Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

ગૂમ થયેલા બે ભાઇ મુંબઇ પહોંચ્યા'તાઃ ભણવું નહોતું ગમતું,ટિકીટ વગર ટ્રેનમાં બેસી ગયા'તા

સહકાર સોસાયટીનો ૧૨ વર્ષનો ઋષિકેશ ૧૧ વર્ષના નાના ભાઇ દર્શનને લઇને જાતે જ નીકળી ગયો'તોઃ ભણવા માટે ઠપકો મળતો હોઇ ગમતું નહોતું: ઋષીકેશ ભણવામાં નબળો હતોઃ અવારનવાર શાળામાંથી ફરિયાદ આવતીઃ પરમ દિવસે મુંબઇ રહેતાં દાદી સાથે તેણે ફોનમાં વાત કરી'તીઃ માલવીયાનગર પોલીસે સગીર ગુમ થવાના કિસ્સામાં તાકીદે અપહરણનો ગુનો નોંધી ટીમ મુંબઇ દોડાવી ને બંને મળી ગયાઃ ઋષિકેશ અને દર્શનનો કબ્જો મુંબઇ સ્થિત દાદીમા પાસેથી કોર્ટના આદેશથી દોઢ વર્ષ પહેલા મેળવાયો હતોઃ ઘરેથી રૂ. ૫૦૦ લઇને નીકળી ગયા'તાઃ જેમાં બેઠા એ ટ્રેન જુનાગઢ પહોંચી, ત્યાંથી મુંબઇના બોર્ડવાળી ટ્રેનમાં ચડી ગયા'તાઃ હેમખેમ મળતાં સોૈને રાહતઃ મોટા ભાઇ ઋષિકેશ સાથે ગાયબ થયેલો દર્શન અને ત્રીજો દર્શનેશ (દેવ) જૂડવા છે

તસ્વીરમાં ગૂમ થયેલા બંને ભાઇઓ ઋષિકેશ (ઉ.૧૨) અને દર્શન (ઉ.૧૧)ના ફાઇલ ફોટો દેખાય છે. આ બંને મુંબઇથી હેમખેમ મળી ગયા છે.  તે જ્યાં રહે છે સહકાર નગરમાં આવેલુ તેનું ઘર, તેના માતા રશ્મિબેન, ભાઇ દર્શનેશ (દેવ), માસી સહિતના પરિવારજનો અને છેલ્લી તસ્વીરમાં મુંબઇમાં બંને ભાઇઓ દાદીમા તથા પોલીસમેન ઇન્દ્રજીતસિંહ ગોહિલ તથા જયદિપસિંહ જોઇ શકાય છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)(૧૪.૮)

 

રાજકોટ તા. ૩૦: સહકાર સોસાયટી-૨માં પીપળીયા હોલ પાછળ નાના, મામા અને વિધવા માતા સાથે રહી પી.ડી. માલવીયા કોલેજ નજીક અંબાજી કડવા પ્લોટમાં આવેલી શ્રધ્ધા ઇંગ્લીશ મિડીયમ સ્કૂલમાં ભણતાં બ્રાહ્મણ સોમપુરા પરિવારના બે સગા ભાઇઓ ઋષિકેશ ભરતભાઇ સોમપુરા (ઉ.૧૨) અને દર્શન ભરતભાઇ સોમપુરા (ઉ.૧૧) ગઇકાલે સવારે સાતેક વાગ્યે ઘરેથી સ્કૂલે ગયા બાદ સ્કૂલમાં ન જઇ સાઇકલ પર બેસી નીકળી ગયા બાદ ગાયબ થતાં સાંજ સુધી શોધખોળ બાદ પોલીસને જાણ કરાતાં માલવીયાનગર પોલીસે સગીર ગૂમ થવાના કિસ્સામાં તાકીદે અપહરણનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસની એક ટીમ મુંબઇ પણ દોડાવાઇ હતી. દરમિયાન આ બંને ભાઇ પહેલા ટ્રેનમાં બેસી જુનાગઢ અને ત્યાંથી બીજી ટ્રેનમાં ચડી જઇ મુંબઇ દાદીના ઘરે પહોંચ્યાનું ખુલતાં સોૈએ રાહત અનુભવી છે. ભણવા બાબતે માતા, મામા સહિતના ઠપકો આપતાં હોઇ તે ઋષિકેશને ગમતું ન હોવાથી નાના ભાઇને ફોસલાવી દાદી સાથે રહેવા જવા જાતે જ નીકળી ગયાનું અને ટિકીટ લીધા વગર ટ્રેનમાં બેસી મુંબઇ પહોંચી ગયાનું ખુલ્યું છે.

બે સગા ભાઇઓ ભેદી રીતે ગાયબ થયાની જાણ થતાં પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોૈત, જેસીપી ડી.એસ. ભટ્ટ, ડીસીપી ઝોન-૧, ઝોન-૨ અને એડી. ડીસીપી હર્ષદ મહેતાએ મામલો ગંભીર ગણી તાકીદે તપાસના આદેશો આપતાં માલવીયાનગરના પી.આઇ. એમ. ડી. ચંદ્રાવાડીયા, પી.એસ.આઇ. પી.એલ. ધામા, પરેશભાઇ, જાવીદભાઇ, રાહીદભાઇ, ઇન્દુભા, મયુરસિંહ, અરૂણભાઇ સહિતની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો. ગૂમ થનારના માતા રશ્મીબેન ભરતભાઇ સોમપુરા (ઉ.૪૦-રહે. સહકાર-૨)ની ફરિયાદ પરથી અજાણી વ્યકિત કે તપાસમાં ખુલે તેની સામે આઇપીસી ૩૬૩ મુજબ અપહરણનો ગુનો નોંધી તપાસ આરંભી છે. રશ્મીબેનને જણાવ્યું છે કે હું હાલમાં મારા પિતા ગજાનંદભાઇ આચાર્ય (સોમપુરા) તથા ભાઇઓ પંકજભાઇ, ભાવેશભાઇ અને વિનયભાઇ તથા મારા ત્રણ પુત્રો ઋષિકેશ (ઉ.૧૨), દર્શનેશ (દેવ) (ઉ.૧૧) અને દર્શન (ઉ.૧૧) સાથે રહુ છું. મારા લગ્ન મુંબઇ ખાતે થયા હતાં. પતિ ભરતભાઇ સુરેશભાઇ સોમપુરાનું ૨૦૧૦માં અવસાન થયું હોઇ હું મુંબઇ વિરાર ખાતેનું સાસરૂ છોડી રાજકોટ માવતર સાથે રહેવા આવી ગઇ હતી. સંતાનો પણ મારી સાથે રહે છે. હાલમાં મુંબઇ ખાતે મારા સાસુ ઉષાબેન રહે છે. ઋષિકેશ શ્રધ્ધા સ્કૂલમાં ધોરણ-૭માં, દર્શનેશ અને દર્શન ધોરણ-૬માં અભ્યાસ કરે છે. દર્શનેશ અને દર્શન બંને જૂડવા છે.

દર્શનેશ અને દર્શન બંને પ્રદિપભાઇની વેનમાં બેસી દરરોજ સવારે સ્કૂલે જાય છે. જ્યારે ઋષિકેશ સાઇકલ લઇને સ્કૂલે જાય છે. ગઇકાલે સોમવારે સવારે પણ આ રીતે જ ત્રણેય સ્કૂલે ગયા હતાં. પણ સાડા સાતેક વાગ્યે શાળામાંથી આચાર્ય પુજાબેનનો ફોન આવ્યો હતો કે ઋષિકેશ અને દર્શન વર્ગમાં આવ્યા નથી. આથી હું મારા ભાઇ વિનયભાઇ સહિતના તપાસ કરવા શાળાએ દોડી ગયા હતાં. ત્યાં આચાર્યએ કહ્યું હતું કે તમારા બંને દિકરા સ્કૂલમાં આવ્યા નથી, પણ બંને લંચ બોકસ ભુલી ગયાનું અને પરત ઘરે લેવા જઇ રહ્યાનું કહી ઋષિકેશની સાઇકલમાં નીકળ્યા છે. આ વાત બીજા છોકરાઓને બંને કહી ગયા હતાં.

બંનેને શોધવા છતાં પત્તો ન મળતાં ગુમ થયાની જાણ પોલીસને કરી હતી. તપાસ દરમિયાન ઋષિકેશની સાઇકલ ગુરૂકુળ ઢેબર રોડ શ્રીજી પ્રસાદમ્ પાસેથી રેઢી મળી આવી છે. તેમાં લોક મારેલુ નહોતું. રશ્મીબેને વધુમાં જણાવ્યું છે કે અમારે કોઇ સાથે દુશ્મની નથી કે મનદુઃખ ચાલતુ નથી. મારા સાસુ ઉષાબેન મુંબઇ વિરાર વેસ્ટ લીલી બિલ્ડીંગ બ્લોક નં. ૫૦૪, વીરાર ગાર્ડન મુંબઇ ખાતે રહે છે. તેમજ નણંદ સંધ્યાબેન અમદાવાદ રહે છે. તેની સાથે અમારે સંબંધ નથી. છોકરાઓના અપહરણ અંગે કોઇ પર શંકા નથી.

મારા પતિના અવસાન બાદ મારા છોકરા ઋષિકેશ અને દર્શન બંને તેના દાદી પાસે હતાં અને તેનો કબ્જો મેળવવા રાજકોટ કોર્ટમાં દાવો કર્યો હતો. કોર્ટના હુકમ મુજબ બંનેનો કબ્જો હાલ દોઢેક વર્ષથી મારી પાસે છે. પી.એસ.આઇ. જે. કે. પાંડાવદરાએ એફઆઇઆર નોંધી હતી. પી.આઇ. ચંદ્રાવાડીયા, પીએસઆઇ ધામા અને ડી. સ્ટાફની ટીમે તપાસ શરૂ કરી હતી. એડી. ડીસીપી હર્ષદ મહેતાની રાહબરી હેઠળ એક ટીમ મુંબઇ તપાસાર્થે દોડી ગઇ હતી. સવારે પોલીસ ટૂકડી બંને ભાઇઓના દાદીમાના ઘર પાસે વોચ રાખીને ઉભી હતી. ત્યાં જ બંને રિક્ષામાં બેસી ત્યાં આવતાં પોલીસે દાદીમા પાસે લઇ જઇ બંનેની પુછતાછ કરી હતી. ઋષિકેશે પોતાને ભણવું ગમતું ન હોઇ અને તેના કારણે ઘરમાં ઠપકો મળતો હોવાથી કંટાળીને પોતે નાના ભાઇને ફોસલાવીને ઘરેથી રૂ. ૫૦૦ લઇને નીકળી ગયાનું અને વગર ટિકીટે ટ્રેનમાં બેસી ગયા હતાં. પણ એ ટ્રેન જુનાગઢ પહોંચતા ત્યાંથી બીજી એક ટ્રેનમાં મુંબઇનું બોર્ડ લખેલું હોઇ તેમાં બેસી જઇ મુંબઇ  પહોંચ્યાનું બંનેએ કહ્યું હતું.

બંને ભાઇઓના નાના ગજાનંદભાઇએ કહ્યું હતું કે પરમ દિવસે જ ઋષિકેશે મુંબઇ રહેતાં દાદીમા સાથે ફોનમાં વાત કરી હતી.   બંને ત્યાંથી જ મળી આવતાં અમે સોૈએ રાહતનો દમ લીધો છે. પી.આઇ. ચંદ્રાવાડીયાએ કહ્યું હતું કે બંને બાળકો હેમખેમ મળી ગયા તે અમારા માટે રાહતની બાબત છે. અપહરણના ગુનામાં હવે ફાઇનલ ભરવામાં આવશે. મોડી સાંજ સુધીમાં બાળકોને લઇને ટીમ રાજકોટ આવી પહોંચશે. એ પછી વિશેષ તપાસ થશે.

ઋષીકેશ અને દર્શને અઠવાડીયા પહેલા રિક્ષા, ફાટક, મંદિરના ચિત્રો દોર્યા'તાઃ તેમાં હેપી જર્ની પણ લખ્યું'તું: નાનો ભાઇ જોવા આવતાં તેને તગેડી મુકયો'તો  : અગાઉથી નીકળી જવાનો પ્લાન ઘડ્યો હોવાની શંકા!?

. ગૂમ થયેલા ઋષિકેશ અને નાના ભાઇ દર્શને અઠવાડીયા પહેલા પોતાના રૂમમાં એક ભેદી ચિત્ર દોર્યુ હતું. જેમાં રેલ્વે ક્રોસીંગ, મંદિર, એક રિક્ષા અને રિક્ષાના નંબર લખ્યા હતાં. તેમજ તેમાં હેપી જર્ની એવું અંગ્રેજીમાં લખાણ કર્યુ હતું. જૂડવા ભાઇ દર્શનેશ (દેવ)એ કહ્યું હતું કે આ ચિત્ર ઋષિકેશ અને દર્શન દોરતાં હતાં ત્યારે હું તે જોવા જતાં મને નીચે જવાનું કહીને તગેડી મુકયો હતો. પોલીસે આ ચિત્રને આધારે પણ તપાસ કરી છે. ચિત્ર જોતાં ગુરૂકુળ ફાટક આસપાસનું લોકેશન લાગે છે. ત્યાં મેલડી માતાજીનું મંદિર છે અને રિક્ષાઓ પણ ઉભી રહે છે. બંનેએ અગાઉથી જ નીકળી જવાનો પ્લાન ઘડ્યો હોવાની શંકા છે. આ ચિત્ર મુજબ જ બંને ઘરેથી નીકળ્યા બાદ સાઇકલ રેઢી મુકી રિક્ષામાં બેસી રેલ્વે સ્ટેશને ગયા હતાં અને ત્યાંથી કોઇને પુછીને ટિકીટ લીધા વગર મુંબઇની ટ્રેનમાં ચડી ગયાનું ખુલ્યું છે. તસ્વીરમાં ચિત્ર અને વિગતો જણાવનાર દર્શનેશ (દેવ) જોઇ શકાય છે (ફોટોઃ અશોક બગથરીયા)

(3:10 pm IST)