Gujarati News

Gujarati News

News of Wednesday, 30th January 2019

પંચાળના પીર હકાબાપાની તિથિ : કાલે ઝિંઝુડામાં ઉત્સવ

ચોટીલાથી રાજકોટ આવતા નાની મોલડી ગામેથી ઝિંઝુડામાં હકાબાપાનું જાગતુ પિરાણુ

રાજકોટ, તા. ૩૦ : પંચાળના પીર તરીકે પૂજાતા અને 'હકડાપીર' તરીકે જાણીતા પૂજય શ્રી હકાબાપાની પૂણ્યતિથિનો ભવ્ય ઉત્સવ તા.૩૧મીના ગુરૂવારે ઝીંઝુડા ગામમાં ઉજવવામાં આવનાર છે. રાજકોટના ધનજીભાઈ લુંભાણી તરફથી યોજવામાં આવેલ આ દિવ્ય ઉત્સવમાં ભાગ લેવા તેમજ હકાબાપાનો પ્રસાદ લેવા સવારના ૧૦ વાગ્યે ઝીંઝુડામાં સૌને આમંત્રણ અપાયું છે.

ચોટીલાથી રાજકોટ જતા નેશનલ હાઈવે પર લગભગ ૧૩ કિ.મી. દૂર નાની મોલડી ગામ છે. ત્યાંથી ચાર કિ.મી. દૂર આવેલુ ઝીંઝુડા ગામ હકાબાપાનું ગામ છે. ઝિંઝુડામાં હકાબાપાનું જાગતુ પીરાણુ છે. હજારો લોકો હકાબાપાની માનતાઓ રાખે છે અને બાપા તેમની મનોકામના પૂરી કરે છે. તરણેતરના મેળામાં પણ હકાબાપાની રાવટી હોય છે. હકાબાપાનો પ્રસાદનો ભારે મહિમા છે. આ પ્રસાદ જમનારાના દુઃખ હકાબાપા દૂર કરે છે. આજથી ૯૩ વર્ષ પહેલા હકાબાપા ઝિંઝુડામાં બિરાજમાન હતા. ઈ.સ.૧૮૨૮માં જશરાજ મહેતાના પુત્ર તરીકે તેમણે જન્મ લીધેલો. નાની ઉંમરે માતા-પિતાનું અવસાન થતાં તેમના મોટીબહેન તેમને મોલડી ગામમાં લઈ આવેલ. ૧૮ વર્ષની યુવાન ઉંમરથી તેઓ ઝીંઝુડામાં આવી ગયેલા અને દુકાન કરેલી જે હકાબાપાની હાટડી તરીકે સુપ્રસિદ્ધ છે. આ હાટડીની જગ્યામાં હકાબાપાનું મંદિર બનાવવામાં આવેલ છે.

ઝિંઝુડામાં ૭૦ વર્ષ હકાબાપા રહ્યા. ભગવાનનો અવતાર મનાતા હકાબાપાના હજારો પરચાની વાતો લોકો પાસે સાંભળવા મળે છે. કહેવાય છે કે ઠાંગનાથ મહાદેવ એટલે કે ખુદ શંકર ભગવાન પોતે એમના ગુરૂ છે. તરણેતરના મેળામાં બાપા પોતે રાવટી લઈને જતા અને આવનાર લોકોને ગરમા - ગરમ ખીચડી, શાક અને રોટલા જમાડતા હતા. ઈ.સ. ૧૯૨૬માં ૯૮ વર્ષની ઉંમરે તેઓ નિજધામમાં ગયા. ત્યાર પછી પણ તરણેતરના મેળામાં હકાબાપાની રાવટી દર વર્ષે હોય છે અને લોકોને ગરમા ગરમ ખીચડી, શાકને રોટલાનો પ્રસાદ જમાડવામાં આવે છે. ઝિંઝુડામાં હકાબાપાની સમાધિ છે તેમજ તેમણે પોતે પ્રતિષ્ઠા કરેલ રામ લક્ષ્મણ જાનકીજીનું મંદિર છે. આ મંદિરના પૂજારી મુન્ના મહારાજ અને મોલડી ગામના અમરશીભાઈ લુંભાણી તેમજ બાપાના બીજા સેવકો તરણેતરના મેળામાં હકાબાપાની રાવટી લઈને જાય છે. રાજકોટમાં રહેતા ધનજીભાઈ સામતભાઈ લુંભાણી કસ્ટમ ઓફીસમાં નોકરી કરતા હતા. બે મહિના પહેલા તેઓ રીટાયર્ડ થયા. આ ધનજીભાઈના દાદા સાંગાભાઈના ભાઈ દાનાભાઈ હકાબાપાના શિષ્ય હતા. દાનાભાઈના જીવનમાં બાપાની કૃપાથી રાણી છાપ રૂપિયાથી માટીના પાંચ મોટા ઘડા જે સાવ ખાલી હતા તે બાપાની કૃપાથી રાણી છાપ રૂપિયાથી છલોછલ ભરાઈ ગયેલા પરંતુ દાનાભાઈએ બે હાથ જોડીને હકાબાપાને કહેલુ કે બાપા મને મોહમાયામાં નાખો નહિં. મારે તો તમારી ભકિત કરવી છે અને એમ કહી દાનાભાઈએ બધા રૂપિયા બાપાના ચરણે ધરી દીધા હતા. દાનાબાપુની સમાધિ છે.

ભાડલા પાસે આવેલ ખડવાવડી ગામના બીજલભાઈ પરમાર પણ હકાબાપાના શિષ્ય હતા અને હકાબાપા જેવા સિદ્ધ પુરૂષ હતા. આ બિજલબાપાના શિષ્ય વિંછીયાવાળા આત્માનંદબાપાએ ભાડલા ગામમાં હકાબાપા આશ્રમ બનાવેલ છે. આત્માનંદબાપુ એકસો બે વર્ષ જીવ્યા હતા. ભાભર, હારીજ, પાટણ, કોલીવાડા, વારાહી, શિહોરી, જોટાણા, ડીસા, અમદાવાદ, વડોદરા, રાજકોટ, મુંબઈ અને બીજા અનેક નાના - મોટા ગામો અને શહેરોમાં આત્માનંદ બાપુના શિષ્યો છે અને તેઓ હકાબાપાના દર્શન કરવા ઝીંઝુડા આવે છે.

રાજકોટમાં ગોંડલ રોડ પર બોમ્બે હોટલ સામે આવેલ ગીતા ટેમ્પોવાળા જગદીશભાઈ કારીયાના ગુરૂ આત્માનંદ બાપુ છે. દર વર્ષે પોષ પદ અગીયારસના દિવસે હકાબાપાની પૂણ્યતિથિ ભારે ધૂમધામથી ઝીંઝુડામાં ઉજવવામાં આવે છે. એનો ખર્ચ જગીશભાઈ તરફથી હોય છે. પરંતુ આ વર્ષે રાજકોટના ધનજીભાઈ લુંભાણી પોતાના દાદા અને હકાબાપાના શિષ્ય દાનાબાપુની યાદમાં આ ઉત્સવનો તમામ ખર્ચ આપવાના છે.

ચોટીલા અને તેની આસપાસના વિસ્તારોમાં પંચાળના પીર હકાબાપાને લોકો પ્રેમથી 'હકડાપીર' તરીકે ઓળખે છે અને ઝીંઝુડામાં રોજ રોજ કોઈને કોઈ લોકો પોતાની માનતા પૂરી કરવા હકાબાપાના દર્શને આવે છે. વીરપુરના જલારામબાપાની જેમ ઝીંઝુડામાં હકાબાપાના પરચા અપરંપાર છે. વિશેષ માહિતી માટે મો. ૯૩૨૦૩ ૧૬૭૮૯ ઉપર ભાનુકુમાર મહેતા (આકાશવાણી પ્રોગ્રામ ઓફીસર)નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે

(3:52 pm IST)