Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

રાજકોટની સરકારી કેન્સર હોસ્પિટલમાં અનેક સુવિધાઓનો ઉમેરો : સૌરાષ્ટ્રના દર્દીઓ માટે રાહત

છેવાડાના માનવી સુધી લોકકલ્યાણની યોજનાઓના લાભ પહોંડવાના સરકારના પ્રયાસોને બિરદાવતા મનીષ રાડીયા અને જયંત ઠાકર

રાજકોટ તા. ૩૦ : તાજેતરમાં સૌરાષ્ટ્રના પાટનગરમાં રાજકોટમાં સૌથી મોટી પીડીયુ સીવીલ હોસ્પિટલ સંચાલિત સીવીલ અધિક્ષક ડો. મનીષભાઇ મહેતા, ડો. મીનાબેન શાહના માર્ગદર્શન હેઠળ સૌરાષ્ટા્ર કેન્સર કેર એન્ડ રીસર્ચ ઇન્સ્ટીટયુટ ઓ.પી.ડી. એન્ડ ડે-કેર સેન્ટરનો પ્રારંભ થયો છે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી તેમજ નાયબ મુખ્યમંત્રીશ્રી નિતિનભાઇ પટેલના નેતૃત્વમાં છેવાડાના માનવી સુધી આવી આરોગ્યલક્ષી સુવિધા તેમજ લોકકલ્યાણકારી યોજનાઓના લાભ પહોંચતા કરવાના સફળ પ્રયાસોને પીડીયુ સીવીલ હોસ્પિટેલ તેમજ મેડીકલ કોલેજના કાઉન્સેલર જયંત ઠાકર અને મ્યુ. આરોગ્ય સમિતિના ચેરમેન મનીષ રાડીયાએ યથાયોગ્ય ગણાવી બિરદાવેલ છે.

તેમણે હોસ્પિટલમાં ઉમેરાયેલ સુવિધા વર્ણવતા જણાવ્યું છે કે રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર બી. ટી. સવાણી કીડની હોસ્પિટલની સામે કોર્નર પર પ્રારંભ થયેલ આ કેન્સર હોસ્પિટલમાં સ્ત્રી અને પુરૂષના શરીરના કોઇપણ ભાગના કેન્સરનું નિદાન જેવા કે સ્તન, ગર્ભાશય, ગર્ભાશયના મુખનું કેન્સર, આંતરડા, મળાશય, જનેન્દ્રીયનું કેન્સર, કાન-નાક ગળાનું કેન્સર, મોં, ગલોફા, ફેફસા, અન્નનળીનું કેન્સર, ગાંઠમાંથી પ્રવાહી ખેંચીને કેન્સરનું નિદાન (સાયટોલોજી), શરીરનાં ભાગની કટકી લઇને કેન્સરનું નિદાન (બાયોપ્સી), એકસ-રે, સોનોગ્રાફી, મેમોગ્રાફી, લોહી-પેશાબની તપાસ તદન નિઃશુલ્ક કરવામાં આવે છે.

અહીં કેન્સરની દવાઓ સારવાર (કીમોથેરાપી) પણ ઉપલબ્ધ છે. કેન્સરના દર્દીઓના કીમોથેરાપી વોર્ડ, કેન્સર ઓ.પી.ડી., મેડીકલ ઓ.પી.ડી., સર્જીકલ ઓ.પી.ડી., ગાયનેક ઓ.પી.ડી., કાન, નાક, ગળાની ઓપીડી, લેબોરેટરી (કલેકશન સેન્ટર), માઇનોર ઓપરેશન થીએટર, દવાઓ બીલકુલ નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

આગામી સમયમાં રેડીયોલોજી સેવા પણ મશીન આવ્યા બાદ શરૂ કરાશે. સોમથી શની સવારે ૯ થી ૧ ઓ.પી.ડી. કાર્યરત હોય છે. આશરે પપ કરોડના ખર્ચે હાલ (સેલર એન્ડ ગ્રાઉન્ડ ફલોર) નું બાંધકામ થયુ છે. ભવિષ્યમાં પહેલા અને બીજા ફલોરનું બાંધકામ પણ શરૂ કરાશે તેમ હોસ્પિટલ સતાવાહકોએ આપેલ વિગતોના આધારે જયંત ઠાકર (મો.૯૮૨૪૮ ૨૬૭૨૮) અને મનીષભાઇ રાદડીયા (મો.૯૮૨૪૫ ૮૧૯૯૯) એ જણાવેલ છે. (૧૬.૧)

(2:36 pm IST)