Gujarati News

Gujarati News

News of Wednesday, 30th January 2019

તપસમ્રાટ પૂ.ગુરૂદેવ રતિલાલજી મ.સા.ની તા.૮ના રોજ ૨૧મી વાર્ષિક પુણ્યતિથિઃ તપસમ્રાટ તીર્થધામ મધ્યે પાવનોત્સવ તરીકે ઉજવાશે

ગાદીપતિ પૂ.ગિરીશમુનિ મ.સા.ના શિષ્ય પૂ.સુશાંતમુનિ અને રાષ્ટ્રસંત પૂ.નમ્રમુનિ મ.સા.તથા સતીવૃંદોની પાવન નિશ્રાઃ ચૌધરી હાઈસ્કુલથી સવારે ૬:૩૦ કલાકે ગુરૂભકિત દર્શન યાત્રા :દર્શન પદયાત્રીઓની અનુમોદનાર્થે સુવર્ણ- રજતની ગિની, માળા તથા કવરના લકકી ડ્રો તથા બહુમાન કવરઃ નવકારશી- ગુરૂપ્રસાદ તથા બસની વ્યવસ્થાઃ દરેક સંઘોમાં પાસ વિતરણ શરૃઃ જપ સાધના ત્રિરંગી સામાયિક સ્તવનો તથા નાટીકા વિવિધ કાર્યક્રમો

રાજકોટ,તા.૩૦: ગોંડલ ગચ્છાધિપતિ આચાર્ય પ્રવર નિદ્રાવિજેતા પૂ.શ્રી ડુંગરસિંહજી મ.સા.ના પ્રગટ પ્રભાવી યુગદ્રષ્ટા તપસ્વી પૂ.શ્રી જય- માણેક- પ્રાણ ગુરૂદેવના તપસ્વી શિષ્યરત્ન કે જેઓ એ શ્રમણ ભગવાન મહાવીરના જિન શાસનમાં આદર્શ અને અનુપમ સંયમ જીવન દરમ્યાન કઠોર અને ઉત્કૃષ્ટ ભાવ સાથે ૯૯૯ આયંબિલ ૧૯ વર્ષ એકાંતર ઉપવાસ ૧૯ વર્ષ પાણીનો ત્યાગ ૯ વર્ષ એકાંત મૌન સાધના અને ૯ વર્ષ મકાઈ સિવાય શેષ અનાજ ત્યાગી સાધના આરાધના કરીને 'તપસમ્રાટ'નું ઉચ્ચ બિરૂદ પ્રાપ્ત કરેલ છે એવા આપણા સૌના હૈયામાં વસેલા પ્રાતઃ સ્મરણીય અખંડ મૌનવ્રતધારી પરમશ્રધ્ધેય સદ્દગુરૂ ભગવંત તપસમ્રાટ પૂ.ગુરૂદેવશ્રી રતિલાલજી મ.સા.ની ૨૧મી વાર્ષિક પુણ્યતિથિના પાવનભિના અવસરે ગાદીપતિ પૂજય  શ્રી ગિરીશમુનિ મ.સા.ના શિષ્ય આત્મદિવાકર પૂ.સુશાંતમુનિ મ.સા., તપસમ્રાટ પૂ.ગુરૂદેવશ્રી રતિલાલજી મ.સા.ના કૃપાપાત્ર શિષ્ય રાષ્ટ્રસંત પૂ.નમ્રમુનિ મ.સા.એવમ્ સંપ્રદાય સાધ્વી સંયમ વરિષ્ઠ પૂ.ગુલાબબાઈ મ., વિશાળ પરિવાર ધારક પૂ.લીલમ ગુરૂણીના સુશિષ્યા એવં લઘુભગિની આદર્શ યોગિની પૂ.પ્રભાબાઈ મ. તથા રાજકોટમાં બિરાજતા સર્વે સાધ્વી રત્નાઓશ્રીની ઉપસ્થિતીમાં રતિગુરૂ ફાઉન્ડેશન આયોજિત બૃહદ રાજકોટના સંઘોના ઉપક્રમે તા.૮ ફેબ્રુઆરી શુક્રવારના તપસમ્રાટ તીર્થધામ સમાધી મધ્યે પાવનોત્સવ તપ જપની સાધના આરાધનાથી ઉજવાશે.

પાવનોત્સવ ઉપલક્ષે તા.૮ને શુક્રવારના સવારે ૬:૩૦ કલાકે ચૌધરી હાઈસ્કુલના પટાંગણથી તપસ્વી અમર રહોના દિવ્ય નાદ સાથે દર્શન પદયાત્રા શરૂ થશે જે હોસ્પિટલ ચોક કેસરી હિંદ પુલ ગ્રીન લેન્ડ ચોકડી થઈ સાત હનુમાન સામે મહાનગર રાજકોટની ભાગોળે આવેલ પાવન અને પવિત્ર તીર્થધામ સમાધી મધ્યે પહોંચશે. આ પદયાત્રામાં જોડાશે તેઓ માટે જ આ રૂટમાં આવતા ગમે તે સ્થળે ૯ સુવર્ણ ગિની માતુશ્રી અનસુયાબેન નટુભાઈ શેઠ પરિવાર, ૯ રજતની ગિની માતુશ્રી વિજયાબેન માણેકચંદ શેઠ પરિવાર અને ૯ રૂદ્રાક્ષની માળા પારસ- પાવન- પરમધામ પ્રેરિત લક્કી ડ્રોનું કાર્ડ અને બહુમાનનું કવર તથા પલ્લવીબેન ભરતભાઈ લાખાણી તરફથી દુધ- ચા- કોફી આપવામાં આવશે. પદયાત્રીઓ સાયકલ કે અન્ય વાહન સાથે રાખી પદયાત્રામાં જોડાશે. તેઓને બહુમાન કવર તથા લકકી ડ્રો નો પાસ આપવામાં આવશે નહીં.

ગુજરાતરત્ન પૂ.સુશાંતમુનિ મ.સા., દીક્ષા દાનેશ્વરી પૂ.નમ્રમુનિ મ.સા. તથા પૂ.મહાસતીજી વૃંદના શ્રીમુખેથી વિવિધ રાગોમાં ''  તપસ્વી ગુરૂ શરણં મમ I સકલ વિધ્ન હરણં મમ II''ની સામૂહિક જપ સાધના થશે તથા વિવિધ કાર્યક્રમોનું આયોજન રાખેલ છે.

આ વર્ષે ગુરૂભકતો માટે નવકારશી ગુરૂપ્રાસદના પાસની વ્યવસ્થા ત્રણ પ્રકારની રહેશે જેમાં (૧) જેઓ તીર્થધામ સમાધીએ બસમાં આવવાના તેઓ માટેના બસના પાસ, (૨) માત્ર ને માત્ર પદયાત્રા દ્વારા આવવાના છે તે પદયાત્રીઓના પાસ, (૩) જે ભકતો બસમાં અથવા પદયાત્રા દ્વારા ન આવતા પોતાના વાહનમાં તીર્થધામ પહોંચવાના છે. તેઓને પાસ તીર્થધામ સમાધીથી સવારના ૮ થી ૯:૩૦ સુધીમાં મળી જશે. પદયાત્રીઓના તથા બસના પાસ એમ અલગ અલગ બંને પાસ રાજકોટના તમામ સંઘોમાં મોકલી આપવામાં આવેલ છે જે તા.૩૦ બુધવારથી તા.૬ બુધવાર સુધીમાં મળશે. બસમાં આવનાર ભાવિક ભકતોએ શુક્રવાર તા.૮ના સવારે ૭ કલાકે પીકઅપ પોઈન્ટ ઉપર આવી જવાનું છે. બસ કર્યા પોઈન્ટ ઉપરથી મળશે. તેનો કાગળ પણ પાસની સાથે દરેક સંઘોમાં મોકલાવેલ છે.

વિશેષ માહિતી તથા પાસ માટે ચંદ્રકાન્તભાઈ શેઠ (મો.૯૪૨૪૦ ૪૩૭૬૯), ડોલરભાઈ કોઠારી (મો.૯૮૨૫૩ ૧૭૩૩૩), નટુભાઈ શેઠ (મો.૯૩૭૭૭ ૭૨૩૭૨) તથા વાહનની વ્યવસ્થા માટે મયુરભાઈ શાહ (મો.૯૩૭૪૧ ૦૦૦૭૫), વિમલભાઈ શેઠ (મો.૯૮૨૪૪ ૮૩૨૪૬)નો સંપર્ક કરવા રતિગુરૂ ફાઉન્ડેશનની યાદી જણાવે છે.

(3:42 pm IST)