Gujarati News

Gujarati News

News of Wednesday, 30th January 2019

રાજકોટ જિલ્લા પંચાયતમાં ઉથલપાથલ માટે ફરી પ્રયાસઃ અવિશ્વાસ દરખાસ્ત માટે સહી ઝુંબેશ

કોંગ્રેસનું શાસન સમાપ્ત કરવા ભાજપ પ્રેરીત હિલચાલઃ આજ સુધીમાં ૨૦ સહીઓ થઈ ગયાનો દાવોઃ ખાટરિયા જુથ કહે છે પ્રમુખ ચૂંટાયાના પ્રથમ એક વર્ષ સુધી અવિશ્વાસ દરખાસ્ત મુકી શકાય નહિ

રાજકોટ, તા. ૩૦ :. જિલ્લા પંચાયતમાં નવા નાણાકીય વર્ષનું બજેટે હેમખેમ પાર પડી ગયું છે પરંતુ શાસક કોંગ્રેસ પરના રાજકીય સંકટની સંભાવના ટળી નથી. પ્રમુખ અલ્પાબેન ખાટરિયા અને ઉપપ્રમુખ સુભાષ માકડિયા સામે અવિશ્વાસ દરખાસ્ત મુકવા ભાજપ પ્રેરીત અસંતુષ્ટોએ વધુ એક વખત પ્રયાસ શરૂ કર્યા છે. સભ્યોની સહી ઝુંબેશ શરૂ થયાના વાવડ છે. જો કે પ્રમુખ-ઉપપ્રમુખ ચુંટાયા પછીના ૧ વર્ષ સુધી અવિશ્વાસ દરખાસ્ત મુકી શકાય નહી તેવો પોતાને કાનુની અભિપ્રાય મળ્યાનું ખાટરિયા જુથનું કહેવું છે. ખાટરિયા જુથે પુર્વ સાવચેતીના પગલારૂપે વળતી રાજકીય વ્યુહ રચના વિચારી છે. ભાજપ પ્રેરીત ઝુંબેશના સંચાલકોએ સભ્યોને ખેંચવા માટે નાણાની કોથળીઓ ખુલ્લી મુકયાની ચર્ચા શરૂ થઇ છે. આજે સવાર સુધીમાં ૨૦ સભ્યોની સહી થઈ ગયાનો ભાજપ પ્રેરીત બાગીઓનો દાવો છે.

જિલ્લા પંચાયતમાં કુલ ૩૬ પૈકી ભાજપના ર અને કોંગ્રેસના ૩૪ સભ્યો ચુંટાયેલા . ગયા જુલાઇમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગર ખાતે સંમેલનમાં જાહેરમાં એવું કહેલ કે રાજકોટ જિલ્લા પંચાયતમાં આપણા  બે જ સભ્યો ચુંટાયેલા છે છતાં બેમાંથી એક ટુંક સમયમાં (ધ્રુપદબા અને સોનલ શિંગાળા ચુંટાયેલા છેે) પ્રમુખ બનશે. કોઇ પણ કારણસર મુખ્યમંત્રીની આગાહી આજ સુધી સાચી નહિ પડી શકતા ભાજપના કેટલાક આગેવાનોએ આગાહી સાચી પાડવા નવેસરથી હિલચાલ શરૂ કરી છે.

જસદણની પેટા ચુંટણી વખતે કુંવરજીભાઇ જુથના ૬ સભ્યો ભાજપમાં જોડાયેલા હાલ ભાજપનું સંખ્યાબળ ૮ સભ્યોનું છે. કારોબારીના સભ્યો અને અન્યો અમુક મળી આંકડો ૧૪ આસપાસ પહોંચે છે. અવિશ્વાસ દરખાસ્ત મુકવા માટે ઓછામાં ઓછા ૧ર સભ્યો અને પસાર કરાવવા માટે ર૪ કે તેથી વધુ સભ્યોના સમર્થનની જરૂર રહે છે. હાલ જિલ્લા પંચાયત સાથે સંકળાયેલા ભાજપના એક પાટીદાર આગેવાન તેમજ પંંચાયતમાં રાજકીય તોડફોડની પ્રવૃતી માટે જાણીતી જોડીએ સંચાલન સંભાળ્યું છે. છેલ્લા બે-ત્રણ દિવસમાં અવિશ્વાસ દરખાસ્ત માટે સહીઓ લેવામાં આવી રહી છે.  ભાજપના કબજામાં મનાતા ૧૪ સભ્યો ઉપરાંત વધારાના ૧૦ સભ્યો ખેડવવા માટે ઝુંબેશના સંચાલકો આકર્ષક ઓફર સાથે ફરી રહયા છે. ર૪ સભ્યોનું સમર્થન હોવાની ખાતરી થાય એટલે તુરત અવિશ્વાસ દરખાસ્ત રજુ કરવાની તૈયારી છે.

અવિશ્વાસ દરખાસ્ત મળ્યા બાદ પ્રમુખે ૧પ દિવસમાં સામાન્ય સભા બોલાવવાની હોય છે. જો ન બાલાવે તો મામલો વિકાસ કમિશનરમાં પહોંચે છે. પક્ષાંતર ધારાનો કેસ નામોનિર્દેશ અધિકારી સમક્ષ ચાલે છે. અસંતુષ્ટોએ અચાનક સહી ઝુંબેશ શરૂ કરતા પંચાયતમાં નવેસરથી રાજકીય અને કાનુની લડત શરૂ થાય તેવી શકયતા છે ભુતકાળમાં શાસન પરિવર્તન માટે નિષ્ફળ રહેલ ભાજપ પ્રેરીત અસંતુષ્ટોને આ વખતે સહી ઝુંબેશ ફળે છે કે ઝુંબેશનું બાળમરણ થઇ જાય છે? તે ટુંક સમયમાં સ્પષ્ટ થઇ જશે.(૨-૬)

 

(10:30 am IST)