Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

પુસ્તક પરિચય : ધન્વી-માહી

આપણા ગાંધીબાપુ

સમગ્ર પુસ્તક ગાંધીજીના વ્યકિતત્વ, જીવનદર્શન માનવસેવા, દેશપ્રેમઃ રાષ્ટ્રીય એકતાનું દર્શન છે. રામમંત્ર સત્યશોધનની ઝંખનામાંથી પૂજય બાપુએ સિધ્ધ કર્યો છે. ભયનો અંધકાર પીડે તો પણ રામ નહિ છોડુંએ સત્ય એના રામ-ચરણની ઝંખનાનું નિદર્શન છે.

 

મૃત્યુઃ પ્રાર્થના પહેલાં આ લુઈ ફિશરના ઘટના- નિરૂપણ પૃષ્ટ- ૧૨૭ પ્રમાણે પૂ.ગાંધીજીના જીવન- ક્રમ- દર્શનને અજવાળની, મૃત્યુ-સંપન્ન ઘટનાનો આલેખ છે. રામ-નામ-મંત્રના રટણમાંથી એમની પ્રત્યેક ક્ષણ જીવન-કાર્ય-કર્મની છે. એમ બેરિસ્ટર, વકીલાત, આફ્રિકા- ગમનને માનવ- રાષ્ટ્રને ગુલામીમાંથી મુકત કરવાની કાર્યપધ્ધતિ 'આપણા ગાંધીબાપુ' પુસ્તકમાં છે.

આશ્રમજીવન સાદુ સરળ અને નિષ્કપટવૃત્તિના સમુચ્ચયમાંથી પૂ.બાપુએ અંગ્રેજસત્તા સામે લડત આપી અને માનવ ચૈતન્યને ઢંઢોળ્યું. પ્રજાને અભય- દર્શન કારકિર્દીના ઘડતરમાં ત્યાગવૃત્તિનો મહિમા સિધ્ધ કર્યો. નિદંર્ભ સત્યાગ્રહી અહિંસક વૃતિ પૂ.બાપુની કર્મઠ જીવનલીલા છે. રામરટણ મંત્રની ગુંજના છે. મૃત્યુ સમયે પણ ''હૈ રામ'' શબ્દ વૈશ્વિક ચૈતન્યને સમર્પિત કર્યો. 

ગાંધીજીમાં સચ્ચાઈ, દયા, ત્યાગ, વિનય, સેવાવૃતિને અહિંસાયુકત વ્યવહાર છે. આનું પ્રતિબિંબ પુસ્તક અને લેખકો દ્વારા થયું છે. મુકુલ કલાર્થી, કાકા કાલેલકર, જયંત કોઠારી, પ્રભુદાસ ગાંધી, ગોપાલ કૃષ્ણ ગોખલે, ઉમાશંકર જોશી, જુગતરામ દવે, ઝીણાંભાઈ દેસાઈ- સ્નેહરશ્મિ, પ્યારેલાલ નટવર, જવાહરલાલ નહેરૂ, રા.વિ.પાઠક, મનુભાઈ પંચોળી, નગીનદાસ પારેખ, બંદ્યોપાધ્યાય, શંકરલાલ બેંકર, વિનોબા ભાવે, મહેન્દ્ર મેઘાણી, અમૃતલાલ વેગડ, છગનલાલ જોશી, ધીરુભાઈ ઠાકર, રવીન્દ્રનાથ ઠાકુર, મહાદેવ દેસાઈ, રા.વિ.પાઠક, રાવજી મ.પટેલ, બળવંતસિંહ, શાહનવાઝખાં, જોન કિશ્વિયન સ્મટ્સ, પરિક્ષિતલાલ મજમુદાર, પુ.લ.દેશપાંડે, નરહરિ પરીખ, બ્રજકૃષ્ણ ચાંદીવાલા, મનુબહેન ગાંધી, રાજેન્દ્ર પ્રસાદ, રામનારાયણ ચૌધરી, સુરેશ હ. જોશી આ સર્વ લેખકોએ ગાંધીજીના જીવનકાર્યની, અહિંસક વૃત્તિની, સત્યપ્રિયતાની એમની મુત્સદ્દીગિરીની તેમજ અસ્પૃશ્યતાની ભાવના- સંબંધી તલસ્પર્શી વિચારણાં રજૂ કરી છે.

'આપણા ગાંધીબાપુ'માં સમગ્રતયા ગાંધીજીવન દર્શનનો વ્યાપ છે. એમાં સત્યાગ્રહ, તેના અમલીકરણ અને ત્યાગભાવનાનો પૂર્ણ શ્રદ્ધેય પુરૂષાર્થ પૂ.બાપુના જીવનની પરિશ્રમ- કથા છે.

''જીવનનું પરોઢ''- પ્રભુદાસ ગાંધીએ લખ્યુંને તેમાં ''ફિનિકસને આંગણે''- આ પ્રકરણમાં ગાંધીજીનો પહેરવેશ એમની પ્રસન્નતા વેરતી ચાલક વેધક દૃષ્ટિનું ચિત્ર હૂબહુ છે. ગાંધીની દેહ- પહેરવેશની પ્રતીતિનું ચિત્રણ તપાસો

''બાપુ આવ્યા ટોલ્સ્ટોયવાડીનો આખો કબીલો લઈને આવ્યા. બાપુજીએ બાંડિયું પહેરણ પહેર્યું હતું અને પાટલૂન સારી પેઠે નીચેથી વાળી લીધું હતું. લાંબે ડગલે ઝપાટાભેર સૈલે ઝોખરે તેઓ પ્રસન્નતા વેરતા ચાલ્યા આવતા હતા એમની પાછળ ત્રણ-ત્રણ- ચાર-ચારની ટોળીમાં નાનાને મોટા કદના ફાર્મવાસીઓ તણાયે આવતા હતા.'' આ સમગ્ર વર્ણનમાં ગાંધીજીના ચૂંબકીય વ્યકિતત્વનું દર્શન થાય છે. એ સાચા અર્થમાં લોકનાયક, લોકનેતા પર દુઃખ ભંજન વૃતિના માનવી છે તેનો પ્રતીતિજન્ય ચિતાર પ્રભુદાસ ગાંધીએ આપ્યો છે.

ગાંધીજીએ જે સમજપૂર્વક આવ્યાં તેમને ઉષ્માપૂર્ણહૂંફ અને નેતૃત્વ આપ્યાં છે. સાદું જીવન, સરળ હૈયુંને તીવ્ર બૌધ્ધિક માનસ એમના કર્મઠ જીવનનો આલેખ છે. પ્રવચનો પણ લોકમાનસને સ્પર્શી જાય તેવા છે. સત્યપાલન અને રાજનીતિ એક જ ત્રાજવેને એક જ તોલમાપક સત્યના પલ્લીમાં એમણે તોળ્યાં. બા-બાપુની અન્યોન્યની પ્રેરક વફાદારી એમના જીવન દર્શન અને સ્વચ્છ ચારિત્ર્યની શ્વેત ચદૃર છે. આ ચાદરને ડાઘ-ડૂઘી વગરની રાખી. નિષ્કામ પ્રેમ, વફાદારી, આચારનિષ્ઠ પવિત્ર કર્મ ગૃહસ્થ કર્મીઓએ કઈ રીતુે સિધ્ધ કરવા તે બા-બાપુએ આચરી બતાવ્યું.

''હિમાલયન બ્લંડર'' - હિમાલય જેવડી ભૂલ કરીને ચોરાચોરીનું આંદોલન ૧૯૧૯ આસપાસ સમેટીને ગાંધીએ સત્યદર્શન મંત્ર ફલીભૂત કર્યો. ત્યારે ગાંધીજી પરિપકવ બૌદ્ધિક નેતા પુરવાર થયા. રામનારાયણ વિ. પાઠક ગાંધીજીને વિરોધી બળોનો સમન્વય કહે છે. જુઓ પૃ. ૧૨૪ ''તેમના આત્મગહનમાંથી સ્ફુરતા બળો કુદરત જેવા ગૂઢ છે, અકળ છે, અમેય છે, અપ્રતિરૂદ્ધ છે.''પૂ. બાપુએ ''કવીટ ઈન્ડિયા'' લડત વખતે બે જ શબ્દો - મંત્રરૂપે ઝીણા અવાજે દૃઢ ઝીણા અવાજે કહ્યા અને ભારત - હિન્દુસ્તાન ખળભળીને હિલોળે - આઝાદી માટે તલપાપડ થયુ - આંદોલનો થયા.

મો. ક. ગાંધીએ નોંધરૂપે લખ્યુ એમાં એમની દૃષ્ટિ કવિતા - દર્શન - ભાવમય શબ્દ પરખ છે :

બાકી આશ્વાસન મળે છે, ગુરૂદેવના ''એકલા ચલો''ના ભજનમાં, અને પેલા ''થાકે ન થાકે છતાંયે માનવી ન લેજે વિસામો (-ભજનમાં મો. ક. ગાંધી)

જીવનના છેલ્લા દિવસોમાં બિરલા હાઉસની પ્રાર્થનાઓ ભજનચિંતન, અધ્યાત્મ દર્શન 'હરિજનબંધુ''ના અંકોમાં પ્રસિદ્ધ થયુ. તેમાં પૂ. બાપુનું આત્મમંથન છે. તે આજે પણ પ્રેરક છે.

ગાંધીજી પાસે સમય છે, આપણી પાસે નથી, આ સમગ્ર કથનને છગનલાલ જોષી ૧૯૨૦થી ૧૯૩૪ના અંતેવાસી તરીકે સદૃષ્ટાંતરૂપ ઘટનાઓના પ્રત્યક્ષીકરણથી સમજાવે છે.

રામમય જીવન - સાધનાનો પડઘો ભારતની સ્વતંત્રતામાં છે. ભાગલાની વ્યથાજન્ય પરિસ્થિતિ અને બાપુનું બલિદાન આ સમય પ્રક્રિયા માનવજાતને આત્મનિરીક્ષણરૂપ ઘટના પ્રદર્શન છે.

''આપણા ગાંધીબાપુ'' - પુસ્તક પ્રકાશન, લેખસંપાદન - ગાંધીજીના દર્શન, ચિંતન અને જીવન સાધનાનું દસ્તાવેજીરૂપ છે. સંપાદક મહેન્દ્ર મેઘાણી અને ગુર્જર પ્રકાશનને લેખ - સમૃદ્ધિના ચયનશ્રમને અભિનંદન.

ગૂર્જર પ્રકાશન, પ્રાપ્તિ-સ્થાનઃ ગુર્જર સાહિત્ય ભવન, રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧ કિંમત રૂ.૧૫૦

સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી

સમીક્ષક- ડો. હિમાંશુ ભટ્ટ

ફોન. (૦૨૮૧)૨૪૭૩૧૬૯, મો.૯૭૨૫૧ ૦૦૦૨૦

(2:35 pm IST)