Gujarati News

Gujarati News

News of Wednesday, 30th January 2019

સિવિલ હોસ્પિટલમાં સ્વાઇન ફલૂથી સોમનાથ (ગીર)ના વૃધ્ધનું મોતઃ કુલ મૃત્યુઆંક ૧૬

મુસ્લિમ વૃધ્ધને બે દિવસ સુધી ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાઇઃ બે લાખ જેવો ખર્ચ થયો, આજે સવારે સિવિલમાં ખસેડ્યા એ સાથે જ મોતઃ આ વર્ષમા ત્રણ શંકાસ્પદ મળી કુલ ૧૯ મોત

રાજકોટ તા. ૩૦:  સ્વાઇન ફલએ વધુ એક દર્દીનો જીવ લીધો છે. બે દિવસ સુધી ખાનગી હોસ્પિટલમાં સ્વાઇન ફલૂની સારવાર અપાયા બાદ આજે સવારે સોમનાથ વેરાવળના ૬૦ વર્ષના મુસ્લિમ વૃધ્ધને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ સારવાર ચાલુ થઇ એ સાથે જ દમ તોડી દીધો હતો.

ગઇકાલે  સ્વાઇન ફલૂના બે શંકાસ્પદ દર્દીના રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મૃત્યુ થયા હતાં. સોમનાથ વેરાવળમાં રહેતાં ૬૦ વર્ષના વૃધ્ધને ૧૭મીએ રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ફેફસાની તકલીફ સબબ દાખલ કરાયા હતાં. પરંતુ તેમને સ્વાઇન ફલૂ હોવાનો રિપોર્ટ આવતાં સઘન સારવાર ચાલુ કરવામાં આવી હતી. પરિવારજનોના કહેવા મુજબ અંદાજે બે લાખ જેવો ખર્ચ થઇ ગયો હોઇ હવે અમારી પાસે પૈસા ન હોઇ સિવિલ હોસ્પિટલમાં અમે અમારા સ્વજનને ટ્રાન્સફર કર્યા હતાં. પરંતુ અહિ પહોંચ્યા અને સારવાર ચાલુ થઇ ત્યાં જ દમ તોડી દીધો હતો.

ત્રણ શંકાસ્પદ મોત સાથે કુલ મૃત્યુ આંક ૧૯ થયો છે. આજના દિવસમાં સિવિલ તથા ખાનગી હોસ્પિટલમાં કુલ ૩૪ દર્દી સારવાર હેઠળ છે, આ તમામના રિપોર્ટ પોઝિટીવ જાહેર થયેલા છે. જેમાં રાજકોટ, ગોંડલ, ધોરાજી, ઉપલેટા, કોટડા સાંગાણી, જેતપુર, પોરબંદર, જુનાગઢ, ગીર સોમાનાથ, જામનગર સહિતના દર્દીઓ સારવાર હેઠળ છે. ગઇકાલે એક જ દિવસના ચાર નવા દર્દી સામે આવ્યા હતાં.

(3:46 pm IST)