર્મની દ્રષ્ટિએ તપ એ નિર્જરા માટેનું ઉત્તમોત્તમ સાધન છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં પ્રભુ મહાવીરે કહ્યું કે ક્રોડો ભવોના બાંધેલા કર્મો તપ કરવાથી નિર્જરી કે ખરી જાય છે.

આયંબિલ ઓળીમાં નવ દિવસ સુધી નમો અરિહંતાણ પદથી લઇ નમો લોએ સવ્વસાહૂણં સાથે દર્શન,જ્ઞાન,ચારિત્ર અને તપ સહિત નવ પદની આરાધના કરવાની હોય છે.ગ્રંથોમાં આ તપનું મહીમા વર્ણવતાં અનેક પ્રેરક દ્રષ્ટાંતો આવે છે,જેમાં શ્રીપાલ અને મયણાનું દ્રષ્ટાંત સુપ્રચલિત છે. આયંબિલ તપ કરવાથી શ્રીપાલની કાયા કંચનવર્ણી બની જાય છે, તેમાં શ્રદ્ઘા સાથે વૈજ્ઞાનિક કારણ પણ રહેલું છે.ખોરાકમાં સબરસનું પ્રમાણ ઘટવાથી ચામડીના રોગ મટી શકે છે.તામલી તાપસ અને સુંદરીએ પણ દીર્ઘ કાલીન સુધી આ તપની આરાધના કરેલી.આયંબિલ તપની તાકાત એટલી જબરદસ્ત છે કે તપના પ્રભાવથી ભરત ચક્રવર્તીના સુંદરી પ્રત્યેના દુષ્ટ ભાવોમાં પરિવર્તન આવી ગયેલ.

અનુષ્ઠાનોની સાથે પાંચ તપશ્ચર્યા કરે છે જે અંતર્ગત ઉપવાસ, બ્રહ્મશ્ચર્યા,ભૂમિ શયન,પોતાની સેવા પોતે જ કરવી તથા ચામડાની વસ્તુનો ત્યાગ.કહેવાય છે તપથી લોહી શુદ્ઘ થાય છે,લાલ રકત કણો વધે છે,ચામડી તેજસ્વી બને છે.

પ્રોફેસર જોસેફ હેરેલ્દ જણાવે છે કે પેટના મોટાભાગના દર્દોમાં તપ શ્રેષ્ઠ છે. ડો. શેલ્ટન કહે છે કે સૃષ્ઠિના જીવોમાં માત્ર મનુષ્ય એવું પ્રાણી છે કે જે બીમારીમાં પણ ખા ખા કરે છે. જયારે પ્રાણીઓ બિમાર પડે ત્યારે  સૌ પ્રથમ ખાવાનું છોડી દે છે.મિસ શર્મને ટાંકેલુ છે કે એક અબજ લોકો જગતમાં અર્ધા ભૂખ્યા સૂએ છે અને સવા અબજ લોકો વગર ભૂખે ખા ખા કરે છે.

સળંગ નવ દિવસ આયંબિલ થઇ શકતા હોય તો તે શ્રેષ્ઠ છે,પરંતુ કોઇ કારણોસર શકય ન હોય તો છૂટક - છૂટક પણ આયંબિલ કરી શકાય છે જેનાથી જીવાત્મામાં તપના સંસ્કાર આવે છે.

હાલની કોરોના વાયરસની પરિસ્થિતિ અને લોકડાઉનના કારણે તમામ સંઘોએ પોતાના કાર્યક્રમો રદ્દ કર્યા છે અને ઘરેથી જ શ્રાવક- શ્રાવીકાઓને ધર્મ આરાધના કરવા જણાવ્યું છે.

(11:40 am IST)