Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

રેસકોર્ષ ફનવર્લ્‍ડના મેદાનમાં કારના કાચ તોડી ૮.૨૦ લાખના દાગીના ભરેલા બે પર્સની ચોરી

શિતલ પાર્કમાં રહેતાં બેંકના રીજનલ હેડ હરદિપસિંહ ઝાલા કાકાજીને ત્‍યાં લગ્નપ્રસંગમાં ગયા હોઇ ત્‍યાંથી સાળાના દિકરાનો બર્થડે હોવાથી બધા ફરવા આવ્‍યા'તાઃ જ્‍યાં ચોરી થઇ ત્‍યાં સીસીટીવી કેમેરા પણ નથીઃ પોલીસ માટે પડકાર દાગીનાના પર્સ ઉપરાંત નવેનવા કપડાની બેગ પણ ઉઠાવી જવાઇ

રાજકોટ તા. ૩૦: શહેરના રેસકોર્ષના ફનવર્લ્‍ડ પાસેના મેદાનમાં પાર્ક કરાયેલી  અર્ટીગા કારના કાચ ફોડી અંદરથી રૂા. ૮,૨૦,૦૦૦ની કિંમતના સાડા વીસ તોલા દાગીના સાથેના બે પર્સ ચોરી જવામાં આવ્‍યા હતાં. શિતલ પાર્કમાં રહેતાં અને બેંકમાં ફરજ બજાવતાં ક્ષત્રિય યુવાન ગઇકાલે લગ્નપ્રસંગમાં કાકાજીના ઘરે હોઇ ત્‍યાં આવેલા સાળાના દિકરાનો બર્થડે હોવાથી બધા કાર લઇને ફનવર્લ્‍ડમાં થોડીવાર ફરવા આવ્‍યા હતાં. આ વખતે દાગીના કારમાં જ રાખ્‍યા હોઇ તે ચોરની નજરે ચડી જતાં કાચ તોડી લાખોના દાગીના ચોરી જવાયા હતાં. દાગીનાની સાથે નવેનવા કપડાની બેગ પણ ચોરી જવામાં આવી હતી.

આ બનાવમાં પ્ર.નગર પોલીસે શિતલ પાર્ક-૨ બ્‍લોક નં. ૧૪ ફાયર બ્રિગેડ પાછળ સંતોષી ચોકમાં શ્રી કુસુમ ખાતે રહેતાં અને શ્રોફ રોડ પર શારદા બાગ પાસે આવેલી આઇસીઆઇસીઆઇ બેંકમાં રીજનલ હેડ સેલ્‍સ તરીકે નોકરી કરતાં હરદિપસિંહ પરાક્રમસિંહ ઝાલા (ઉ.વ.૩૭)ની ફરિયાદને આધારે અજાણ્‍યા સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

હરદિપસિંહ ઝાલાએ જણાવ્‍યું છે કે હું બેંકમાં ફરજ બજાવુ છું. રવિવારે ૨૯મીએ મારા કાકાજી સસરા ગિરીરાજસિંહ અમરસિંહ જાડેજા કે જેઓ રામકૃષ્‍ણનગરમાં રહે છે તેમના ઘરે લગ્ન પ્રસંગ હોઇ હું તથા મારા પત્‍નિ શિલાબા અને મારો પુત્ર ત્‍યાં પ્રસંગમાં ગયા હતાં. મારા સાળા મયુરસિંહ અને તેમના પતિન શિતલબા પણ આ પ્રસંગમાં તેમના પુત્ર પરિક્ષીતસિંહ (ઉ.વ.૫)ને લઇને આવ્‍યા હતાં. પરિક્ષીતસિંહનો બર્થડે હોવાથી તેને થોડીવાર ફેરવવા માટે હું, મારા પત્‍નિ, સાળા-સાળી, બીજા સાળા હરદિપસિંહના પત્‍નિ હીનાબા અને મારા સાળી ભાવીકાબા તથા તેમની દિકરી ખુશાલીબા એમ બધા મારા સાળા મયુરસિંહની અર્ટીગા કાર જીજે૧૨સીજી-૫૬૪૮માં બેસી રાતે સવા નવેક વાગ્‍યે ઘરેથી રેસકોર્ષ ફરવા આવ્‍યા હતાં.

રેસકોર્ષમાં ફનવર્લ્‍ડના ગેઇટની બાજુના મેદાનમાં સાડા નવેક વાગ્‍યે અમારી કાર પાર્ક કરી હતી. ત્‍યાં ફેર ચાલતો હોઇ બીજા પણ અનેક વાહનો પાર્ક કરેલા હતાં. અમારી કારમાં વચ્‍ચેની સીટીમાં સોનાના દાગીનાનો થેલો રાખ્‍યો હતો અને પાછળની સાઇડ કપડાની બેગ રાખી હતી. આશરે પોણા કલાક બાદ સવા દસેક વાગ્‍યે અમે ફરીને પાછા આવ્‍યા ત્‍યારે અમારી કારના ડાબી સાઇડના બંને કાચ ફૂટેલા દેખાયા હતાં. ગાડીમાં જોયું તો અમે રાખેલા બે પર્સ ગાયબ હતાં. જે પૈકી ગ્રે રંગના પર્સમાં સોનાનો સેટ ચાર તોલાનો રૂા. ૧,૬૦,૦૦૦નો, સોનાનુ બાજુબંધ એક તોલાનું રૂા. ૪૦ હજાર, સોનાની પાંચ વીંટીનો પંજો અઢી તોલાનો રૂા. ૧ લાખનો, સોનાનો ચેઇન પેન્‍ડન્‍ટવાળો બે તોલાનો રૂા. ૮૦ હજારનો, સોનાનુ સટુશેર, નાકની નથ, માથાનું બોર જેનું બધાનું વજન આશરે ત્રણ તોલા રૂા. ૧,૨૦,૦૦૦નું હતું તે પર્સ ગાયબ હતું.

બીજા એક બ્રાઉન રંગના પર્સમાં બે સોનાની બંગડી બે તોલાની રૂા. ૮૦ હજારની, સોનાનો પેન્‍ડન્‍ટ સેટ બે તોલાનો રૂા. ૮૦ હજાર, સોનાનો નાનો પેન્‍ડન્‍ટ સેટ બે તોલા રૂા. ૮૦ હજારનો હતો. આ દાગીના સાથેનું પર્સ પણ ગાયબ હતું. આ ઉપરાંત એક થેલો કે જેમાં લગ્ન પ્રસંગમાં પહેરવા માટે ખરીદેલા નવેનવા કપડા હતાં તે પણ લઇ જવાયો હતો. કુલ મળી રૂા. ૮,૨૦,૦૦૦ના ૨૦ાા તોલા સોનાના દગાીના ચોરાઇ ગયા હતાં. પ્ર.નગર પીઆઇ વસાવાની રાહબરીમાં પીએસઆઇ કે. એસ. ભગોરાએ ગુનો દાખલ કરાવ્‍યો હતો. વધુ તપાસ ડી. સ્‍ટાફ પીએસઆઇ એ. એ. ખોખર અને ટીમે હાથ ધરી છે.

હરદિપસિંહ ઝાલાએ વધુમાં જણાવ્‍યું હતું કે કાર અંદરના મેદાનમાં હોઇ ત્‍યાં કોઇ સીસીટીવી કેમેરા નથી. ચોરીનો આ ભેદ ઉકેલવાની કામગીરી પોલીસ માટે પડકારરૂપ બની છે.

(12:24 pm IST)