Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

રોડ તમારા બાપનો છે? બહુ ચરબી ચડી ગઇ છે...હાકલા પડકારા બાદ બઘડાટીમાં ૬ને ઇજાઃ ૧૫ વિરૃધ્ધ બે ગુના

આજીડેમ ચોકડી પાસે ભારતનગરમાં બનાવઃ વાહનો રસ્તામાંથી સાઇડમાં લેવા મામલે જામી પડીઃ થોરાળા પોલીસે કાર્યવાહી કરી

રાજકોટ તા. ૩૦: આજીડેમ ચોકડી પાસે ભારતનગરમાં રહેતાં બે પરિવારો વચ્ચે રસ્તા વચ્ચેથી વાહન હટાવવા મામલે બઘડાટી બોલી જતાં એક બીજાના વાહનમાં તોડફોડ કરી તેમજ ધોકા-પથ્થર-ઇંટથી હુમલો કરી ધમાલ મચાવતાં બંને પક્ષના છને ઇજા પહોંચી હતી. પોલીસે બંને પક્ષના મળી પંદર જણા વિરૃધ્ધ અલગ અલગ ગુના દાખલ કર્યા હતાં.

પોલીસે ભારતનગરમાં રહેતાં ચંપાબેન કિશોરભાઇ લકુમ (ઉ.૬૦)ની ફરિયાદ પરથી કાળુભાઇ રબારી, અશ્વિન રબારી, હિતેષ રબારી અને ચાર અજાણ્યા શખ્સો વિરૃધધ ગુનો દાખલ કર્યો છે. ચંપાબેને જણાવ્યું છે કે રવિવારે સાંજે સાતેક વાગ્યે હું ઘરમાં હતી ત્યારે બહાર શેરીમાં દેકરો થતાં બહાર જોવા જતાં મારા દિકરા સુખદેવ અને પતિ કિશોરભાઇ સાથે લાલ કલરની કારમાં આવેલા ત્રણ જણા જેમાં એક કાળુભાઇ હતો તે તથા બીજા મળી ઝઘડો કરી ગાળો દેતાં હતાં. કારખાનામાં ફેરા કરવા માટેની અમારી ગાડી ઘર પાસેર ાખી હતી તે રસ્તામાં કેમ રાખી છે, રોડ તમારા બાપનો છે? તેમ કહી કાળુભાઇ સહિતનાએ માથાકુટ કરી મારા દિકરા અને પતિ સાથે ઝપાઝપી કરી હતી.

હું તેને છોડાવવા વચ્ચે પડી હતી અને ઝઘડો નથી કરવો તેમ કહેતાં કાળુભાઇએ બીજા શખ્સોને આ લોકોને પછી જોઇ લેશું ગાડીમાં બેસો તેમ કહી બધા જતાં રહ્યા હતાં. થોડીવાર બાદ અમે શેરીમાં ઉભા હતાં ત્યાર઼ કાળુભાઇ બીજા શખ્સો અશ્વિન, હિતેષ અને ચાર અજાણ્યાને લઇને આવ્યા હતાં અને ધોકા-લાકડીથી હુમલો કરી તમારા બધાયની હવા કાઢુ છું તેમ કહી ધોકાથી હુમલો કરતાં મારા ભત્રીજાના દિકરા રામુને માથામં ઇજા થતાં તે પડી ગયો હતો. એ પછી અશ્વિને ધોકાથી મારા દિકરા સુખદેવને માર મારતાં તે પડી ગયો હતો. હું વચ્ચે પડતાં મને પણ માર મારી ગાળો દીધી હતી. તેમજ અમારી ગાડીમાં પણ અજાણ્યા શખ્સોએ તોડફોડ કરી હતી અને ભાગી ગયા હતાં. મને માથામાં મુંઢ ઇજા થઇ હોઇ ૧૦૮ બોલાવી હોસ્પિટલમાં દાખલ થઇ હતી.

સામા પક્ષે ભારતનગરમાં જ રહેતાં અને ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં હિતેષ સવશીભાઇ રાઠોડ (ઉ.વ.૨૩)એ પણ ફરિયાદ કરતાં પોલીસે તેના આધારે કિશોરભાઇ, સુખા કિશોરભાઇ, મહેન્દ્ર મીઠાભાઇ, વિશાલ પુનાભાઇ, રામુભાઇ લકુમ, પવો કડી, નિતીશ ભૈયો અને વિરમ પુના વિરૃધ્ધ રાયોટીંગનો ગુનો નોંધ્યો હતો.

હિતેષ રાઠોડે જણાવ્યું હતું કે રવિવારે સાંજે હું અને મારા મોટા બાપુનો દિકરો અશ્વિન તથા કાળુભાઇ અમારી કાર લઇને મેવાસા માતાજીના મઢેથી પગે લાગીને ઘરે આવતાં હતાં ત્યારે ભારતનગરમાં શેરીમાં રસ્તા વચ્ચે એક કેરી ગાડી અને બીજા બે ત્રણ વાહનો હોઇ લત્તામાં રહેતાં સુખદેવભાઇ અને તેના પિતા કિશોરભાઇ ત્યાં ટુવ્હીલરની ઘોડી ચડાવી બેઠા હોઇ તેને વાહન તમારા હોઇ તો સાઇડમાં લઇ લ્યો તેમ કહેતાં કિશોરભાઇ અને સુખદેવે તમારે જાવું હોય તો બીજા રસ્તેથી જતાં રહો, હવે પછી રાત્રીના સમયે અહિથી નીકળવાનું નહિ નહિતર મજા નહિ આવે તેમ કહેતાં અમે તેને સમજાવતાં તેણે ગાળો દીધી હતી. આથી અમે ઝઘડો કરવો ન હોઇ નીકળી ગયા હતાં. એ પછી અમારા ઘર પાસે  કિશોરભાઇ, તેનો પુત્ર સુખો, મહેન્દ્ર, વિશાલ, પુનો, રામુ, પવો, નિતીશ, વિરમ સહિતના આવ્યા હતાં અને સુખાએ તમને બહુ ચરબી ચડી ગઇ છે આજે ચરબી ઉતારી દેવી છે તેમ કહી ડસ્ટર કારના પાછળના કાચ ફોડી નુકસાન કર્યુ હતું. તેને સમજાવવા જતાં પાણાના ઘા કર્યા હતાં. જેમાં મને તથા પડોશી જયરાજ ઇશ્વરભાઇ ટમટાને ઇજા થઇ હતી.

અમારી સાથેના રણછોડ હામાભાઇ કળોતરાને પણ આ શખ્સોએ ઢીકાપાટુ માર્યા હતાં. વધુ માણસો ભેગા થઇ જતાં આ બધા ભાગી ગયા હતાં. તેમ વધુમાં હિતેષે જણાવ્યું હતું. થોરાળાના હેડકોન્સ. પી. ડી. ખાંભરાએ બંને ગુના દાખલ કર્યા હતાં. પીએસઆઇ એન. બી. ડાંગર અને પીએસઆઇ પી. એમ. રાઠવાએ વધુ તપાસ હાથ ધરી છે.

(3:40 pm IST)