Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

જામનગરની સોરઠ મસાલા કંપનીના ડાયરેકટ વેચાણ સંબંધે રાજકોટના વેપારીનો કોર્ટમાં દાવો

રાજકોટ તા. ૩૦ :.. જામનગરની સોરઠ મસાલા કંપનીને ગુજરાત લેવલે બે વર્ષની તનતોડ મહેનતથી સારૂ નામ તથા માર્કેટ ઉભુ કરાવનાર સુપર સ્‍ટોકિસ્‍ટ ને ઉભા કરેલ માર્કેટનું કમીશન ન ચુકવવાના બદ ઇરાદાથી કંપનીએ ૧૦ વર્ષના લેખીત એગ્રીમેન્‍ટનો ઉલાળીયો કરી જાતે જ રાજયભરના માર્કેટમાં મસાલાની સપ્‍લાય ચાલુ કરી માર્કેટ હડપ કરતા રાજકોટના વેપારી જયકુમાર ગીરીશચંદ્ર મશરૂએ જામનગરની અદાલતના દ્વાર ખટખટાવ્‍યા છે.

છેલ્લા આઠ માસથી કંપની દ્વારા ફરીયાદી પેઢીનું કામ બંધ કરી દેતા મામલો જામનગરની અદાલતમાં પહોંચ્‍યો છે. અગાઉ રાજયના જુદા જુદા એજન્‍ટ પાસેથી પરત આવેલી એકસપાયરી ડેટવાળી અને ગુણવતામાં ફેર હોય તેવી વસ્‍તુઓ કંપનીમાં પરત કરેલ હતી તે માલના ચુકવાણા પેટે આપેલ ચેક નિયત સમયે ફરીયાદીએ તેમના ખાતામાં જમા કરાવતા સ્‍ટોપ પેમેન્‍ટ ના શેરા સાથે વગર વસુલાતે પરત ફર્યાનો પણ રાજકોટ અદાલતમાં કંપની સામે દાવો નોંધાયેલ છે. હજુ એક લાખ આસપાસના મસાલા ફરીયાદી પેઢીના ગોડાઉનમાં પડેલ હોય તે પરત લેવા કંપની ને અનેક પ્રાર્થના અને વિનંતી કરવા છતાં કંપની એ પરત લેવા ઇન્‍કાર કરી દીધેલ છે.ફરીયાદી જયકુમાર ગીરીશચંદ્ર મશરૂ દ્વારા કંપની હાલ ડાયરેકટ બજારમાં માલ વેચાણ કરી રહેલ હોય તેને બંધ કરવા નવા ડીસ્‍ટ્રીબ્‍યુટર બનાવતા અટકાવવા કાયમી મનાઇ હુકમ ફરમાવવા તેમજ ડેકલેરેશન આપવા મસાલા કંપનીના સંચાલક દિપકકુમાર ધીરજલાલ લાખાણી વિરૂધ્‍ધ જામનગરની સીવીલ કોર્ટમાં દાવો દાખલ કરાયો છે. દાવાની પ્રથમ દર્શનીયા ધ્‍યાને લઇ કોર્ટ દ્વારા કંપનીના સંચાલકને કોર્ટમાં હાજર થવા નોટીસ ઇસ્‍યુ કરેલ છે. ફરીયાદી પેઢી તરફે એડવોકેટ ચંદ્રેશ એન. મોતા, મૈત્રીબેન એમ. ભુત, તથા નિશાબેન એચ. બારોટ રોકાયેલા છે. (પ-૧૭)

(4:06 pm IST)