Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

રાજકોટને સ્‍પર્શતા સીકસ લેન હાઇવે-એરપોર્ટ - કન્‍વેશન સેન્‍ટર - રેલ્‍વે ડબલ ટ્રેક પ્રોજેકટ વ્‍હેલી તકે પુરા કરો

ગુજરાત રાજય ખાદ્યતેલ અને તેલીબીયા સંગઠને મુખ્‍યમંત્રીને લખ્‍યો પત્ર : પ્રોજેકટો વિલંબમાં પડતા વેપાર-ઉદ્યોગને ઘણી મુશ્‍કેલી પડી રહી છે

રાજકોટ, તા.૩૦: ગુજરાત રાજય ખાદ્યતેલ અને તેલીબીયા સંગઠનના પ્રમુખ સમીરભાઇ શાહે મુખ્‍યમંત્રીને પત્ર લખી રાજકોટને સ્‍પર્શતા પ્રોજેકટો, વ્‍હેલી તકે પુરા કરવા વિનંતી કરી છે.

તેમણે પત્રમાં જણાવ્‍યુ છે કે, રાજકોટ અમદાવાદ હાઇવેને SIX LANING માં CONVERT કરવામાં ત્રણ વર્ષની ઢીલ થયેલ છે. રાજ્‍યના મહત્‍વના શહેરોને જોડતા આવા જરૂરી પ્રોજેકટમાં આટલો લાંબો વિલંબ અક્ષમ્‍ય કહેવાય. આ રોડ માત્ર રાજકોટ શહેરને જ અમદાવાદ સાથે નથી જોડતો. રાજકોટ શહેર, જીલ્લા, ઉપરાંત મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર જીલ્લાનો સંપૂર્ણ ટ્રાફિક તેમજ જુનાગઢ અને સુરેન્‍દ્રનગર જીલ્લાનો પણ અમુક ટ્રાફિક આ હાઇવે પરથી પસાર થાય છે. માટે આ વિસ્‍તારની આમ જનતા તેમજ વેપાર ઉદ્યોગની સરળતા માટે આ SIX LANING કામ સત્‍વરે પુરૂ થાય તે અત્‍યંત આવશ્‍યક છે.

આપના ઘણા મંત્રીઓ, સંસદ સભ્‍યો, ધારાસભ્‍યો, પાર્ટીના પદાધિકારીઓ,  ઘણા સરકારી અમલદારો આ રસ્‍તા પર થી જ પસાર થાય છે. તેમની નજરે આ વિલંબ કેમ નથી દેખાતો તે આશ્‍ચર્યજનક બાબત છે. કે પછી તેમનો અધિકાર સરકારશ્રીની વાહવાહ કરવા પુરતો સિમિત કરી દેવાયો છે? આ સિવાય જાન્‍યુઆરી ૨૦૧૬ માં રાજકોટ ખાતે VIBRANT SAURASHTRA SUMMIT નું ભવ્‍ય આયોજન થયેલુ. તે સમારોહના મંચ પરથી તત્‍કાલિન મુખ્‍ય મંત્રીશ્રી આનંદીબેન પટેલે રાજકોટ માટે કન્‍વેન્‍શન સેન્‍ટરની જાહેરાત કરી હતી. અને વર્ષે ૨૦૧૬-૨૦૧૭ના ગુજરાત રાજ્‍યના અંદાજપત્રમાં રાજકોટના કન્‍વેન્‍શન સેન્‍ટર માટે માતબર રકમની ફાળવણી પણ કરવામાં આવી હતી. છતાં આજ સુધી આ કન્‍વેન્‍શન સેન્‍ટરનો પાયો પણ નંખાયો નથી. રાજ્‍ય સરકારે આ હેતુસર ફાળવેલ રકમ રાજકોટ મ્‍યુનિસિપલ કોર્પોરેશનને મોકલાઈ છે કે નહીં? ના મોકલાઈ હોયતો તેના કારણો તથા જો મોકલાઈ હોય તો કયાં વપરાઈ છે તે વિષે આપ ઉંડી તપાસ કરી ધટતું કરશો.

આ ઉપરાંત રાજકોટ અને આસપાસના વિસ્‍તારના ઝડપી વિકાસ માટે અતિ મહત્‍વના બે PROJECTS જેવા કે વિરમગામ થી સુરેન્‍દ્રનગર અને સુરેન્‍દ્રનગર થી રાજકોટના રેલ્‍વે ડબલ ટ્રેકની કામગીરી અને રાજકોટની ભાગોળે આકાર પામી રહેલ વિશાળ ગ્રીન ફિલ્‍ડ એરપોર્ટની કામગીરી પણ અત્‍યંત ધીમી ગતિ એ ચાલી રહેલ છે. અત્‍યંત ધીમી ગતિ એ ચાલતા આવા પ્રોજેકટને કારણે વેપાર ઉદ્યોગને ઘણી મુશકેલીઓ વેઠવી પડે છે.

તે આપ અંગત રસ લઇ આ તમામ વિલંબિત PROJECTS ત્‍વરાથી પુર્ણ થાય તેવા પ્રયાસો કરશોજી તેમ અંતે જણાવ્‍યુ છે.

(4:54 pm IST)