Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

પેપર કાંડઃ NSUI - આમ આદમી પાર્ટી-બસપાએ કલેકટર કચેરી ગજવીઃ મૂખ્‍યમંત્રી રાજીનામું આપેઃ પ૦ હજાર સહાય કરો

કલેકટરને આવેદન : વિધાનસભામાં કાયદો લાવો : નિવૃત જજના અધ્‍યક્ષપદે SIT ની રચના કરો

ફલ્‍શ્‍ત્‍ તથા અન્‍યોએ પેપર ફુટવા અંગે કલેકટર કચેરીમાં દેખાવો યોજી કલેકટરને આવેદન પાઠવ્‍યું તે નજરે પડે છે. (તસ્‍વીર સંદીપ બગથરીયા)

રાજકોટ તા.૩૦ : રાજયમાં ગઇકાલે લેવાનાર જુનીઅર કલાર્કની પરીક્ષાનું પેપર ફુટી જતા તેના વિરોધમાં એનએસયુઆઇ દ્વારા આજે કલેકટર કચેરીમાં ઉગ્રસુત્રોચ્‍ચાર સાથે આવેદન પાઠવી રજુઆત કરી હતી.

આવેદનમાં જણાવેલ કે કમનસીબે ગુજરાત સરકાર અને તંત્રની બેદરકારીને લીધે પરીક્ષાનું  પેપર અગાઉના દિવસે જ ફુટી ગયું જેથી લાખો યુવાનોના ભવિષ્‍ય સાથે ચેડા કરવામાં આવ્‍યા છે. એક તરફ વાર્ષિક બે કરોડ રોજગારીની વાતો કરતી, આ સરકાર માત્ર એક સામાન્‍ય વર્ગ-૩ ની પરીક્ષા જુનિયર કલાર્કની પરીક્ષા પણ નથી લઇ શકતી, ગુજરાત સરકારમાં પેપર લીંકની પ્રક્રિયા હવે જાણે એક પ્રકારે પરંપરા બની ગઇ હોય તેવું લાગી રહ્યું છે.

આવેદનમાં ઉમરેલ છે. જુનિયર કલાર્કની પરીક્ષા ૩૦ દિવસની અંદર લેવામાં આવે નિવૃત ન્‍યાયધીશની અધ્‍યક્ષતામાં એસ.આઇ.ટીની રચના કરવામાં આવે. જવાબદાર તમામ દોષિતો સામે શિક્ષાત્‍મક પગલા લેવામાં આવે.

આગામી વિધાનસભા સત્રમાં પેપર લીંક કૌભાંડ બાબતે જવાબદાર તમામ વિરૂધ્‍ધ કડકમાં કડક સજા થાય તેવો કાયદો પસાર કરવામાં આવે.  ગુજરાત સરકાર તમામ રીતે પરીક્ષા લેવામાં નિષ્‍ફળ નીવડી છે. તો સરકાર દ્વારા પોતાની નૈતિક જવાબદારી સમજીને મુખ્‍યમંત્રી સહિત તમામ મંત્રીઓએ રાજીનામું આપવું જોઇએ.

આમઆદમી પાર્ટી

એક જવાબદાર વિરોધપક્ષ તરીકે આમ આદમી પાર્ટી-ગુજરાતની એપણ કલેકટરને આવેદન પાઠવી માંગણી કરી હતી કે,

અત્‍યાર સુધી ફુટેલા તમામ પેપરો માટે કેટલા અને કોણ કોણ લોકો પકડાયા એની વિગતો જનતા સામે મુકવામાં આવે.

હાલના બનાવ માટે સુપ્રીમ કોર્ટના નિવૃત ન્‍યાયાધીશના વડપણ હેઠળ સ્‍પેશિયલ ઇન્‍વેસ્‍ટિગેશન ટીમની  રચના કરવામાં આવે. હાલની પરીક્ષાના ઉમેદવારોને થયેલા નુકશાન માટે દરેકને રૂપિયા પ૦૦૦૦ વળતર આપવામાં આવે, સરકારી પ્રેસ હોવા છતા કોના ઇશારે પેપરો ખાનગી પ્રેસોમાં છપાવવામાં આવે છે તેની પણ તપાસ કરવામાં આવે અને હવે પછી એક પણ પેપર ખાનગી પ્રેસમાં ના છપાય તેવી જોગવાઇ કરવામાં આવે.

બહુજન સમાજ પાર્ટી

બસપાએ રાજયપાલને સંબોધી કલેકટરને આવેદન પાઠવી જણાવેલ કે ગુજરાત રાજયમાં સને ર૦૧૪ થી આશરે ૧૦ મોટા પેપરકાંડ થયા છે. જો આવી જ સરકારની નીતી રીતી રહેશે તો આવનારા સમયમાં વિદ્યાર્થીઓનું જીવન અંધકારમય થઇ જશે. ભાજપ સરકારમાં લાખો યુવાનો બેરોજગાર થઇ ગયા છે. અને દિવસેને દિવસે નવયુવાનો ક્રાઇમ તરફ વળવા લાગ્‍યા છે અને વિદ્યાર્થીઓની રાત-દિવસ કરેલ મહેનત પાણીમાં ફરી વળે છે. ભાજપ સરકારના મુખ્‍યમંત્રીએ વહેલામાં વહેલી તકે રાજીનામુ આપી દેવું જોઇએ અને આવનારા દિવસોમાં વિદ્યાર્થીઓના પ્રશ્નો હલ નહી થાય તો રાજય વ્‍યાપી સંવિધાનના માર્ગે બહુજન સમાજ પાર્ટી આંદોલન કરશે.

(3:27 pm IST)