Gujarati News

Gujarati News

News of Wednesday, 30th January 2019

રાજકોટ-જામનગરના અનેક હાર્ડવેરના વેપારીઓ સાથે કરોડોની ઠગાઇમાં ગઠીયો સીલીગુડીથી સકંજામાં આવ્યો

અટીકાના હાર્ડવેરના ધંધાર્થી રાજદિપ ખુંટ સાથે મુળ ઘોઘાવદરના રિતુલ ખુંટનું નામ ધારણ કરી ૫II લાખની ઠગાઇનો ગુનો નોંધાયા બાદ તપાસમાં ક્રાઇમ બ્રાંચને મહત્વની કડી મળીઃ ગઠીયો હાથવેંતમાં

રાજકોટ તા. ૨૮: અટીકા સાઉથ વિસ્તાર રજત સોસાયટી-૫માં રહેતાં અને થોરાળાના શ્રી હરિ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં સ્ટીલ હાર્ડવેર મેન્યુફેકચરીંગ તથા ટ્રેડિંગનો ધંધો કરતાં રાજદિપ પ્રફુલભાઇ ખુંટ (ઉ.૨૨) નામના પટેલ યુવાન સાથે ગોંડલના ઘોઘાવદરના રિતુલ ઉર્ફ રાજેશ રમેશભાઇ ધડુક નામના શખ્સે ઓનલાઇન માલનો સોદો કરી પાછળથી પૈસા ન આપી રૂ. ૫,૫૨,૯૫૯ની ઠગાઇ કરતાં ફરિયાદ થોરાળા પોલીસમાં નોંધાવાઇ હતી. આ ગુનામાં અગાઉ અનેક વખત આ રીતે ઠગાઇ કરી ચુકેલો ગઠીયો સંડોવાયો હોવાની માહિતી ક્રાઇમ બ્રાંચને હાથ લાગતાં તેના આધારે તપાસનો દોર આગળ વધારી નેપાળ સિલીગુડીથી ગઠીયાને સકંજામાં લેવાયો છે. આ ગઠીયાએ રાજકોટ, જામનગર સહિતના ડઝનથી વધુ હાર્ડવેરના વેપારીઓ સાથે કરોડોની ઠગાઇ કર્યાનું બહાર આવી રહ્યું છે.

થોરાળા પોલીસે રાજદિપ ખુંટની ફરિયાદ પરથી રિતુલ ઉર્ફ રાજેશ સામે આઇપીસી ૪૦૬, ૪૨૦, ૪૦૯ મુજબ ગુનો નોંધ્યો છે. રાજદિપ ખુંટે ઇન્ડિયા માર્ટ એપ્લિકેશનમાં ઓનલાઇન પોતાની પ્રોડકટની માહિતી મુકી હોઇ તેના દ્વારા રિતુલે કોન્ટેકટ કરી હાર્ડવેરનો માલ ખરીદવા માટે પોતે વેપારી છે તેવી ઓળખ આપી હતી અને માલનો સોલદો કરી આ માલ કાર્ગો મૂવર્સ મારફત મોકલી આપવા તેમજ પોતે તેનું એડવાન્સમાં પેમેન્ટ ઓનલાઇન રાજદિપ ખુંટના ખાતામાં ટ્રાન્સફર કરી દેશે તેવો વિશ્વાસ આપ્યો હતો. તે મુજબ ટ્રાન્જેકશન નંબરનો મેસેજ મળતાં રાજદિપ ખુંટે માલ મોકલી આપ્યા બાદ રિતુલે આ માલ બારોબાર અમદાવાદથી છોડાવી લીધો હતો અને બાદમાં પૈસા ન મોકલી તેમજ તમારો માલ ચાલે તેમ નથી તેમ કહી પોતેમાલ પાછો મોકલશે તેવું જણાવી બાદમાં માલ પણ ન મોકલી અને રૂપિયા પણ ન ચુકવી ઠગાઇ કર્યાનું ફરિયાદમાં જણાવાતાં થોરાળાના ઇન્ચાર્જ પી.આઇ. આર. એમ. કોટવાલે તપાસ હાથ ધરી હતી.

બીજી તરફ આ વેપારી તેમજ રાજકોટના બીજા હાર્ડવેરના વેપારીઓ અને જામનગરના વેપારીઓ સાથે પણ આ રીતે ઓનલાઇન કરોડોની ઠગાઇ થઇ હતી. આ ઠગાઇમાં એક જ શખ્સની સંડોવણી હોવાની માહિતી ક્રાઇમ બ્રાંચને મળતાં ચોક્કસ બાતમી પરથી સિલીગુડીના એક શખ્સને ઉઠાવી લઇ પુછતાછ હાથ ધરવામાં આવી છે. લાખોનો મુદ્દામાલ પણ પોલીસને મળવાની આશા છે. વિસ્તૃત તપાસ બાદ પોલીસ વિગતો જાહેર કરશે. (૧૪.૧૪)

(3:28 pm IST)