Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

રેલ્વે સ્ટેશન સામે ભાટીયા બોર્ડીંગ પાછળ આવેલ રેલ્વે કોલોનીનો કાયાકલ્પ જરૂરી

સ્માર્ટ સીટીને ન શોભે તેવી ગંદકીથી ખદબદે છે વિસ્તાર

રાજકોટ, તા. ૩૦ : ગઇકાલે રાજકોટ આવેલ રેલ્વેના જનરલ મેનેજરે રેલ્વે સ્ટેશનની કાળજી રાખવા સહિતની બાબતોની સમીક્ષા કરી હતી, પરંતુ તેમણે રેલ્વે સ્ટેશન સામે ભાટીયા બોર્ડીંગની પાછળ આવેલ રેલ્વે કોલોની તરફ દુર્લક્ષ સેવતા એ વિસ્તારમાં રહેતા લોકો અને કવાટર્સમાં રહેનારા લોકોમાં રોષની લાગણી ફેલાઇ છે.

રેલ્વે કોલોની અનેક પ્રકારની સમસ્યાઓથી પીડીત છે જેને તત્કાલ સારવારની જરૂર છે. આ વિસ્તારમાં રહેતા લોકોના જણાવ્યા મુજબ સ્માર્ટ સીટીને શોભે નહીં તેવી અપાર ગંદકી, મચ્છરના ઝુંડ, રખળતા ઢોર અને કુતરાઓનો ત્રાસ જોવા મળી રહ્યો છે. એટલુ જ નહીં અનેક કવાટર્સનો ગેરકાયદે કબ્જો પણ હોવાનું લોકોનું કહેવું છે અનેક કવાટર્સ જર્જરીત હાલતમાં અને બંધ હાલતમાં હોવાથી ત્યાં રાત્રીના ગેરકાયદેસર પ્રવૃતિ થતી હોવાનું પણ લોકોનું કહેવું છે.

રેલ્વેની ગાડી પાટા ઉપર લાવવા પ્રયાસો કરી રહેલા જનરલ મેનેજરે રેલ્વે કોલોની, કવાર્ટર તરફ તત્કાલ ધ્યાન આપવું જોઇએ તેવી માંગણી પણ આ વિસ્તારમાં રહેતા લોકોમાં ઉઠી છે. ભયંકર ત્રાસ વર્તાવતી આ કોલોનીનો કાં તો કાયાકલ્પ કરવાની જરૂર છે અથવા તો તે પાડી ત્યાં નવુ રીનોવેશન કરવાની જરૂર છે. (૮.૧પ)

(4:35 pm IST)