Gujarati News

Gujarati News

News of Wednesday, 30th January 2019

વોકહાર્ટ હોસ્પીટલમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી

 રાજકોટ એન. એમ. વિરાણી વોકહાર્ટ હોસ્પિટલ રાષ્ટ્રના તમામ અવસરોને અંતરથી ઉમળકાભેર ઉજવતી રહે છે. ર૬ જાન્યુ. સવારે હોસ્પિટલનાં પ્રાંગણમાં ૭૦ મા પ્રજાસત્તાક દિનની ઉજવણીના ભાગરૂપે ધ્વજવંદનનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. રામકૃષ્ણ આશ્રમના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ ઉગતા સૂર્યના સોનેરી કિરણોની આભા વચ્ચે રાષ્ટ્રના તીરંગા ધ્વજને ફરકાવ્યો હતો. રાષ્ટ્રીય ગાન વચ્ચે સલામી આપી હતી. આ પ્રસંગે સ્વામી શ્રી નિખિલેશ્વરાનંદજીએ તેમના પ્રાસંગિક પ્રવચનમાં જણાવેલ હતું કે સ્વાધિનતા પછી આપણે ઘણા આગળ નીકળી ગયા છીએ અને હજુ ઘણુ આગળ વધવાનું છે. સ્વામી વિવેકાનંદે વિદેશથી પાછા ફરી આપણને એક મંત્ર આપેલ હતો. 'ઉઠો, જાગો અને લક્ષ્ય પ્રાપ્તી સુધી મંડયા રહો.' આ લક્ષ્ય  રાખ્યુ હતું કે ભારત વિશ્વ પર પોતાની આધ્યાત્મીક સંસ્કૃતિ દ્વારા વિજય પ્રાપ્ત કરશે. આપણે જેટલો પરિશ્રમ કરીશુ એટલો આપણો દેશ આગળ વધશે. જેમ સરહદ ઉપર આપણા સૈનિકો પોતાની ફરજ બજાવે છે તેમ દર્દીઓ અને ગરીબોની સેવા કરીને આપણે પણ દેશ પ્રત્યેની આપણી ફરજ બજાવીશું. કાર્યક્રમના પ્રારંભે વિભૂતિ રાજયગુરૂએ મુખ્ય મહેમાન સ્વામી શ્રી નિખિલેશ્વરાનંદજીનો પરિચય આપેલ હતો. સેન્ટર હેડ ડો. જગદીશ ખોયાણીએ સ્વામી નિખિલેશ્વરાનંદજીનું મોમેન્ટો અર્પણ કરી અભિવાદન કરેલ હતું. હોસ્પિટલના સેન્ટર હેડ ડો. જગદીશ ખોયાણીએ તેમના પ્રાસંગીક પ્રવચનમાં જણાવેલ હતું કે દેશને પરમ વૈભવના શિખરે પહોંચાડવા આપણે સૌ સદાય તત્પર રહીએ અને આપણે સૌને જે ફરજ બજાવવાની આવી છે તે જે પણ સ્થળે હોય ત્યાં નિષ્ઠાપૂર્વક બજાવી દેશના વિકાસ માટે હંમેશા જાગૃત રહીએ. કાર્યક્રમમાં હોસ્પિટલના વરિષ્ઠ, તબીબો, મીડીયા એન્ડ પીઆર કન્સલ્ટન્ટ મનહરભાઇ મજીઠીયા, હોસ્પિટલના એચ. આર. વિભાગના અધિકારીઓ, ફ્રન્ટ ઓફીસ સ્ટાફ, નર્સીંગ સ્ટાફ, સિકયોરીટી ગાર્ડસ વગેરે જોડાયેલ હતાં. કાર્યક્રમનું સફળ આયોજન એચઆર વિભાગની ટીમે કરેલ હતું. (પ-૩૩)

(3:27 pm IST)