Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

શકરાભાઇથી શેકસપિયર સુધી વિસ્‍તરેલા ગુજ્જુ સર્જક મધુસુદન પારેખ

ગુજરાતી સાહિત્‍યના વિદ્વાન, હાસ્‍યલેખક, વિવેચક, સંપાદક, અને અનુવાદક તેમજ ‘પ્રિયદર્શી' ‘કીમિયાગર' અને ‘વક્રદર્શી' જેવા તક્કલ્લુફ અર્થાત ઉપનામો થકી ગુજરાતી સાહિત્‍ય જગતમાં અમર થઇ ગયેલા જાણીતા સર્જક શ્રી મધુસૂદન પારેખનું ૧૦૦ વર્ષની વયે તારીખ ૨૮ જાન્‍યુઆરી ૨૦૨૩ની મધ્‍યરાત્રિએ અંતિમ શ્વાસ લેતા અમદાવાદ ખાતે તેમનું અવસાન થયું હતું. રવિવારે સવારે તેમના અંતિમ સંસ્‍કાર કરવામાં આવ્‍યા હતા.ગઈ તારીખ ૧૪મી જુલાઈ ૨૦૨૨ના રોજ તેમણે ૧૦૦ માં વર્ષમાં પ્રવેશ કર્યો હતો.

તેમના અવસાનથી ગુજરાતી સાહિત્‍ય જગતમાં શોકનું મોજું ફરી વળ્‍યું છે.તેમણે માધ્‍યમ વર્ગના પરિવારોની જીવન કહાણીનું હાસ્‍યથી ભરપુર આલેખન કરતી બહુજ જાણીતી કોલમ ‘હું, શાણી અને શકરાભાઈ' ગુજરાત સમાચારની રવિવારની ‘રવિપૂર્તિ'માં ૬ દાયકા એટલે કે ૬૦ વર્ષો કરતા પણ વધારે સમય માટે તેમની હયાતી સુધી લખેલી.

મધુસુદન પારેખના પિતાશ્રી હીરાલાલ પારેખ પણ એક સાહિત્‍યકારઅને ગુજરાત વિદ્યાસભાના મંત્રી હતા. તેઓ અને તેમના માતાશ્રી જડાવબા પારેખ મૂળ સુરતના રહેવાસી હતા પરંતુ તેઓ અમદાવાદ આવીને વસતા તેમનો જન્‍મ ૧૪મી જુલાઈ ૧૯૨૩ના રોજ અમદાવાદમાં થયો હતા.

મધુસુદન પારેખના લગ્ન ૨૬ વર્ષની ઉમરે વર્ષ ૧૯૪૯માં કુસુમ દેવી સાથે થયેલા. ત્‍યારનો યુગ ગાંધીયન યુગ હોય તેઓ ગાંધીજીથી એટલા બધા પ્રભાવિત થયેલા કે તેમણે ખાદી અપનાવીને લગ્ન મંડપમાં તેવો કેવા દેખાશે તેની જરાક અમથીયે ચિંતા કર્યા વગર તેમના લગ્નમાં તેમણે ખાદી સિલ્‍કનો ઝભ્‍ભો અને ખાદીની ટોપી પહેરી હતી.

મધુસુદન પારેખે તેમનું પ્રારંભિક શિક્ષણ અમદાવાદમાં લીધું હતું અને વર્ષ ૧૯૩૯માં અમદાવાદની પ્રોપ્રાયટરી હાઈસ્‍કૂલમાંથી મેટ્રિક પાસ કરીને સાલ ૧૯૪૫માં મુંબઈ યુનિવર્સિટીમાંથી ઇતિહાસ અને અર્થશાષાના વિષયો સાથે તેમણે પોતાનું બી.એ.નું ગ્રેજયુએશન પૂરું કર્યું અને ત્‍યારબાદ વર્ષ ૧૯૫૨માં ગુજરાત યુનિવર્સિટીમાંથી ગુજરાતી અને સંસ્‍કૃત વિષયો સાથે એમ.એ. પૂરું કરીને તેમણે સાલ ૧૯૫૮માં ગુજરાત યુનિવર્સીટીમાંથી ‘ગુજરાતી નવલકથા સાહિત્‍યમાં પારસીઓનો ફાળો'વિષય પર મહા નિબંધ લખીને પી.એચ.ડી.ની ડીગ્રી પણ હાંસલ કરી હતી.

તેમણે પોતાનું ભણતર પૂરું કર્યા બાદ વર્ષ ૧૯૪૫ થી સાલ ૧૯૫૫ દરમ્‍યાન ભારતી વિદ્યાલય, અમદાવાદ ખાતે એક શિક્ષક તરીકેની નોકરી કરેલી અને ત્‍યારબાદ વર્ષ ૧૯૫૫ થી સાલ ૧૯૮૩ સુધી હરી વલ્લભદાસ કાલિદાસ આર્ટસ કોલેજ, અમદાવાદમાં ગુજરાતી ભાષાના અધ્‍યાપક તરીકેની જોબ પણ કરેલી. ત્‍યારબાદ તેમણે વર્ષ ૧૯૮૩માં નિવૃત્ત થઇ સાલ ૧૯૬૧થી અમદાવાદથી પ્રકાશિત થતા ‘બુદ્ધિપ્રકાશ' નામના એક સામયિકના વર્ષો સુધી તંત્રી રહીને પછી વર્ષ ૧૯૭૪થી ગુજરાત સાહિત્‍ય સભાના મંત્રી તરીકે પણ પોતાની સેવાઓ અર્પિત કરી હતી.

શ્રી મધુસુદન પારેખે ગુજરાત સમાચારની કોલમ ‘હું શાણી અને શકરાભાઈ' ઉપરાંત એક બીજી કોલમ ‘જેની લાઠી તેની ભેંસ' પણ લખેલી જે પણ ખુબજ પ્રખ્‍યાત થયેલી. તેમણે અંગ્રેજી સાહિત્‍યનુ આચમન નામથી ‘કુમાર' માસિકમાં કોલમ લખેલી અને ‘ગુજરાત ટાઈમ્‍સ', ‘શ્રી'વગેરેમાં સામયિકોમાં પણ તેમણે ઘણા બધા લેખો લખેલા. તેમના હાસ્‍યલેખોમાંથી પસંદ કરેલા ઘણા લેખોના સંગ્રહો પણ પ્રકાશિત થયા છે.

તેમની પ્રથમ મૌલિક કૃતિ ‘નાત્‍યાકુસુમો' હતો અને પહેલી કૃતિ ‘અખંડ આનંદ'માં પ્રસિદ્ધ થઇ હતી. ગુજરાતી સાહિત્‍યના પ્રખ્‍યાત હાસ્‍ય લેખક  વિનોદ ભટ્ટ તેમના વિદ્યાર્થી અને ચાહક હતા. તેમણે આકાશવાણી પર અનેક કાર્યક્રમો આપેલા છે.

તેમની પ્રખ્‍યાત વાર્તાઓના સંગ્રહમાં વર્ષ ૧૯૬૫માં ‘હું, શાણી અને શકરાભાઈ', ૧૯૬૭માં ‘સૂડી સોપારી', ૧૯૭૧માં ‘રવિવારની સવાર', ૧૯૭૪માં ‘હું, રાધા અને રાયજી', ૧૯૭૫માં ‘આપણે બધા', ૧૯૮૨માં ‘વિનોદાયન', ૧૯૮૫માં ‘પેથાભાઈ પુરાણ' છે ઉપરાંત શેક્‍સપિયરનાં નાટકો પરથી વાર્તાંતરો સ્‍વરૂપે ૧૯૬૫માં ‘શેક્‍સપિયરની નાટ્‍યકથાઓ'પણ તેમણે લખી છે અને શાળા-કોલેજોમાં ભજવી શકાય એવાં હાસ્‍યરસિક એકાંકીઓ પણ લખી છે જે એકાંકી નાટકોમાં વર્ષ ૧૯૬૨માં ‘નાટ્‍યકુસુમો' અને ‘પ્રિયદર્શીનાં પ્રહસનો'સાલ ૧૯૮૧માં સંગ્રાહીત સંસ્‍કૃત નાટકોની રૂપાંતરિત ‘સંસ્‍કૃત સાહિત્‍યની નાટ્‍યકથાઓ'(૧૯૭૫) પણ નોંધપાત્ર છે.

મધુસુદન પારેખે વર્ષ ૧૯૭૩માં ‘આવિર્ભાવ', ૧૯૮૦માં ‘દલપતરામ'તેમજ ‘દલપતરામ અને સ્‍વામિનારાયણ'અને ૧૯૬૧ થી ૧૯૮૨ સુધીમાં  ગુજરાત સાહિત્‍ય સભાની ‘કાર્યવાહી'તેમજ અંગ્રેજી સાહિત્‍યના ઉદયકાળથી મિલ્‍ટન સુધીના સાહિત્‍યના ઇતિહાસનો સરળ ગુજરાતી ભાષામાં કિંચિત્‌ પરિચય આપતો ૧૯૭૯નો ‘અંગ્રેજી સાહિત્‍યનું આચમન'વગેરે વિવેચનગ્રંથો પણ લખ્‍યા છે તેમજ તેમના અનુવાદ તથા સંપાદનગ્રંથોમાં વર્ષ ૧૯૬૬માં ‘અમેરિકન સમાજ'૧૯૬૯માં ‘હેન્રી જેમ્‍સની વાર્તાઓ', ૧૯૬૭માં ‘કનૈયાલાલ મા. મુનશીનું સાહિત્‍ય જીવન અને પ્રતિભા', ‘અર્વાચીન ગુજરાતનું રેખાદર્શન'તેમજ ૧૯૮૧માં અર્વાચીન ગુજરાતી સાહિત્‍યનો આસ્‍વાદ, અને ૧૯૬૮માં ‘હિંદુસ્‍થાન મધ્‍યેનું એક ઝૂપડું'વગેરેનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત તેમણે કિશોરો અને બાળકો માટે પણ ઘણા પુસ્‍તકો આપ્‍યા છે જેમાં ૧૯૬૬માં ‘શામળ ભટ્ટની વાર્તાઓ', ૧૯૬૭માં ‘વૈતાલપચીસી', ૧૯૭૦માં ‘સિંહાસનબત્રીસી ૧-૨', ‘બુધિયાનાં પરાક્રમો', ‘અડવાનાં પરાક્રમો', ૧૯૭૩માં ‘ખાટીમીઠી વાતો', ૧૯૭૬માં ‘મૂરખરાજ', ૧૯૭૮માં ‘ડાકુની દીકરી', ૧૯૮૧માં ‘બાર પૂતળીની વાતો' સામેલ છે.

ગુજરાતી સાહિત્‍યમાં ઉત્‍કૃષ્ટ યોગદાન બદલ વર્ષ ૧૯૭૨માં તેમને કુમાર સુવર્ણ ચંદ્રક અર્પણ કરવામાં આવેલ તેમજ ગુજરાતી સાહિત્‍ય પરિષદ તરફથી દર વર્ષે હાસ્‍ય સાહિત્‍યકારને અપાતો ‘જ્‍યોતીન્‍દ્ર દવે પારિતોષિક' પણ તેમણે અપર્ણ કરવામાં આવેલ છે. આ ઉપરાંત તેમણે ગુજરાત સરકારના પાંચ પુરસ્‍કાર મળેલા છે જેમાં વર્ષ ૨૦૦૩માં તેમને આપવામાં આવેલો ‘સાહિત્‍ય ગૌરવ પુરસ્‍કાર' કે જે ગુજરાત, ભારતમાં એક સાહિત્‍યિક સન્‍માન છે તે એવોર્ડ ગુજરાત સાહિત્‍ય અકાદમીઅનેગુજરાત સરકારદ્વારા ગુજરાતી લેખકોને તેમનાગુજરાતી સાહિત્‍યમાંનોંધપાત્ર પ્રદાન બદલ એનાયત કરવામાં આવલો.

આ બધાજ સાહિત્‍ય સર્જનોમાં મધુસુદન પારેખનું સૌથી નોંધપાત્ર પુસ્‍તક કુસુમાખ્‍યાન છે જેમાં તેમણે તેમના પત્‍ની કુસુમબહેન વિશે વિસ્‍તરથી લખ્‍યું છે.ગુજરાતી સાહિત્‍યમાં આ એક દુર્લભ ઘટના હતીકારણ કે ૧૯મી સદીમાં મહિપતરામ નીલકંઠે તેમની પત્‍ની માટે ‘પાર્વતીકુંવર' અખ્‍યાન લખ્‍યું હતું અને ત્‍યારબાદ ગુજરાતી સાહિત્‍યના કોઈ મોટા લેખકે તેમની પત્‍ની પર પુસ્‍તક લખ્‍યું હોય તો તે ઘટના મધુસૂદન પારેખના કિસ્‍સામાં બની હતી.આ પુસ્‍તકમાં તેમણે પોતાના ૬૫ વર્ષના લગ્નજીવનને આવરી લીધું હતું.

પારેખ સાહેબ જીવનની અંતિમ ક્ષણ સુધી સ્‍વસ્‍થ, તંદુરસ્‍ત અને જીવંત હતા. આજે તેઓ દેહમાં આપણી સાથે નથી પરંતુ તેમના શબ્‍દો અને સર્જન થકી તેઓ સદાયને માટે આપણી વચ્‍ચે અમર રહેશે.

(4:13 pm IST)